Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તલગાજરડી ‘શીરીં ઝૂબાં’થી હાર્વર્ડનો ભવ્ય ઇતિહાસ દિવ્ય આધ્યાત્મિકતામાં ફેરવાયો

સમાજનું ઉચ્ચારણ દીર્ઘ ન હોય આચરણ દીર્ઘ હોવું જોઈએ.

શ્રેષ્ઠતમ વ્યાખ્યા મૌન છે.

હાર્વર્ડમાં બાપુએ કહ્યા ‘હાઉ વર્લ્ડ’નાં સૂત્રો.

“હું વાચક નહીં પણ પાચક જરૂર છું.”

બુધ્ધપુરુષ ચાર જગ્યાએ રહે છે.

સાધુ-બુદ્ધપુરુષ સજ્જન મંડળીમાં નહીં,ખલ મંડળીમાં રહે છે

જ્યાં અનેક વિશ્વ પ્રસિધ્ધ વૈજ્ઞાનિકો,સ્કોલર્સ, દુનિયાનાં રાજનેતાઓ તથા નોબલ પારિતોષિકથી વિભૂષિત વિદ્વજનો જે બેન્ચીસ પર બેસીને ભણ્યા છે એવી દુનિયાની શિરમોર હાર્વર્ડ યુનિવર્સિટીનાં હકડેઠઠ ભરાયેલા ભવ્ય હોલમાં સહજ ઊંચાઇ પર રહેલી વ્યાસપીઠ પરથી બાપ! શબ્દની ગુંજ ઉઠે છે ને ભવ્ય વાતાવરણમાં દિવ્યતા વ્યાપી જાય છે, ઐતિહાસિક પળો આધ્યાત્મિક માહોલમાં ફેરવાય છે. શ્રાવણ સુદ પંચમી ને સોમવારે કથા ત્રીજા દિવસમાં પ્રવેશ કરે છે. બીજ પંક્તિ રૂપી ચૌપાઇ ગાનનો મધુર ધ્વનિ સેન્ડર્સ થિયેટર મેમોરિયલ હોલની ગોથિક પુરાતન બાંધણીની શૈલી દિવ્ય તેજથી ઝળહળે છે. કથાનો આરંભ લંડનથી આવેલા એક યુવકનાં પ્રશ્નના ઉત્તરથી થયો. વાલ્મીકિજીને રામ અયોધ્યાકાંડમાં પોતે રહેવાના સ્થાન પૂછે છે.વાલ્મીકિજી કહે છે કે પહેલા એ બતાવો કે તમે ક્યાં નથી!રામે કહ્યું કે એકલો હું વ્યાપક છું પણ સીતા અને લક્ષ્મણ સાથે ક્યાં રહું?૧૪-સ્થાન બતાવ્યા.પણ બુદ્ધપુરુષને રહેવાના સ્થાન ક્યા છે?બાપુએ કહ્યું મારા ફ્લાવરો! ગુરુ માત્ર ચાર સ્થાન ઉપર રહે છે.જોકે એ અખંડ મંડલાકાર સચરાચર વ્યાપ્ત છે,પણ આપણે જોઈ શકીએ,એ આપણને જોઈ શકે એવા ચાર સ્થાન છે. શંકરાચાર્યજી કહે છે કે આખી દુનિયામાં અદ્વેત રાખજો પણ ગુરુ પાસે દ્વેત રાખજો કે આ મારો બાપ અને હું એનો આશ્રિત છું.માનસમાં બે-ત્રણ પ્રપંચી ગુરુ કાલનેમી,કપટમુનિ જેવા છે.પણ નારદ, ત્રિભુવનગુરુ શિવ,બૃહસ્પતિ,આવેશાવતાર પરશુરામ વ્યાસ અને શુક પણ છે.

વાલ્મીકિ કહે રામ! આપને બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ પણ જાણી શકતા નથી પણ આપ જેમને જણાવવા ચાહો એ જાણી શકે છે.

સમાજનું ઉચ્ચારણ દીર્ઘ ન હોય આચરણ દીર્ઘ હોવું જોઈએ.શ્રેષ્ઠતમ વ્યાખ્યા મૌન છે.આથી જ દક્ષિણા મૂર્તિ ગુરુ મૌન બેઠો છે.

