દિયા ચિતાલે અને માનવ ઠક્કરે કહ્યું- એશિયન ગેમ્સ અગાઉ બટરફ્લાય યુટીટી તૈયારી માટે શ્રેષ્ઠ તક; વિશ્વના દિગ્ગજ અને ભારતના ઉભરતા સ્ટાર્સ સંપૂર્ણ તાકાત લગાવશે
ગોવા, ભારત | ૦૮ જુલાઈ ૨૦૨૬ | ભારતની સૌથી મોટી ટેબલ ટેનિસ લીગ બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગ (યુટીટી) સિઝન-7નો ગુરુવાર 9 જુલાઈનાં રોજથી પ્રારંભ થઈ રહ્યો છે, જેને ચેટજીપીટી દ્વારા સમર્થન મળી રહ્યું છે. ટૂર્નામેન્ટની પ્રારંભિક મેચ ગોવાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં યજમાન અને 2 વખતની ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો સામનો વર્તમાન ચેમ્પિયન યુ મુમ્બા ટીટીથી થશે. આગામી 18 દિવસ સુધી 7 ફ્રેન્ચાઈઝીઓ ટાઈટલ જીતવા માટે સંઘર્ષ કરશે, જ્યારે ગ્રાન્ડ ફિનાલે 26 જુલાઈનાં રોજ રમાશે.
યજમાન ટીમનું નેતૃત્ત્વ ગત સિઝનમાં યુ મુમ્બા ટીટીને ટાઈટલ જીતાડનાર વર્તમાન લીગની એમવીપી અને બટરફ્લાય યુટીટીની સૌથી સફળ ખેલાડી બર્નાજેચ સઝોક્સ કરશે. આ વખતની હરાજી બાદ તે ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો ભાગ બની છે.
બુધવારે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં બર્નાડેટે કહ્યું કે,“દરવર્ષે યુટીટીમાં ફરી રમવા આવીને મને ઘણો આનંદ થાય છે. આ લીગ દરેક સિઝનમાં શ્રેષ્ઠ અને મોટા સ્તરની બનતી જાય છે. આ લીગનો ભાગ બનવું એ હંમેશા શાનદાર અનુભવ આપનાર રહે છે. ગત સિઝનમાં ટાઈટલ જીતવું મારી માટે યાદગાર ક્ષણ હતી, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ફરીવાર આ લીગમાં રમવા માટે હું ઘણી ઉત્સુક છું.”
આ વખતે બટરફ્લાય યુટીટી એ ભારતીય ખેલાડીઓ માટે ઘણી ખાસ રહેશે. કારણ કે, તેનું સમાપન ભારતીય ટીમના એશિયન ગેમ્સ માટે રવાના થવા પહેલા થશે. જેના કારણે વૈશ્વિક સ્તરના ખેલાડીઓ સામે સૌથી વધુ દબાણવાળા મુકાબલાઓ ભારતીય ખેલાડીઓને વર્ષનાં સૌથી મોટા આયોજનમાંથી એક માટે તૈયારીની શ્રેષ્ઠ તક આપશે.
આ મુદ્દે પીબીજી પુણે જેગુઆર્સની સ્ટાર ખેલાડી દિયા ચિતાલે એ કહ્યું કે,”બટરફ્લાય યુટીટીની દરેક સિઝનમાં કંઈ નવું શીખવા મળે છે. અહીં દબાણનું સ્તર પણ અલગ જ સ્તરનું હોય છે. જ્યારે સ્કોર 6-6 હોય અને તમે જાણતા હોવ કે અંતિમ 4-5 પોઈન્ટ જ મેચનું પરિણામ નક્કી કરશે. આવી સ્થિતિ અન્ય સ્પર્ધાઓમાં ઘણી ઓછી જોવા મળતી હોય છે. આવા મુકાબલા મને શ્રેષ્ઠ ખેલાડી બનવામાં મદદરૂપ થાય છે અને આ લીગ એશિયન ગેમ્સની તૈયારી માટે શાનદાર તક છે.”
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ રમાનારી તથા નીરજ બજાજ અને વીટા દાણી દ્વારા પ્રમોટ કરવામાં આવી રહેલ બટરફ્લાય યુટીટી ભારતીય ટેબલ ટેનિસને વૈશ્વિક પ્રતિસ્પર્ધા અને સંપૂર્ણ વર્ષ ચાલનાર વિકાસની પહેલ થકી સતત મજબૂત કરે છે. સિઝન-7માં વિશ્વભરના 42 ખેલાડીઓ સામેલ થશે, જેમાં 14 ઓલિમ્પિયનનો પણ સમાવેશ થાય છે.
આ સિઝનની સૌથી મોટી ચર્ચામાંથી એક વર્લ્ડ નંબર-3 ડબલ્સ ખેલાડી માનુષ શાહનું વર્તમાન ચેમ્પિયન યુ મુમ્બા ટીટીથી જોડાવવાની ઘટના છે. તે આ વખતે ટીમના ટાઈટલ ડિફેન્ડ કરવાના અભિયાનનું નેતૃત્ત્વ કરશે.
