*પદ મળે ત્યારે માણસનું કદ નાનું થઈ જાય છે.*
*ઘણા આજે નોબલ માટે સામેથી માગ-માગ કરે છે!*
*વિષયી જીવ હંમેશા ભયભીત રહે છે અને વિશ્વાસુ જીવ હંમેશા અભય રહે છે.*
રામયાત્રા અંતર્ગત ચાલતી રામકથા-યાત્રા આજે પાંચમા દિવસે ઋષ્યમુક પર્વત(હમ્પી)-કર્ણાટક ખાતે સમયસર પહોંચી.
બાપુ કહે એ સમયે યાદ આવે છે જ્યારે વર્ષો પહેલા પંપા સરોવરનાં કિનારે કથા થઈ હતી અને ઋષિમુખ પર્વત કે જ્યાં પ્રભુએ ચાતુર્માસ કર્યો એ વખતે કાંચીકામકોટી પીઠનાં જગદગુરુ શંકરાચાર્ય પરમાચાર્યનો એટલો મહિમા હતો કે દરેક વાહનમાંથી નીકળતા લોકો એમને નીચે ઉતરીને પ્રણામ કરતાં.
આ જ પ્રદેશમાં હનુમાનજીનો પ્રવેશ,અંજની પહાડ અને ખૂબ જ અતિશય નૈસર્ગિક વાતાવરણ પણ છે રામચરિત માનસના અલગ-અલગ પાત્રનો પોતાનું એક અલગ વ્રત છે.
દશરથ ધર્મવ્રતી છે.ઓશો કહેતા કે વ્યક્તિ ધાર્મિક હોવી જોઈએ પરંતુ ધાર્મિકતા કરતા પણ ધર્મશીલ હોય એ મહત્વનું છે.પરમાત્મા રામ સત્યવ્રત્તી છે.લક્ષ્મણ સાવધાન વ્રત રાખે છે.જાનકી સેવાવ્રત્તી છે.પૃથ્વિ કેટલી પણ સેવા કરે પૃથ્વિની પુત્રીના રૂપમાં સીતા પણ સેવા કરે છે.હનુમાનજી રામકાજ વ્રતી છે
લક્ષ્મણ જાગરણ વ્રત્તી છે,શત્રુઘ્ન મૌનવ્રતી છે અને ભરતજી વિષમવ્રતી છે એ જ રીતે નારદજી બ્રહ્મચર્ય વ્રતી છે,હનુમાનજી પણ બ્રહ્મચર્યવ્રતી કહી શકાય.
હનુમાનજી ત્રણ પહાડ ચડ્યા છે,રામકાજ માટે.
પ્રથમ પહાડ જે સત્યનો છે.
*સિંધુ તીર એક ભૂધર સુંદર;*
*કૌતુક કરી ચડેઉ તા ઉપર.*
પરંતુ આ પર્વત એ સાત્વિક અહંકાર છે એવું હનુમાનજીને સમજાય છે એટલે પર્વત ઉપર ચડ્યા પછી પગથી દબાવીને ઉડાન કરે છે અને સાત્વિક પર્વત ધરતીમાં ચાલ્યો જાય છે.
સમુદ્રને ખબર પડે છે કે હનુમાનજી રામકાર્ય કરવા જાય છે તો પોતે જેને આશ્રય દીધો હતો એ હિમાલયનાં પુત્ર મૈનાકને સમુદ્ર આદેશ કરે છે કે હનુમાનજીને આરામ અને વિરામ આપવા બહાર આવો.હનુમાનજી જુએ છે જે રાજસી અહંકાર છે હનુમાનજી માત્ર એનો સ્પર્શ કરે છે.