બુદ્ધપુરુષને રહેવાના માત્ર ચાર સ્થાન છે.રામે વિભિષણ માટે ત્રણ સંબોધન-સાધુ,સજ્જન અને સંત કહ્યા,અમારા સુભાષભાઈને સંત શબ્દ ખૂબ પ્રિય છે.સત્ શબ્દ ઉપર આચરણનું અનુસ્વાર કે આચરણની ધજા લાગી જાય ત્યારે સંત બને છે.હું વાચક નહીં પણ પાચક જરૂર છું.આવા વિભિષણ-સાધુને હનુમાનજી પૂછે છે કે તું ખલ મંડળીમાં રાત દિવસ રહે છે તો ધર્મનું નિર્વાહન કેમ કરીશ?સાધુ-બુદ્ધપુરુષ સજ્જન મંડળીમાં નહીં,ખલ મંડળીમાં રહે છે.તંદુરસ્ત લોકોની જમાતમાં ડોક્ટર નથી રહેતો,પણ દર્દીઓની વચ્ચે એણે રહેવું જોઈએ ગુરુ બંધનને કાપનાર છે,પણ સ્વયં બંધનમાં રહે છે. શ્રદ્ધા અને પ્રેમની દોરીથી બંધાય છે.કોઈને પરવશ નથી કરતો,ખુદ પરવશ થઈ જાય છે.આથી જ હનુમાનજીએ બંધનનો સ્વીકાર કર્યો.તથાકથિત જ્ઞાન બંધન છે,બાકી તો જ્ઞાન મુક્તિનો દરવાજો છે.

સાધુનું ત્રીજું સ્થાન-એ અગ્નિમાં રહે છે.રામ પ્રસાદથી જાનકી પણ બળી નહીં તો ગુરુપ્રસાદથી વ્યાસપીઠ રુપી ચિત્તામાં બેઠેલો મોરારી બાપુ કઈ રીતે બળે! બુદ્ધપુરુષ જગત કલ્યાણ માટે સળગતો રહેતો હોય છે.ગુરુ આપણા મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકારમાં રહે છે.

કપટ મુનિએ ગુરુપ્રસાદની મર્યાદા બતાવતા કહ્યું કે ગુરુકૃપા જ્યાં-ત્યાં કહેવાને બદલે માત્ર ગુરુની પાસે જ કહેવી જોઈએ.

માનસ જ વિશ્વ વિદ્યાલય છે એવું સમજુ છું. હાર્વર્ડમાં ‘હાઉવર્લ્ડ’-આ દુનિયા કેવી એ કહેતા બાપુએ સાત સોપાનમાંથી સાત સૂત્ર તારવ્યા. રામચરિત માનસમાં ધર્મ અને અધ્યાત્મ બંને છે. સાધુનો કોઈ ધર્મ નથી હોતો,સાધુ સ્વયં ધર્મ છે.રામ સાધુ છે.રામો વિગ્રહવાન ધર્મ.સત્ય-પ્રેમ-કરુણા  આધ્યાત્મિક સૂત્રો છે અને ત્રણેય સનાતન છે.

તો માનસ વિશ્વવિદ્યાલયનાં સાત સૂત્રોમાં:

૧-ધર્મ અધ્યાત્મ દ્વારા દીક્ષિત છે.૨-જેમ વિદ્યાધામમાં જ્ઞાન અને વિજ્ઞાન બંને હોય,માનસમાં બંને છે.૩-દરેક વિશ્વ વિદ્યાલયમાં વસુધૈવ કુટુંબકમની ભાવના હોવી જોઈએ,જે માનસમાં છે.૪-દરેક વિશ્વવિદ્યાલયમાં સંવેદના પૂર્ણ સંવાદ થવો જોઈએ. ૫-હાર્દિક બૌધિકતા હોવી જોઈએ.હૃદય સિંધુ,બુદ્ધિ સીપ સમાના.૬-નિર્માણ પણ હોય અને નિર્વાણ પણ હોય.૭-વિકાસ વિશ્રામદાયી હોવો જોઈએ.

