ગુજરાત, અમદાવાદ | ૦૮ જાન્યુઆરી ૨૦૨૬ — મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુવારે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા આયોજિત ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું. એક્ઝિબિશનમાં વિવિધ સેગમેન્ટ્સના ૪૦૦થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યું છે અને ૯થી ૧૧ જાન્યુઆરી સુધી લોકો માટે ખુલ્લું રહેશે.
આ પ્રસંગે માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ અને ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ચેરમેન શ્રી જક્ષયભાઈ શાહ વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા પ્રમાણિત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે અને ભારતના ઝડપી વિકાસ પામતા શહેરોમાંથી એક એવા અમદાવાદમાં પ્રગતિ, નવીનતા અને શ્રેષ્ઠતાનું પ્રતિક બની ગયું છે.
સભાને સંબોધતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના વિકાસમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો અને સરકાર તરફથી સતત સહયોગ આપવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ છે, જે ભારતની અડગ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ સેવા દાયિત્વ સાંભળ્યા પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં ગરીબ અને સામાન્ય માનવી માટે પાકા મકાનની યોજનાને મંજૂરી આપી, એ એમના સંવેદનશીલ અને લોકકેન્દ્રિત નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે. આજે બનતા આવાસોમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે સામાન્ય નાગરિકનું જીવન સુખાકારીવાળું બન્યું છે.
અમદાવાદના વિકાસ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આવનાર દાયકામાં અમદાવાદ અનેક ગણો વિકાસ કરશે. પ્રોપર્ટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશે. સરકાર તરીકે અમને ગર્વ છે કે અમદાવાદ અને ગુજરાત વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે.
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રમુખ શ્રી આલાપ ભાઈ પટેલએ જણાવ્યું કે ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં ૬૦થી વધુ અગ્રણી ડેવલપર્સના ૪૦૦થી વધુ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં અફોર્ડેબલ તથા પ્રીમિયમ હાઉસિંગ, વ્યાવસાયિક અને ઔદ્યોગિક વિકાસ, વીકએન્ડ હોમ્સ તેમજ પ્લોટેડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
તેમજ તેઓએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2026 માં અમદાવાદના રીયલ એસ્ટેટ માં કરેલું રોકાણ કોમનવેલ્થ ગેમના સમાપન ના દિવસે ઓછામાં ઓછું ચાર ગણું વળતર આપશે જેનો દરેક અમદાવાદીને ખૂબ જ ઉત્સાહ અને હરખ હશે. અને તેથી જ અમે કહીએ છીએ કે *”હવે અમદાવાદનો દસકો છે અને તમારો પણ”*
અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તાજેતરના સમયમાં નવી ગતિ જોવા મળી છે. વૈશ્વિક રમતગમત કાર્યક્રમો સાથે જોડાયેલા વિશાળ પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી રોકાણોને વેગ મળશે અને રહેણાંક, વ્યાવસાયિક તેમજ સંલગ્ન સેગમેન્ટ્સમાં માંગ વધવાની અપેક્ષા છે, જેના પરિણામે શહેરની લાંબા ગાળાની આર્થિક સંભાવનાઓ વધુ મજબૂત બનશે.
ક્રેડાઈ અમદાવાદના ચેરમેન શ્રી રાજેશભાઈ વાસવાણીએ જણાવ્યું હતું કે શહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું હોવાથી ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડની ૨૦મી એડિશન વિશેષ મહત્વ ધરાવે છે.
“૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી અને ૨૦૩૬ સમર ઓલિમ્પિક્સ માટે બિડ કરવાની યોજનાઓએ શહેરને વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ખરીદદારો અને રોકાણકારોને આ વિકાસમાં ભાગીદાર બનવા માટે સમયસર પ્લેટફોર્મ અને તક પ્રદાન કરે છે.” તેમ શ્રી રાજેશભાઈ વાસવાણીએ જણાવ્યું.
શુક્રવારે યોજાનારા શોના પ્રથમ દિવસે યુથકોન પણ યોજાશે, જે અર્થપૂર્ણ સંવાદો દ્વારા યુવા પેઢીને સશક્ત બનાવવા માટેની એક પહેલ છે. તેનું ઉદ્ઘાટન યુવા આઇકન અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
નાણાકીય સંસ્થાઓ પણ સંભવિત ખરીદદારોને લોન અને નાણાકીય ઉકેલો સાથે સહાય કરવા માટે પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે.
==◊◊◊◊◊◊◊◊◊==
