વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે,કૃષ્ણસ્મૃતિ પરમ વરદાન છે.
કથા છે સાર્વજનિક,પણ વ્યક્તિગત બનીને સાંભળવી જોઈએ.
કિલ્લારીમાં સાદાઇથી ગવાયો રામ જન્મોત્સવ
કિલ્લારી ખાતે ગવાઇ રહેલી રામકથા ધારામાં ગુરુવારનાં છઠ્ઠા દિવસે કહેવાયું કે બીજું કંઈ યાદ રહે,ન રહે માત્ર હરિનામ યાદ રાખો.રામ માનસનો પુર્વાર્ધ,કૃષ્ણ મધ્યભાગ અને કરુણા ઉત્તરાર્ધ છે.આ જ રામકૃષ્ણહરિ-સત્ય,પ્રેમ અને કરુણા છે.
રૂમીનું એક વાક્ય છે:વ્હેનએવર યુ આર અલોન રીમાઇન્ડ યોર સેલ્ફ ધેટ,ગોડ હેઝ સેન્ટ એવરીવન એલ્સ અ વે,સો ધેટ ધેર ઇઝ ઓન્લી યુ એન્ડ હિમ. (જ્યારે તમે એકલા થઈ જાઓ ત્યારે એવું સમજજો કે પરમાત્માએ બધાને અલગ કરી દીધા જેથી તમે અને પરમાત્મા બે જ રહી શકો)
વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે અને કૃષ્ણ સ્મૃતિ પરમ વરદાન છે.
કવિતાવલિનાં બે પદ-૮૯ અને ૧૩૮-વાલ્મીકિ આશ્રમનો પરિચય આપે છે.
જેમાં કહેવાયું છે કે:વાલ્મીકિ સપ્તર્ષિઓને જોઈને મરા-મરા બોલ્યા,જ્યાં મા જાનકીનો નિવાસ છે, જ્યાં મા હોય એ જ ઘર હોય,લવ-કુશનો જ્યાં જન્મ થયો,જેનો સ્પર્શ કરવાથી શરીરનો સંતાપ ચાલ્યો જાય,જ્યાં સિતાવટનું દર્શન કરવાથી સમગ્ર પાપના નાશ થઈ જાય,જાનકીજીનાં જ્યાં ચરણ પડ્યા છે-એ આશ્રમ,આ ભૂમિની વિશેષતા છે. સાધકે સંભવ હોય ત્યાં સુધી આકાશ નીચે સુવુ જોઈએ અને સપ્તર્ષિને જોવા જોઈએ.જેથી એક-એક ઋષિનું ચિંતન ઉતરે છે,આ બધા જ પ્રયોગ અને અનુભવ છે.આકાશ નીચે સુવાથી ઉદારતા આવે છે.
અહીં કોઈને એકબીજા પ્રત્યે દ્વેષ નથી ખૂબ સારું ગાય છે આવા સ્વભાવથી ઊંચાઈ પ્રાપ્ત થાય છે. અયોધ્યામાં ભગવાન રામ અશ્વમેઘ યજ્ઞ કરે છે. સરસ્વતી દત્ત વિણા લઈ બંને ભાઈ જાય છે.સૂચના હતી કે કોઈની ઘરે કથા ન કરવી અને કોઈ કંઈ આપે તો લેવું નહીં.લવ-કુશ કથા કરે છે ત્યારે એવું લાગે છે કે નાની-નાની જ્યોતિઓ સૂર્યની આરતી ઉતારે છે! કથા છે સાર્વજનિક પણ વ્યક્તિગત બનીને સાંભળવી જોઈએ.અવધ વાસીઓ સાંભળે છે. ગુરુએ આજ્ઞા આપી પછી મા આશીર્વાદ આપે છે કે રાજદેવતા,કુળદેવતા ગ્રામ્યદેવતા,વનદેવતા અને સૂર્યદેવતાને હું તમારી જવાબદારી સોંપી રહી છું.
એક-એક ગલીમાં ગાતા બાળકોને રામ પણ પોતાના રાજમહેલમાંથી સાંભળે છે અને વિચારે છે કે આ મને કેમ આટલું આકર્ષિત કરી રહ્યું છે!
