અમદાવાદ, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | સિંધી સમાજમાં રમતગમતની ભાવના અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સિંધી પ્રીમિયર લીગ (SPL) – સીઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું સંચાલન કન્હાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મણિનગર ચેટીચંદ કમિટીનો સહયોગ પ્રાપ્ત છે.
ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ 30 મે, 2026ના રોજ યોજાયો હતો. સમગ્ર ટુર્નામેન્ટ કિંગ કન્હા ક્રિકેટ ક્લબ, હિરાપુર, ચૌવકી રોડ, હાથીજણ – નેનપુર રોડ, અમદાવાદ ખાતે રમાશે.
આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 12 શક્તિશાળી ટીમો ભાગ લઈ રહી છે અને 10 ઓવરના ફોર્મેટમાં રમાનારી આ સ્પર્ધા 5 દિવસ સુધી ચાલશે. લીગ રાઉન્ડથી લઈને ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ સુધીની મેચો ઉત્સાહભેર યોજાશે.
ટુર્નામેન્ટનો કાર્યક્રમ
• 30 મે (શનિવાર) – 4 લીગ મેચ
• 31 મે (રવિવાર) – 4 લીગ મેચ
• 05 જૂન (શુક્રવાર) – 4 લીગ મેચ
• 06 જૂન (શનિવાર) – ક્વાર્ટર ફાઇનલ મેચો
• 07 જૂન (રવિવાર) – સેમિફાઇનલ અને ફાઇનલ
આ પ્રસંગે શહેરના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ઉપરાંત ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન શ્રી ચિંતન ગજા અને પ્રતિભાશાળી યુવા ખેલાડી કુમારી દિવ્યા વર્ધાની પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરણા આપી હતી.
મણિનગરના સોશિયલ વર્કર શ્રી સુનીલ મુરજાણીએ જણાવ્યું હતું કે, સિંધી પ્રીમિયર લીગની આ ત્રીજી સીઝનમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટ દ્વારા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ અવસર મળશે. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને આકર્ષક ટ્રોફી એનાયત કરવામાં આવશે તેમજ શ્રેષ્ઠ બેટ્સમેન, શ્રેષ્ઠ બોલર, મેન ઓફ ધ મેચ અને અન્ય વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન શ્રી ચિંતન ગજાએ જણાવ્યું હતું કે, સિંધી સમાજ માટે આ પ્રકારનું ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ સરાહનીય અને પ્રેરણાદાયી આયોજન છે. સમાજના યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા માટે આયોજકો દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ પ્રશંસનીય છે. તેમણે ટુર્નામેન્ટ સાથે જોડાયેલા તમામ આયોજકો, સહયોગીઓ અને ખેલાડીઓને અભિનંદન પાઠવતાં ખેલાડીઓ રમતની સાચી ભાવના અને સ્પોર્ટ્સમેનશિપ સાથે રમે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
મણિનગરના ધારાસભ્ય ડૉ. અમુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, સિંધી સમાજે આઝાદી પછીથી ભારતની સનાતન સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોના સંવર્ધન માટે સતત મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓ અને તહેવારોની ઉજવણી સિંધી સમાજની આગવી ઓળખ રહી છે. રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ ખેલાડીઓના શારીરિક અને માનસિક વિકાસ તેમજ શિસ્ત, ટીમ સ્પિરિટ અને સ્પોર્ટ્સમેનશિપ જેવા ગુણોના નિર્માણ માટે એક અસરકારક માધ્યમ છે. તેમણે આવા આયોજનો સમાજમાં એકતા અને યુવાનોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેમ જણાવ્યું હતું.
ટુર્નામેન્ટના આયોજકો વિજય આર. હેમાણી, ભાવેશ રાજાણી, જગદીશ હેમાણી, સુનિલ મુરજાણી, રાજુભાઈ રાયસિંઘાણી, કુમારભાઈ આહુજા, બાબુલાલ નાનકવાણી, જોની એચ. અડવાણી અને રોહિત સુજાણીએ જણાવ્યું હતું કે સિંધી પ્રીમિયર લીગ માત્ર ક્રિકેટ સ્પર્ધા નથી, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને યુવા શક્તિને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે.
== સમાપ્ત ==