રામનામ વંદના પછી રામકથાનો આધ્યાત્મિક ઇતિહાસ કહેતા તુલસીએ કહ્યું શિવે રચના કરી પોતાના માનસમાં રાખી.ભુશુંડીજીને કહ્યું અને રામકથા કૈલાશથી ઉતરી યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજ પાસે થઈ તુલસીનાં ગુરુએ વારંવાર કહી.તુલસીજીએ ભાષાબદ્ધ કરીને ૧૬૩૧ની રામ નવમીનાં દિવસે અયોધ્યામાં તેનું પ્રકાશન કર્યું.રામચરિત માનસ નામ પડ્યું.માન સરોવરનાં રૂપક દ્વારા ચાર ઘાટ,દરેક ઘાટ પર વક્તા અને શ્રોતા બતાવ્યા.એક વખતનાં કુંભમેળામાં ભરદ્વાજે સંશય કરીને યાજ્ઞવલ્ક્યને રામકથા પૂછી.પૂછી રામકથા અને શિવચરિત્ર થી આરંભ થયો.આખું શિવચરિત્ર સંભળાવી શિવવિવાહ બાદ એક દિવસ પાર્વતી ભલ અવસર જોઈ શિવને રામ વિશે પ્રશ્ન પૂછે છે.

કથા વિશેષ:

આવા સુંદર ફ્લાવર્સનો બગીચો બનાવનાર આ બાગબાન-માળી-બાપુને ખુબ ખુબ પ્રણામ:ભુપેન્દ્રભાઇ પંડ્યા.

બહુશ્રુત વિદ્વાનોનાં પ્રવચનની શ્રેણીમાં આજે ભાગવતકાર ભુપેન્દ્રભાઈ પંડ્યાએ અંગ્રેજી અને હિન્દીમાં અભ્યાસ પૂર્ણ પ્રવચન રજૂ કરતા જણાવ્યું કે વોટ ઇસ ધ પર્પજ ફોર બીઇંગ હિયર?એટલે કે પર્પજથી પ્રભુ પ્રાપ્તિ સુધી જીવાત્માનું પરમ અને શ્રેષ્ઠ લક્ષ્ય છે-આનંદની અનુભૂતિ.

શ્રીમદ ભાગવત,વિવેક ચુડામણી,શંકરાચાર્યજી અને અનેક મહાનુભાવોને ક્વોટ કરતા તેમણે પોતાની વાત રાખીને જણાવ્યું કે મનુષ્ય જન્મ દુર્લભ છે પરંતુ ટેમ્પરરી છે. અહીં આપણે એક ભૂલ કરી છે:મોસ્ટ પીપલ દુઃખના નાશને સુખ અને ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલા સુખને આનંદ સમજે છે,પરંતુ આનંદ સુખ અને દુઃખથી પર છે.જ્યારે એઆઈનો યુગ આવ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં અલગોરીધમ બનાવીને યંગ જનરેશનને ટાર્ગેટ કરી મિસગાઈડ કરવાનું કાર્ય સમાજમાં ચાલી રહ્યું છે.આવા સમયે મેન ક્રીએટેડ ધ મશીન ટુ મેક લાઈફ સિમ્પલ,પરંતુ મશીન કહે છે તમે એ સાબિત કરો કે તમે માણસ છો,રોબો નથી! જ્યારે સુપર એઆઈ આવશે ત્યારે શું થશે!માનવ મશીન ન બની જાય અને મશીન માનવ ન બની જાય એનું ધ્યાન રાખવું પડશે.