માનુષ શાહે કહ્યું કે,“યુ મુમ્બા જેવી શાનદાર ફ્રેન્ચાઈઝીનો ભાગ બનવું મારી માટે ખાસ છે. જે ખેલાડીઓ સાથે તમે નિયમિત રીતે રમતા હોવ તેમની વિરુદ્ધ રમવું ઘણીવાર પડકારજનક હોય છે. પરંતુ ભારતીય ખેલાડીઓ વચ્ચે મૈત્રીપૂર્ણ માહોલ અને સામાન્ય તકરાર તો જોવા મળતી હોય છે. હું શાનદાર સિઝનની આશા રાખું છું અને ઈચ્છીશ કે યુ મુમ્બા ટીટી ટાઈટલ જાળવી રાખે.”
સિઝન-7નો સૌથી રોમાંચક મુકાબલો ત્યારે જોવા મળી શકે છે, જ્યારે માનુષ શાહનો સામનો તેના નિયમિત પુરુષ સિંગલ્સ જોડીદાર માનવ ઠક્કરથી થશે, જે આ વખતે યુપી પ્રોમેથિયન્સનું પ્રતિનિધિત્ત્વ કરશે.
આ મુદ્દે માનવ ઠક્કરે કહ્યું કે,“માનુષ અને હું પુરુષ ડબલ્સમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યાં છીએ અને હાલ વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છીએ. એવામાં તેની વિરુદ્ધ રમવું એ ખરેખર પડકારજનક રહેશે. અમે બંને સતત શ્રેષ્ઠ ખેલાડી બની રહ્યાં છીએ અને એશિયન ગેમ્સની તૈયારીમાં વ્યસ્ત છીએ. આશા છે કે- યુટીટીનું આ સપ્તાહ અમને લય હાંસલ કરવામાં મદદ કરશે અને અમે દેશ માટે મેડલ જીતવામાં સફળ થઈશું.”
બટરફ્લાય યુટીટી સતત ભારતની નવી પ્રતિભાઓને તક આપે છે. જે દિશામાં ડ્રીમ યુટીટી જુનિયર્સ પણ આ લીગની સમાંતર યોજાશે. ગત વર્ષની ગર્લ્સ એમવીપી 15 વર્ષીય દિવ્યાંશી ભૌમિક આ વખતે દબંગ દિલ્હી ટીટીસી દ્વારા ડ્રાફ્ટ કરાયા બાદ બટરફ્લાય યુટીટીના ઈતિહાસની સૌથી નાની વયની ખેલાડી બની ગઈ છે.
દિવ્યાંશી એ કહ્યું કે,”યુટીટીમાં પસંદગી થવા બદલ અને શાનદાર ખેલાડીઓની ટીમનો ભાગ બનવાનો આનંદ છે. ગત 2 દિવસથી હું તેમની સાથે અભ્યાસ કરી રહી છું, આ મારી માટે સન્માનજનક બાબત છે અને ઘણું શીખવાની એક સુવર્ણ તક પણ છે.”
સિઝન-7માં ઓસ્ટ્રિયાની ઓલિમ્પિયન સોફિયા પોલ્કાનોવા પણ બીજી સિઝન બાદ પુનરાગમન કરી રહી છે. તેણે જણાવ્યું કે- તે ઘણાં વર્ષથી આ લીગ પર નજર રાખી રહી હતી અને તેણે ગત વર્ષે પોતાની ડબલ્સ જોડીદાર બર્નાડેટ સઝોક્સને ટાઈટલ જીતતા પણ નિહાળી હતી.
અમદાવાદ એપીએલ પાઈપર્સની ખેલાડી સોફિયા પોલ્કાનોવા એ કહ્યું કે,”મે ગત વર્ષે ઈન્સ્ટાગ્રામ પર આ લીગને ફોલો કરી હતી અને જોયું કે લીગ કેટલી ઝડપે આગળ વધી રહી છે. બર્નાડેટ અને તેની ટીમે ટાઈટલ જીત્યું એ જોઈને આનંદ થયો. લીગની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે. અહીં પરત ફરી ઘણી ખુશ છું, તમામે મને ઘણું માન આપતા ભવ્ય સ્વાગત કર્યું હતું.”
આ સિઝન બટરફ્લાય યુટીટી એઆઈ આધારિત ‘ટેબલ ટેનિસ રિવ્યૂ’ (ટીટીઆર) સિસ્ટમ લાગુ કરશે. આ સાથે યુટીટી વીડિયો રિવ્યૂ સિસ્ટમને અપનાવનાર વિશ્વની અમુક લીગમાંથી એક બની જશે. ગુરુગ્રામ સ્થિત સ્ટૂપા સ્પોર્ટ્સ (જે લીગની સત્તાવાર ટેક્નિકલ પાર્ટનર છે) દ્વારા તૈયાર કરાયેલ આ સિસ્ટમ વિવાદીત નિર્ણયની સમીક્ષા 20 સેકન્ડથી પણ ઓછા સમયમાં કરશે.
બટરફ્લાય યુટીટી સિઝન-7માં 7 ટીમો સિંગલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે. જેમાંથી દરેક ટીમ લીગ તબક્કામાં અન્ય તમામ ટીમ સામે 1-1 વખત ટકરાશે. પોઈન્ટ ટેબલમાં ટોચનાં 4 સ્થાન પર રહેનાર ટીમો નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવશે.
ટૂર્નામેન્ટનાં તમામ મુકાબલાઓનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ખેલ (હિન્દી), સ્ટાર સ્પોર્ટ્સ તામિલ 2 એચડી અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ 3 એચડી પર કરાશે, જ્યારે જીયો હોટસ્ટાર પર હિન્દી, તામિલ અને અંગ્રેજીમાં લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ કરાશે.
== સમાપ્ત ==
