ગુજરાત, અમદાવાદ | ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આયોજિત આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન ખાતે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન ૬ અને ૭ સપ્ટેમ્બરના રોજ સવારના ૧૦:૦૦ થી રાત્રિના ૭:૦૦ વાગ્યા સુધી યોજાશે.
આ વર્ષના એક્ઝિબિશનની મુખ્ય વિશેષતા એ છે કે, રાજપૂતાણી બહેનો દ્વારા સંચાલિત સ્ટોલ્સ વર્લ્ડ રેકોર્ડ માટે પણ નોમિનેટ થયા છે. આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ધરાવતી બહેનોને આભાર પત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે.
આ ભવ્ય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૩૦ કલાકે સ્ટેટ ઓફ ભાવનગરના મહારાણી સાહેબ અ.સૌ.બા શ્રી સમયુક્તાકુમારીબા ગોહિલના હસ્તે કરવા આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ સ્ટેટ ઓફ રાજકોટના મહારાણી સાહેબ અ.સૌ.બા શ્રી કાદમ્બરીદેવી જાડેજાના અધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે.
ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખબા શ્રી દક્ષાબા સિસોદીયા, ઉપપ્રમુખ બા શ્રી પ્રકાશબા ગોહિલ, મંત્રી બા શ્રી અર્ચનાબા પુવાર, સલાહકાર બા શ્રી ભાવનાબા ઝાલા, કન્વીનર બા શ્રી ગીતાબા વાઘેલા, તેમજ ટ્રસ્ટી મંડળના શ્રી અશ્વિનસિંહજી સરવૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ રાજપૂત સમાજની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમની કલાને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