ક્લોનીંગનાં ફિલ્ડમાં સફળતા મળી ત્યારે એના રિસર્ચને રોકવામાં આવ્યું પરંતુ એની બાય પ્રોડક્ટ રૂપે રોબો અને એઆઈ આવ્યું.ઇસ્ટ એન્ડ વેસ્ટ બોથ આર વન્ડરફુલ.પરંતુ તેનું એક્સ્ટ્રીમ ખોટું છે.માત્ર પશ્ચિમ કે માત્ર પૂર્વ ખરાબ છે-આવું વિચારવું આઉટડેટેડ છે.જે ખૂબ જ ભણ્યા એને અંગ્રેજીમાં સ્કોલર કહે છે,પછી એનું સંસ્કૃત બહુશ્રૃત કરે છે. પરંતુ ખૂબ ભણે એની નહીં પણ જે ખૂબ સાંભળે એની વેલ્યુ હોય છે.જે કંઈ વાંચીએ,સાંભળીએ એ આપણા જીવનમાં આવે ત્યારે સફળતા મળશે. રામકથા હાર્વર્ડ યુનિવર્સિટીનાં પાયામાં સનાતની મજબૂત પથ્થર બનીને યુગો-યુગો સુધી સ્થિર રહેશે. સનાતન વિચારધારાનું જાણે કે મંદિર બનશે અને એની ઉપર ઋષિ સંસ્કૃતિનો ધ્વજ સદીઓ અને સહસ્ત્રાબ્ધીઓ સુધી લહેરાતો રહે એવો સુંદર ભાવ વ્યક્ત કરીને કહ્યું કે આવા સુંદર ફ્લાવર્સનો બગીચો બનાવનાર આ બાગબાન-માળી-બાપુને ખુબ ખુબ પ્રણામ.

આવતીકાલે આ જ શૃંખલામાં ડો.અશ્વિનકુમાર રાજગોરનું વક્તવ્ય રહેશે.

ગુરુપ્રસાદ પ્રાપ્ય વ્યક્તિનાં લક્ષણો:

રામકૃષ્ણ મઠ અને મિશનના તેરમાં અધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજીને અમેરિકાનાં શિકાગોમાં એક મહિલાએ પૂછેલું ત્યારે ગુરુપ્રસાદ પ્રાપ્ત વ્યક્તિનાં ચાર લક્ષણો બતાવ્યા:

એક-જેને જોતા જ લાગે કે માણસ શુદ્ધ છે.બે-જેણે અધ્યાત્મને સ્વભાવિક રૂપમાં મેળવ્યું ને પચાવ્યું હોય.ત્રણ-જેની પાસે જવાથી આંખમાં આંસુ આવી જાય.ચાર-જેની પાસે જતાં જ આપણી વાણી મૌન થઈ જાય.

નીતિન વડગામાની રચના:

તમે ધાર્યું નથી એવું નિરાળું ધારશે સાધુ,

નવી નોખી જ કેડી આખરે કંડારશે સાધુ;

રહી સંસારમાં ક્યારેક રમશે સોગઠાબાજી,

કરી લીલા પછી જાતે જ બાજી હારશે સાધુ;

ઊઘાડાં હોય આઠે પ્હોર હસતાં બારણાં એનાં,

નિહાળી પ્રેમભીની આંખથી સત્કારશે સાધુ;

હવે ડૂબી જવાની બધી ચિંતા તમે છોડો,

નજરનાં એક તરણાથી બધાને તારશે સાધુ;

વરસતાં હેતનું રૂડું હલેસું હાથમાં લઇને,

હરિનાં નામની હોડી સતત હંકારશે સાધુ;

સનાતન જ્યોત જલતી રાખવા જાતે ઝઝૂમીને,

બધાં જીવલેણ ઝંઝાવાતને પડકારશે સાધુ;

ધરે છે નામ નોખાં ને ફરે છે જૂજવાં રૂપે,

તમારા શ્યામ છે સાધુ અમારા રામ છે સાધુ.

== સમાપ્ત ==

Related posts

આચાર્ય મહાપ્રજ્ઞાની ૧૦૫મી જન્મજયંતિ

truthofbharat

સુરતમાં ફિટનેસની માંગ વધતાં ઇન્સ્ટામાર્ટે પોતાનું પ્રોટીન બાસ્કેટ વધુ મજબૂત બનાવ્યું; શહેરમાં પ્રોટીન કાર્ટ ₹20Kને પાર

truthofbharat

મુંબઈમાં ટોમી હિલફિગર લેન્ડ્સ: ફેશન કલ્ચર અને ક્રિએટિવિટીની ઉજવણી કરવા માટે એક સ્ટાઇલિશ ઇન-સ્ટોર ટોક અને સ્ટાર-સ્ટડેડ બોલિવૂડ ડિનર

truthofbharat

Leave a Comment