Truth of Bharat
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

જળસંચયથી જનસુખાકારી: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત તળાવનું ભવ્ય લોકાર્પણ

  • વડસરનું નવસર્જન: ૧૮ કરોડના ખર્ચે તૈયાર થયું સોલાર એનર્જીથી સંચાલિત ઇકો-ટુરિઝમ સ્પોટ
  • પ્રકૃતિ અને આધુનિકતાનો અદભુત સમન્વય એટલે વડસર ખાતે નવનિર્મિત ‘આનંદમ્ જેડવા તળાવ’
  • ૩૧ હજાર વૃક્ષો, મિયાવાકી જંગલ અને QR કોડ: વડસરનું સ્માર્ટ પ્રકૃતિ ધામ

અમદાવાદ, ગુજરાત | ૨૯મી મે ૨૦૨૬ | ગુજરાતના વિકાસ મોડેલમાં આજે વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભૌતિક વિકાસની સાથે ઇકો સિસ્ટમની જાળવણી અને સંવર્ધનના અભિગમને ચરિતાર્થ કરતા એક ભવ્ય પ્રકૃતિ ધામનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કલોલ તાલુકાના વડસર ગામ ખાતે રૂપિયા ૧૮.૭૨ કરોડના અંદાજિત ખર્ચે સાકાર થયેલા ભવ્ય ‘આનંદમ્ જેડવા તળાવ’ ને પર્યાવરણ અને પ્રકૃતિના ઉત્સવ સમાન વાતાવરણમાં જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા પીપળાના વૃક્ષનું વાવેતર કરીને આ નવસર્જિત પ્રકૃતિ ધામ નગરજનો માટે સમર્પિત કરવામાં આવ્યું હતું.

દીર્ઘદ્રષ્ટિથી નવસર્જન સુધીની સફર સમો આ પ્રોજેક્ટ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની દીર્ઘદ્રષ્ટિ, પ્રેરણા અને સતત માર્ગદર્શનનું જીવંત પરિણામ છે. ઉલ્લેખનીય છે કે, ૪ વર્ષ અગાઉ શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનું વૃક્ષ વાવીને આ તળાવનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, જે આજે એક ભવ્ય અને આધુનિક ઈકો-ટુરિઝમ સ્પોટ તરીકે સાકાર થયું છે. આનંદમ્ પરિવારના અનિલ પટેલ દ્વારા નિર્માણ પામેલું આ તળાવ કુદરતી સંસાધનોના ઉત્કૃષ્ટ ઉપયોગ અને સૌરઊર્જા સંચાલિત વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ગ્રીન કવરેજ બમણું કરવાનો સંકલ્પ સાથે શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં તળાવોને સજીવન અને ઇન્ટરલિકિંગ કરવાનું એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ મિશન મોડ કાર્યશૈલીના પરિણામે આ ક્ષેત્રનું ગ્રીન કવરેજ ૮% થી વધીને ૧૬% સુધી પહોંચી રહ્યું છે, જે ગાંધીનગર લોકસભાને સમગ્ર દેશમાં અવ્વલ કક્ષાની હરિયાળી લોકસભા બનાવવા તરફ અગ્રેસર કરે છે.

ગૃહ મંત્રીશ્રીની સૂચનાથી ગુજરાત સરકારના વિવિધ વિભાગો  દ્વારા આ તળાવોના આંતરિક જોડાણની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. આ ઇન્ટરલિકિંગ પ્રોજેક્ટથી ગામોમાં પાણી ભરાવાની સમસ્યા હલ થશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ખેતી તથા પશુધનને મોટો ફાયદો થશે.

વડસરના ‘જેડવા તળાવ’ની મુખ્ય વિશેષતાઓ અને આકર્ષણોની વાત કરવામાં આવે તો રૂપિયા ૧૮ કરોડથી વધુના ખર્ચે વેટલેન્ડ તરીકે વિકસાવવામાં આવેલું આ આધુનિક તળાવ માત્ર જળાશય નથી પરંતુ જ્ઞાન અને શાંતિનું કેન્દ્ર છે.ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક લોકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પરિસરમાં બે ભવ્ય પ્રવેશદ્વાર, આહલાદક બગીચો અને આકર્ષક પવનચક્કી બનાવવામાં આવ્યા છે. મુલાકાતીઓના આરામ માટે સુંદર ગઝેબો, સિનિયર સિટીઝન માટે ખાસ ઉદ્યાન અને શાંત વાતાવરણમાં વાંચન વિસ્તારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સભર જીવન માટે બે વિશિષ્ટ યોગવિસ્તાર અને બાળકોના મનોરંજન માટે રમતગમતનું આધુનિક મેદાન પણ તૈયાર કરાયું છે. આ ઉપરાંત, આધુનિક વોટર પ્રોજેક્ટ અંતર્ગત ફિલ્ટરેશન તળાવ અને પાણીના સુંદર ફુવારા ગોઠવવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટે પાયાની સગવડો સ્વરૂપે વિશાળ કાર પાર્કિંગ તેમજ ટ્રાવેલર્સ પાર્કિંગની વ્યવસ્થા, શૌચાલય અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે. વહીવટી અને વ્યવસ્થાપન સુવિધાઓ માટે પરિસરમાં સર્વિસ દ્વાર, સોવેનિયર શોપ, પંપ રૂમ અને ઇલેક્ટ્રિક રૂમ પણ બનાવવામાં આવ્યા છે.

શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા તળાવોના આંતરિક જોડાણના કારણે ચોમાસા દરમિયાન ખાલી રહેતા તળાવોને તેની નજીકમાં આવેલ વરસાદી પાણી કે પાઇપલાઇનથી જોડાણ મળતાં ગામમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ થશે. આ સિસ્ટમથી જમીનમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને તેના પરિણામે ગામોમાં ખેતી તેમજ પશુધનને પણ પાણીની ઉપલબ્ધિમાં મોટો વધારો થશે.

વડસર ગ્રામ પંચાયત દ્વારા આ નયનરમ્ય અને ઐતિહાસિક તળાવના રક્ષણ તેમજ જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના વિઝનરી નેતૃત્વમાં સાકાર થયેલું આ ‘આનંદમ્ જેડવા તળાવ’ ગુજરાતના ટકાઉ અને પર્યાવરણલક્ષી વિકાસની સાફલ્ય ગાથાનું એક ઉત્કૃષ્ટ પ્રતીક બન્યું છે.

Related posts

એડનિકને ભારતમાં શાખા સ્થાપિત કરવા માટે નિયામક મંજૂરીઃ આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં મોટું માઈલસ્ટોન પાર કર્યું

truthofbharat

અમદાવાદ “ધ ગાના એરેના – ગુરુ શિષ્ય કનેક્ટ સીઝન 3” સાથે એક ભવ્ય સંગીતમય સાંજનું સાક્ષી બનવા માટે તૈયાર

truthofbharat

મોરારી બાપુએ તલગાજરડા અને સાળંગપુર વચ્ચે એસટી બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું

truthofbharat

Leave a Comment