Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુનો વર્ણ મેઘ હોય છે.

શુભ સાથે જોડાઈ રહેવું એ પ્રયાગ છે.

મારા માટે દસમો અવતાર એ સદગુરુ છે”

સમર્થ એ છે જેનામાં દોષ નથી.

મેઘ સાધુ છે,વાદળ સાધુ છે,એ કોઈ ભેદ કરતા નથી.

પ્રકૃતિના મૂળ તત્વો ભેદ નથી કરતા

દેવભૂમિ ઉતરાખંડનાં વિષ્ણુ પ્રયાગનાં પવિત્ર સ્થાન પર ચાલતી રામકથાનાં બીજા દિવસે જણાવ્યું કે સાધુનો વર્ણ મેઘ હોય છે.બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય કે સેવક નહીં.કોઈ પણ સાધુ,સદગુરુ,વૈષ્ણવ,વિષ્ણુ બધા જ મેઘવર્ણ છે.શંકરાચાર્યનું સ્તોત્ર-ન મે મૃત્યુ શંકા,ન મે જાતિ ભેદ-આજના કાળમાં વારંવાર આપને કહી રહ્યો છું.કોઈ ભેદ ન હોય,વ્યવસ્થાના રૂપમાં અલગ વાત છે.

તુલસીજીના શબ્દોમાં મેઘ સાધુ છે,વાદળ સાધુ છે. એ કોઈ ભેદ કરતા નથી.પ્રકૃતિના મૂળ તત્વો ભેદ નથી કરતા.ગાંધી,વિનોબાજી,રામકૃષ્ણ પરમહંસ, રમણ,ગંગાસતી-આ બધા જ મેઘવર્ણી છે.

તમારા ઘરમાં કોઈ સેવા કરતા હોય,પોતા કરતા હોય રસોઈ કરતા હોય એના પ્રત્યે પણ ભેદ ન રાખતા. હા,સ્નાન કરી,સફાઈ,ચોખ્ખાઈ રાખીને કરે એવું કદાચ આપ કહી શકો.

પ્રયાગનો અર્થ છે:સમન્વય.શુભ સાથે જોડાઈ રહેવું એ પ્રયાગ છે.બધા જ વિષ્ણુના અવતારો છે. રામચરિત માનસમાં ૨૫ વખત ‘વિષ્ણુ’ શબ્દ અને ૧૧ વખત ‘પ્રયાગ’ શબ્દ આવ્યા છે.અવતાર ૨૪ છે,મુખ્ય અવતાર ૧૦ છે.એમાંથી નવ થઈ ગયા.પણ મારા માટે દસમો અવતાર એ સદગુરુ છે.એમ ૨૪ વખત વિષ્ણુ આવ્યા,૨૫મો એ આપણો સદગુરુ અવતાર છે.

વિષ્ણુના ચાર હાથ એ સમન્વય છે,પ્રયાગનું પ્રતીક છે બ્રહ્માંના ચાર મુખ,મહાદેવના પંચમુખ-આ મળીને ૧૩ને પકડી લ્યો તો કોઈ અપશુકન નહીં થાય. અધ્યાત્મમાં ૧૩ અદભુત છે.શ્રી રામ જય રામ જય જય રામ-માં તેરનો અંક દેખાય છે.એક તરફ અધ્યાત્મન યાત્રા કર્યા પછી આવી નાની-નાની વાતોમાં ડરવું ન જોઈએ.

શંખ,ચક્ર,ગદા અને પદ્મ ચાર હાથોમાં છે.શંખ સફેદ હોય છે.એનો આકાર કૂટિલ છે.ખારા સમુદ્રમાંથી આવે છે.પણ એ નાદ,વાણી અને ઘોષનું પ્રતીક છે. વ્યક્તિની વાણી શ્વેત હોવી જોઈએ,બનાવટી નહીં. શંખ યુદ્ધ અને બુદ્ધ બંનેને નિમંત્રણ આપે છે.ચક્ર ગતિનું પ્રતીક છે.એ ગતિ પોતાના હાથમાં હોવી જોઈએ.ગદા આમ તો શાસ્ત્ર છે પણ ગદા પકડવી પડે છે જે આસક્તિનું પ્રતીક છે.પદ્મ એ અસંગતાનું પ્રતીક છે.વિષ્ણુનો આ સંગમ છે.વિષ્ણુમાં આવા ઘણા જ પ્રયાગ દેખાય છે.બે હાથથી કમાઇને ચાર હાથથી વહેંચો તો વિષ્ણુ તત્વ,વૈષ્ણવ તત્વ આવશે. અતિ સંગ્રહ,બીજા ઉપર અત્યંત દ્વેષ,પોતાની વસ્તુ ઉપર અત્યંત વધારે મમત્વ-આ મન અને બુદ્ધિને સ્થિર રહેવા દેતા નથી.

