।। રામ ।।
ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસના જવાનોને હરિયાણા ખાતે અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ જવાનોના કરુણ મોત નિપજયા છે. આ ઘટનાની વિગત એવી છે કે બે દિવસ પહેલા એક ગુનાની તપાસ કરવા માટે અમદાવાદથી ગુજરાત પોલીસના અધિકારીઓ પંજાબ જઈ રહ્યા હતા અને તે દરમિયાન હરિયાણાના સિરસા નજીક એક ટ્રક સાથે પોલીસનું વાહન ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ કર્મચારીઓના મોત નિપજયા છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા આ કર્મચારીઓ ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયા છે.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા શ્રી જીગરભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.