પદ મળે ત્યારે માણસનું કદ નાનું થઈ જાય છે.ઘણા આજે નોબલ માટે સામેથી માગ-માગ કરે છે! એવી કોમેન્ટ પણ બાપુએ કરી.મૈનાક પણ સોનાનો છે.બાપુએ કહ્યું કે વિરક્તને ક્યારેય સોનાનું દાન ન કરવું, સંન્યાસીઓને તમે સોનુ આપી શકો છો,સુવર્ણ પવિત્ર છે છતાં પણ વિરક્તને સોનાનું દાન કરવું એ અપરાધ છે.બ્રહ્મચારીને તાંબુલનું(પાનનું)દાન અને ગૃહસ્થિને વૈરાગ્યનો પાઠ ન સંભળાવો,સાધુને વધુ સુવિધાઓ ન આપવી.
સોનાના પર્વતને માત્ર સ્પર્શ કર્યો અને કહ્યું કે રામના કાર્ય વગર મને વિશ્રામ નથી.હનુમાનજી વૈરાગ્યનું ઘનીભૂત સ્વરૂપ છે.
લંકામાં કનકકોટ છે જ્યાં હનુમાનજી લઘુરૂપ લે છે એ તમોગુણી અહંકાર છે જેને મિટાવવો ખૂબ મુશ્કેલ છે.તમોગુણી અહંકારને દૂરથી જુઓ,સ્પર્શ પણ ન કરવો.
આગળ વધતા રામને નારદજી મળે છે જે સાધુઓના લક્ષણ પૂછે છે ત્યારે રામ સ્વમુખે સાધુઓના લક્ષણ કહે છે.જેમાં કહે છે કે જેને છએ પ્રકારના વિકારો જીતી લીધા એ સાધુ છે.અહીં કામ,ક્રોધ,લોભ,મોહ, મદ અને મત્સર.
સાધુ કોણ છે?છ વિકારોથી મુક્ત,કામનારહિત છે એ,દરેક અવસ્થામાં અચળ રહેનાર,અકિંચન, સુખધામ,અમિત બોધ પ્રાપ્ત કરનાર,મીતભોગી, સારાંશ પકડનાર,સર્જક અને પંડિત,યોગી,દરેક ક્ષણે સાવધાન રહેનાર,બધાને માન આપનાર,ધૈર્યશીલ, ગુણનો સાગર,પ્રભુચરણ પરાયણ, સમશીતલ, યમ, દમ,નિયમ,શ્રદ્ધા,ક્ષમા,મૈત્રી,દયા,શાસ્ત્રનો બોધ જેને થઈ ગયો છે એવા,વિવેક,વિનય,વિરાગ,વિજ્ઞાનથી જે ભરપૂર છે,જેને દંભ નથી,ભગવત લીલાનો ગાયક હોય,બીજાના હિતમાં રતિ રાખનાર-આ સાધુનાં લક્ષણો છે.આવા સાધુઓનું સરસ્વતિ અને વેદ મળીને પણ વર્ણન કરવા અસમર્થ છે.
એ પછીની યાત્રા ઋષિમૂક પર્વત પર આગળ ચાલે છે જ્યાંથી હનુમાનનો પ્રવેશ થાય છે.કહેવાયું કે
વિષયી જીવ હંમેશા ભયભીત રહે છે અને વિશ્વાસુ જીવ હંમેશા અભય રહે છે
આજની કથા દેવર્ષિ નારદ અને હનુમાનજીનાં ચરણોમાં સમર્પિત કરવામાં આવી
*Box*
*નવા ષડવિકારો ક્યા છે?*
જે દુનિયાને ખબર છે એ છ વિકારો (કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર) તો છે જ પણ મારે નવીન પ્રકારના છ વિકારની વાત કરવી છે: ૧-અસ્વિકાર વિકાર છે.
૨-આકાર પણ વિકાર છે.આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે અને સંસારીને ગ્રહી લે છે.
૩-પ્રતિકાર,દરેક વાતનો પ્રતિકાર એ વિકાર છે. ૪-પોતાનામાં રહેલો અહંકાર વિકાર છે.
૫-પોતે આકારમાં ડૂબ્યા હોય પણ જગતમાં વાતો નિરંતર નિરાકારની કરે આવી ભ્રમિત કરવાવાળી નિરાકાર(તા) પણ વિકાર છે.
૬-બેકાર એટલે કે કર્મહિનતા પણ વિકાર છે.