હનુમંત વંદના પછી વંદના પ્રકરણમાં હનુમંત તત્વ વિશે જણાવીને રામ સેવકોની વંદના,સીતા અને રામની વંદના અને નામવંદનાનું સંવાદ થયો.

Box

જે નિર્દોષ છે એ સમર્થ છે

સમરથ કો નહિ દોષ ગોંસાઇ;

રવિ,પાવક,સુરસરી કી નાઇ

આ પંક્તિઓનો ખૂબ ખોટો અર્થ થયો છે.મારી પાસે ત્રિભુવનીય વિદ્યા છે,કાશી નથી ગયો છતાં પણ હું પી.એચ.ડી છું!એટલે કે પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર છું.બધાને અને વિવેચકોને પણ મારી પ્રાર્થના કે પૂર્વાપર સંબંધ જોયા વગર આ પંક્તિઓના ખોટા કે અલગ અર્થો ન કરશો. રામાયણમાં ‘કો’ શબ્દ છે.જેના માટે માનસમાં અનેક ચોપાઈ છંદ પણ છે જેનો અર્થ ‘કોણ’ એવો થાય છે અહીં સમરથ કો-એટલે સમર્થ કોણ છે?જેનામાં કોઈ દોષ નથી,જે પૂર્ણતઃ નિર્દોષ છે.રવિ સમર્થ છે કારણ કે એનામાં દોષ નથી.પાવક એટલે અગ્નિ સમર્થ છે પરમ પવિત્ર છે અને સુરસરીનો મતલબ છે ગંગા એ પણ મૂળમાં નિર્દોષ છે.પણ સમાજને ખૂબ ખોટા અર્થો બતાવનારાઓ એમ કહે છે કે તુલસીદાસજીએ સમર્થનો પક્ષ લીધો છે!અહીં પક્ષ નથી લીધો સમર્થોની વ્યાખ્યા કરી છે.જે નિર્દોષ છે એ સમર્થ છે

Box

સજળ નેત્રે વહી બાપુની મેઘવર્ણી વ્યથા.

મેઘવર્ણી બાબત સંવાદ કરતા બાપુએ કહ્યું કે તલગાજરડામાં એ સમયે દલિતોની સ્થિતિ કેટલી ખરાબ હતી કે પોસ્ટકાર્ડ લખી પણ ન શકતા અને કોઈનું પોસ્ટકાર્ડ કે કાગળ આવ્યો હોય તો એ દલિતો પછાત વર્ગોને કોઈ વાંચી પણ ન દેતા! પણ એક સાધુ નીકળ્યો!પ્રભુદાસ બાપુ.(બાપુના પિતાજી) અન્યથા ન લેશો,પણ આપ સુધી આ વાત પહોંચે એટલા માટે હું મારી વાત નાંખી રહ્યો છું અને એ વખતે લોકો પાણી છાંટીને પત્રો વાંચતા.પ્રભુદાસ બાપુ જ્યારે પત્ર વાંચે ત્યારે સાવિત્રી મા એને કહેતા કે પહેલા એને ચા પીવડાવ અને પછી બાપુ એના પત્રો વાંચતા.આ પહેલી વખત કહી રહ્યો છું જે મેં આંખે જોયું છે.પણ અસ્પૃશ્યતા એક-એક ગામડામાં એટલી બધી હતી કે કોઈ દલિત નીકળે તો એની પાછળ ઝાડું બાંધતા કારણકે એના પગલાનાં નિશાન ભૂંસાઈ જાય! આ મારી આત્મકથા નથી પણ આપણા સુધી સંદેશ પહોંચે એટલે કહું છું કે એક દલિત-કનુભાભી નીકળી અને અચાનક એણે પાછળ બાંધેલી સાવરણી બજારમાં પડી ગઈ.કોઈ ઉપાડવા તૈયાર ન હતું.એ વખતે સાવિત્રી મા પાણી ભરીને આવી.એણે જોયું અને મને બોલાવ્યો અને કહ્યું કે એ સાવરણી લઇ આવ,એના ટુકડા કરી,ચૂલામાં નાખી અને એના ઉપર રોટલી બનાવીને તને ખવડાવીશ.આ છે મેઘવર્ણી.

Related posts

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર દ્વારા કર્માટકની પ્રથમ ફક્ત મહિલાઓની એન્જિનિયરિંગ કોલેજમાં સેમસંગ ઈનોવેશન કેમ્પસનું ઉદઘાટન

truthofbharat

ગ્લોબલ સ્ટાર રામ ચરણ અને જાહ્નવીની ફિલ્મ પેડ્ડીનો પહેલો શોટ રિલીઝ, આ ફિલ્મ 27 માર્ચ 2026 ના રોજ રિલીઝ થશે

truthofbharat

Nothing Phone (3) અને Nothing Headphone (1)નું હવે ભારતમાં વેચાણ શરૂ

truthofbharat

Leave a Comment