અમદાવાદ, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — ગુજરાત રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ઈનકમ ટેક્સ બાર એસોસિએશન તથા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના ભૂતપૂર્વ પ્રમુખ, તેમજ કરવેરાક્ષેત્રના જાણીતા અને અનુભવી ધારાશાસ્ત્રી ડૉ. ધ્રુવેન વિનોદચંદ્ર શાહને તાજેતરમાં ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા રચાયેલરિજિયોનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરી કમિટી (RDTAC) માટે ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ ક્ષેત્રમાં એકમાત્ર ધારાશાસ્ત્રીની શ્રેણીમાં સદસ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક તેમના કરવેરા કાયદા ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી આવતા યોગદાન, ઊંડા વિષયજ્ઞાન, તેમજ નીતિગત સમજ અને વ્યવસાયિકપ્રામાણિકતાનું પ્રતિબિંબ છે.
ડૉ. શાહ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી કરવેરા અને કાયદાકીય ક્ષેત્રમાં સક્રિય છે. તેમણે વકીલ તરીકે તેમજ કર સલાહકાર તરીકે અનેક જટિલ અને મહત્વપૂર્ણ કરવેરામુદ્દાઓમાં માર્ગદર્શન આપ્યું છે. વિવિધ વ્યાવસાયિક સંસ્થાઓમાં નેતૃત્વ પદે રહી તેમણે કરદાતા અને વિભાગ વચ્ચે સકારાત્મક સંવાદ અને સુધારાઓ માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
રિજિયોનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરીકમિટીનું મુખ્ય કાર્ય કરવેરા સંબંધિત નીતિ, પ્રક્રિયા અને અમલીકરણ બાબતે ક્ષેત્રિય સ્તરે સરકારને સલાહ આપવાનું છે. ડૉ. ધ્રુવેનશાહની નિમણૂકથી કમિટીના કાર્યમાં વ્યવહારુ અનુભવ અને કાયદાકીય દૃષ્ટિકોણ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડૉ. શાહની આ પ્રતિષ્ઠિત નિમણૂક બદલ કરવેરા જગતમાં તેમજ વ્યાવસાયિક વર્તુળોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપક બની છે.
==◊◊♦◊◊==
