દેશમાં કાપડ, ડેનિમ અને હોમ ટેક્સટાઇલના અગ્રણી ઉત્પાદક ગ્લોબ એન્ટરપ્રાઇઝિસ (ઇન્ડિયા) લિમિટેડે સપ્ટેમ્બર-2025 માં પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. જેમાં કંપનીએ મજબૂત પરિચાલન કામગીરી અને સતત વ્યવસાયિક ગતિ દર્શાવી છે.
નાણાકીય હાઇલાઇટ્સ : (નાણાંકીય વર્ષ 2025-26 માટે)
- આવક: કંપનીએ બીજા ક્વાર્ટર (સપ્ટેમ્બર-2025) માં ₹15,856.26 લાખની આવક નોંધાવી છે, જે પાછલા ક્વાર્ટર (જૂન 2025) માં ₹14,844.87 લાખની સરખામણીમાં 6.81% નો વધારો દર્શાવે છે.
- કર પછીનો નફો (PAT): બીજા ક્વાર્ટર (સપ્ટેમ્બર-2025) માં PAT ₹446.38 લાખ હતો, જે પાછલા ક્વાર્ટર (જૂન 2025) માં ₹139.52 લાખ કરતાં 219.94% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે, જે સુધારેલા માર્જિન અને ઉચ્ચ કાર્યકારી કાર્યક્ષમતા દ્વારા સમર્થિત છે.
ગ્લોબ એન્ટરપ્રાઇઝિસ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવિક પરીખે જણાવ્યું હતું કે, “ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ગાળા માટે અમારું મજબૂત નાણાકીય પ્રદર્શન કંપનીની પરિચાલન કાર્યક્ષમતા અને બજાર વિસ્તરણ પર અમારું વિશેષ બોકસ દર્શાવે છે. ખર્ચના દબાણ છતાં, અમે મેજર પ્રોડક્ટ સેગમેન્ટમાં સ્વસ્થ નફાકારકતા અને આવક વૃદ્ધિ પ્રદાન કરી છે. માંગની સ્થિતિમાં સુધારો થવા સાથે, અમને આગામી ત્રિમાસિક ગાળામાં વિકાસની ગતિ જળવાઈ રહેવાનો વિશ્વાસ છે.”
કંપનીએ કોર્પોરેટ સ્તર પર ડેવલપમેન્ટની વિવિધ કામગીરી કરી છે. ડિરેક્ટર્સ બોર્ડે કંપનીનું નામ ગ્લોબ ટેક્સટાઇલ્સ (ઇન્ડિયા) લિમિટેડથી બદલીને ગ્લોબ એન્ટરપ્રાઇઝ (ઇન્ડિયા) લિમિટેડ કરવાની મંજૂરી આપી છે. કંપનીના પ્રમોટર શ્રી ભાવિક સૂર્યકાંત પરીખે 12 નવેમ્બર, 2025 ના રોજ ₹1,28,56,450 ની કિંમતના 45,00,000 ઇક્વિટી શેર ખરીદીને કંપની પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. આ વ્યૂહાત્મક ખરીદી, ગ્લોબ એન્ટરપ્રાઇઝ (ઇન્ડિયા) લિમિટેડના લાંબાગાળાના વિકાસની સંભાવનાઓ અને ભવિષ્યના ઉમદા પ્રદર્શનમાં તેમનો સતત વિશ્વાસ દર્શાવે છે.
મહારાષ્ટ્રમાં કંપનીની હાજરીને મજબૂત બનાવવા માટે બોર્ડે મુંબઈમાં એક નવી વર્ચ્યુઅલ બ્રાંચ ઓફિસ ખોલવાની પણ મંજૂરી આપી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવિક પરીખે જણાવ્યું હતું કે, “વર્ચ્યુઅલ ઓફિસ અમને અમારી વ્યવસાયિક કામગીરીને વધારવા, ગ્રાહકો સાથે જોડાણ સુધારવા અને મુંબઈ અને આસપાસના પ્રદેશોમાં અમારા માર્કેટ આઉટરીચને વધારવામાં સક્ષમ બનાવશે.”
કંપનીએ તેની પરિચાલન પુનર્ગઠન વ્યૂહરચનાના ભાગરૂપે, તેનો પ્રિન્ટિંગ પ્લાન્ટ અને મશીનરી અમદાવાદ સ્થિત મારુતિ ટેક્સટાઇલ્સને ₹90.48 લાખમાં વેચવાનો કરાર કર્યો છે. ટેકનોલોજીકલ અપ્રચલિતતા અને વધતા જાળવણી ખર્ચને કારણે આ એસેટ નબળી કામગીરી કરી રહી હતી. આ ઉપરાંત, કંપનીના બોર્ડે ડિમર્જર માટેની વ્યવસ્થાની ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપી છે. જે અંતર્ગત, કંપનીનો “ઈન્ડિજેન્ક્સ” અને “ઓરિજિયન” બ્રાન્ડ્સનો ઓનલાઈન વ્યવસાય, પરિણામી એન્ટિટીને એક ચાલુ વ્યવસાય તરીકે ટ્રાન્સફર કરવામાં આવશે.
==========
