Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અરબ સાગરની રાણી-કોચિથી મોરારિબાપુનાં શ્રીમુખે ૯૭૯મી રામકથાનો આરંભ થયો.

કથા શ્રવણ પછી મલ તો છૂટે છે,પણ હજી મૂળ છૂટતું નથી.

જ્યાં મૃત્યુ નથી ત્યાં પતન છે.

પતનથી મૃત્યુ અનેક ગણું સારું છે.

મૃત્યુ વગર જીવનના બધા રૂપ અને સ્વાદ મળતા નથી.

અઢારેય પુરાણોનો સાર કાઢીને પ્રકૃતિ પુરાણ રચાવું જોઈએ.

બીજ પંક્તિઓ:

અતિસય દેખિ ધર્મ કૈ ગ્લાનિ;

પરમ સભીત ધરા અકુલાની

ધેનુ રૂપ ધરી હ્રદય બિચારી;

ગઇ તહાં જહં સુર મુનિ ઝારી.

હરિહઉં સકલ ભૂમિ ગરુઆઇ;

નિર્ભય હોહુ દેવ સમુદાઇ

-બાલકાંડ

પ્રાચીન પરંપરાઓ તથા ઔપનિવેશક ઇતિહાસ (કોલોનીઅલ ઇતિહાસ)અને સાંસ્કૃતિક વિવિધતાઓથી સમૃદ્ધ,જેને ‘અરબ સાગરની રાણી’ કહેવાય છે એવા કોચીનાં લુલુ બોલગટ્ટી ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર,બોલગટ્ટી આઇલેન્ડ મુલવુકાડ-એર્નાકુલમ(કેરળ)થી શનિવાર સાંજે મોરારીબાપુનાં શ્રીમુખે ક્રમમાં ૯૭૯મી રામકથાનો આરંભ થયો.

નિમિતમાત્ર મનોરથી રમાબેન જસાણી પરિવારની દીકરીઓ દ્વારા સ્વાગત ભાવ બાદ બીજ પંક્તિઓનું ગાયન કરીને કથાનો આરંભ કરતા બાપુએ આ ભૂમિ ઉપર કથા ગાવાનું ભાગ્ય મળ્યું એ બદલ તલગાજરડી પ્રસન્નતા વ્યક્ત કરીને યાદ કર્યું કે દેશની બહાર,સૌ પ્રથમ દરિયાપાર કેન્યામાં કથા કરી ત્યારથી વ્યાસપીઠ સાથે જોડાયેલો આ જસાણી પરિવાર.પછી એની બહેન-દીકરીઓનો પરિવાર વ્યાસપીઠ સાથે જોડાયેલો છે,બધા તરફ સાધુવાદ વ્યક્ત કરીને કહ્યું કે કોચીમાં લગભગ ૫૯ વર્ષ પહેલા કથા થઈ હતી.આ ભૂમિ જગતગુરુ આદિ શંકરાચાર્યની,કાલડી અહીંથી માત્ર ૧૦ કિલોમીટર દૂર છે.વૈદિક-સનાતન પરંપરાનાં એક જ્યોતિર્ધરની આ શાંકરી ભૂમિ છે.

કથાના વિષય તરફ વાત કરતા કહ્યું કે સ્વર્ગનાં પ્રલોભન ખૂબ અપાયા.નરકનો ભય પણ આપણને ખૂબ સતાવે છે.પણ મૃત્યુલોકની વાત બહુ નથી થતી માનસ સ્વર્ગ પર એક કથા પણ થયેલી છે.

આટલી કથા પછી પણ નિંદા,દ્વેષ,ઈર્ષા ન છૂટે તો આપણે નરકમાં જ જીવી રહ્યા છીએ! આટલા વર્ષોની કથાની ફળશ્રુતિ શું?પ્રારંભિક ફળશ્રુતિ મલ છૂટે.મલ તો છૂટે છે પણ હજી મૂળ છૂટતું નથી.વિનમ્ર પ્રયાસ છે કે મૂળ પણ મટી જાય અને બીજી નવી કૂપણો અંકુરિત ન થાય.

પૃથ્વીલોકને મૃત્યુલોક કહે છે.અહીં મૃત્યુ છે એટલે જીવવા જેવો લોક છે.જ્યાં મૃત્યુ નથી ત્યાં પતન છે. પતનથી મૃત્યુ અનેક ગણું સારું છે.આ ખૂબ જ મહિમાવંત લોક છે.મૃત્યુ વગર જીવનના બધા રૂપ અને સ્વાદ મળતા નથી.

ઓશોએ એક શિબિર કરેલી-મૈં મૃત્યુ શિખાતા હું. જીવનનો સ્વાદ લેવા માટે મૃત્યુ અનિવાર્ય છે. ઉપનિષદમાં મૃત્યુને અમૃતની તરફની માગણી કરી છે પણ એ બચવા માટે નહીં પણ,મહામૃત્યુમાં પ્રવેશ માટે છે.

જેટલા શુભ વિચારોની સત્સંગ અને શિબીરો થઈ એ બધી જ મૃત્યુલોકમાં થઈ છે.ગંગા પણ અહીં જ આવી છે.તુલસીજીએ પણ સ્વર્ગની વાત નથી કરી. તુલસી ધરાનાં પ્રેમી છે.

ઉપદેશમાં પર મન મુકુર સુધાર-એવું હોય.તુલસીએ નીજ મન મુકુર સુધારવાની વાત કરી છે.

૧૪-લોક અને ગ્રંથ તો અનેક બ્રહ્માંડની વાત કરે છે. પણ મૂળ ત્રણ લોક-સ્વર્ગ,પૃથ્વી અને પાતાળ.આ મધ્યમ માર્ગ છે.

મહાદેવ પૃથ્વી ઉપર-મૃત્યુલોકમાં રહે છે.મહાદેવ એન.આર.આઈ નથી.

રામાયણ કાળમાં પણ ઘણા લોકો મરવા નહોતા માગતા એમાં રાવણ પણ હતો.મૃત્યુલોકમાં રહીને મરવું નથી એ ઉદ્ઘઘોષ જ બિલકુલ અજ્ઞાનતા દર્શાવે છે.

બાપુએ કહ્યું કે મને ઉપર જોવાનું શીખવાડનાર પાંચ શિખરો:કૈલાશ,ગિરનાર,આબુ,કામદગિરિ-ચિત્રકૂટ, અને ગોવર્ધન છે.

જે મરવાનું શીખી જાય છે એ જીવન પામી લે છે. ગંગાનો મહિમા મૃત્યુલોકમાં થયો છે.જીવવાનું આવડી જાય તો મૃત્યુલોક અમૃતલોક થઈ જાય.

અઢારેય પુરાણોનો સાર કાઢીને પ્રકૃતિ પુરાણ રચાવું જોઈએ.

એ પછી કથાનાં ક્રમમાં ગ્રંથની ઓળખ,પ્રથમ કાંડનાં સાત મંત્રો,વિવિધ વંદનાઓનું ગાયન કરી,ગુરુવંદના પછી હનુમંત વંદના બાદ આજની કથાને વિરામ અપાયો.

== સમાપ્ત ==

Related posts

અક્ષય તૃતીયા નિમિત્તે સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા 30,000 લીટર કેસુડાનો શરબત અને 7,500 લીટર ગીરગાયની છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

truthofbharat

ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

truthofbharat

એઆઈએફએફ (AIFF ) હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં જગરનૉટ એફસી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

truthofbharat