વાલ્મીકિની ત્રણ ચાર ગણતરી હતી કે બાળકો ગાસે તો અવધવાસીઓને સીતા ઉપર જે કલંક લગાવેલું એ કથા ગાયનથી મટી જશે.જનમત રામની વિરુદ્ધ ચાલ્યો ગયેલો એનું પણ પ્રાયશ્ચિત થશે.જનમત પરિવર્તન થશે પછી ફરી જાનકી અયોધ્યાની સામ્રાગ્ની બનશે.લોકોના ટોળાઓ સાંભળે છે.કોઈ પરિચય ન હોવા છતાં પણ ખેંચાણ થાય તો સમજવું કે જનમ જનમનો કોઈક પરિચય છે,કાલિદાસ કહે છે કે અકારણ કોઈ પર ક્રોધ આવે તો પણ સમજવું કે કોઈક જન્મનો દ્વેષ છે.જન-જનના હૃદયમાં આ બાળકો પોતાના માતા-પિતાની સ્થાપના કરી રહ્યા છે રામ,લક્ષ્મણ અને ભરતને કહે છે બાળકોને લાવો. બાળકો કહે છે કે અમે કોઈની ઘરે જતા નથી.રામ કહે અયોધ્યાએ પણ આપની કથા સાંભળી,મેં પણ થોડીક સાંભળી તો ચાંદીના થાળમાં ૧૮ હજાર સોનાના સિક્કાઓ-સ્વર્ણ મુદ્રિકાઓ આપે છે ત્યારે કહે છે કે ગુરુએ મનાઈ કરી છે,તમે કોઈક સારી સેવામાં એનો ઉપયોગ કરજો.
રામ કહે છે કે આ યજ્ઞના વિશ્રામમાં આવજો,જાય છે ત્યારે સીતાની મૂર્તિ જોઈને લાગે છે કે આ મારી મા સમાન મૂર્તિ કોની છે?બાળકો જાણતા નથી કે મા સમાન નહીં,એ સીતામાતાની જ મૂર્તિ છે.
રામને કહેવાયું કે અશ્વમેધ યજ્ઞ માટે પુનઃવિવાહ કરો ત્યારે રામ કહે રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે પણ આ રામે જાનકીનો ત્યાગ નથી કર્યો,યજ્ઞ રોકાઈ શકશે પણ પુનર્વિવાહ નહીં કરું.પછી સિતાની સોનાની મૂર્તિ રાખવામાં આવે છે.બધાને લાગ્યું કે આની સાથે કોઈક અમારો સંબંધ છે.જનમત બદલી ગયો,લોકોના આંસુમાં જાનકી ઉપર લાગેલું પાપ વહી ગયું.રામકથા શું ન કરી શકે?માનસિકતા, અપરાધ અને કલંકને પણ ધોઈ નાંખે.
એ પછી કથા પ્રવાહમાં રામકથાને સરોવરની ઉપમા આપીને બાપુએ કહ્યું કે રાવણના પ્રાગટ્ય પછી રામજન્મના પાંચ કારણોની સંક્ષિપ્ત ચર્ચા કરીને અયોધ્યામાં શૃંગી ઋષિ દ્વારા યજ્ઞ પછી ત્રણેય માતાઓને પ્રસાદ મળે છે અને રામ મા કૌશલ્યાનાં ઉદરમાં અવતરણ કરે છે.રામ નવમીના દિવસે બધી જ મંગળ પરિસ્થિતિઓ સાથે ભગવાન રામનું મા કૌશલ્યાનાં ઉદરથી પ્રાગટ્ય થાય છે.કિલ્લારીની ભૂમિ પરથી સમગ્ર ત્રિભુવનને રામ જન્મની વધાઈ સાથે આજની કથાનો વિરામ થયો.
Box
કથા સાંભળો તો ભૂતોને લઈને સાંભળજો.
ભૂત-પંચમહાભૂત સાથે સાંભળો.જળ તત્વ આપણી આંખમાંથી નીકળે,અગ્નિતત્ત્વ રૂપી જિજ્ઞાસા,આકાશ તત્વ જેવા ખાલી થઈ,વાયુદેવતા હનુમાનની ઉપસ્થિતિમાં અને ધરતી સાથે જોડાઇને સાંભળો. જાનકીની ઉપાસનાથી રાગ-દ્વેષ,અવિદ્યા,માયા, અસ્મિતા અને અભિનિવેશ પણ મટી જાય છે.
ચરણદર્શન,વંદન,સ્પર્શ,ચરણરજ,પ્રક્ષાલન,ચરણ પૂજા,ચરણામૃત,ચરણ પાદુકા-આ રામચરિત માનસનું ચરણાષ્ટક છે.
