ગુજરાત, અમદાવાદ | ૦૨ નવેમ્બર ૨૦૨૫: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ તીવ્ર બની રહી છે ત્યારે સોમવારે સવારે બગોદરા પાસે આવેલા કેસરગઢ ગૌશાળાથી ૫૦૦ ગાડીઓનો કાફલો અમદાવાદ કલેક્ટર ઓફિસે પહોંચીને ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાનું આવેદનપત્ર કલેક્ટરને આપશે.
કેસરગઢ ગૌશાળાથી શરૂ થનારી આ કાર રેલીમાં ગુજરાત-સૌરાષ્ટ્ર સાથે સમગ્ર ભારતમાંથી ગૌશાળાના સંચાલકો, પાંજરાપોળના સંચાલકો, જૈન સંગઠનો, સાધુસંતો સહિત ગોસેવા ક્ષેત્રે કામ કરી રહેલા દેશના જાબાજ ગૌરક્ષકો મોટી સંખ્યામાં હાજર રહેશે. આ રેલી સવારે ૮ વાગ્યે કેસરગઢ ગૌશાળાથી નિકળશે જે બે વાગ્યાના આજુબાજુ અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચશે.
ઉલ્લેખનીય છે કે દેશના હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્રારા ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપીને દેશના અન્ય રાજ્યોને ઉત્તમ દાખલો બેસાડ્યો છે ત્યારે હાલની રાજ્ય સરકાર કરોડો હિંદુઓના આસ્થાના પ્રતિક સમા ગૌમાતાને ગુજરાતમાં પણ રાજ્યમાતાનો ત્વરિત દરજ્જો આપીને હિંદુ સભ્યતા અને સંસ્કૃતિના પાયામાં રહેલી કામધેનુને આદર આપે તેવી માંગ છે….
