કોઈ પણ વિપત્તિ આવે એને પ્રતિકાર વિના સહન કરી લેવી, એ તિતિક્ષા છે.
ભક્તિ માર્ગમાં પ્રવેશે, એ જીવે તો છે પણ જીવવું મુશ્કેલ બની જાય છે.
મન, કર્મ, વચનમાં ચતુરાઈ છોડી દે, એ શ્રી હનુમાનજીની કૃપાને પાત્ર બને છે.
“માનસ સિંદૂર” ના સાતમા દિવસના સંવાદમાં પ્રવેશ કરતા, શ્રોતાની જિજ્ઞાસાના સમાધાનમાં બાપુએ જણાવ્યું કે શ્રી હનુમાનજી તો ધરતી ઉપર કેવળ રામકાર્ય માટે જ આવ્યા છે. આપણા જીવનનાં દુર્ગમ કામ હનુમાનજીએ કરવાના નથી.
હનુમાનજી રામ કાર્ય જ કરે છે, આપણું પ્રત્યેક કાર્ય તો હનુમાનજીના અનુગ્રહથી જ સુગમ થઈ જાય છે! શ્રી હનુમાનજીની કૃપા ઉતરી જાય, તો આપણું ગમે તેવું દુર્ગમ કાર્ય પણ ઘટીત થઈ જાય! જે સાધક મન, કર્મ, વચનની હોશિયારી છોડી દે છે, એ સાધક હનુમાનજીની કૃપાનું પાત્ર બને છે.
આ તબક્કે પૂજ્ય બાપુએ માનસનું અન્ય એક ગુરુમુખી રહસ્ય ખોલતો પ્રસંગ વર્ણવ્યો. હનુમાનજી ઉગ્ર બની જાય છે, ત્યારે ભગવાન રામ એને પોતાના ગળે લગાડીને શાંત કરતા કહે છે કે – “હનુમાન! તારે તો પ્રકૃતિના ૧૧ તત્વોને શાંત કરવાના છે. અંતરિક્ષ, સ્વર્ગ, પૃથ્વી, જળ, વાયુ, વનસ્પતિઓ ઔષધિઓ, બધા દેવતાઓ, બ્રહ્મ, સર્વ સ્થાન અને પાઠ કરનાર પોતે- એમ ૧૧ તત્વોને શાંત કરીને સ્વયં શાંતિને પણ શાંત કરવાની છે!”
આ ૧૧ તત્વો ઉપરાંત આપણે શાંતિ મંત્રને અંતે ત્રણ વખત શાંતિ શબ્દ બોલીએ છીએ. એમ શાંતિ મંત્રમાં કુલ ૧૪ શાંતિની માંગ છે. એ ૧૪ પ્રકારની શાંતિ માટે ભગવાન રામે ૧૪ વર્ષનો વનવાસ વેઠ્યો છે!
કથાનું મહત્વ વર્ણવતા પૂજય બાપુએ કહ્યું કે આજે કથા એ જગતનાં પરિવર્તન માટેનું એક બહુ જ સશક્ત માધ્યમ બની રહ્યું છે. કથામાં આબાલ વૃદ્ધ, સહુને રસ પડે છે. કથા શ્રોતાની માંગમાં સિંદૂર ભરી દે છે!
બુદ્ધ પુરુષની દ્રષ્ટિ, વચન અને નિષ્કપટ સ્મિત- આશ્રિતને સિંદૂરદાન કરે છે, સુહાગી બનાવી દે છે! યોગી ધુણાની ભસ્મ આપે, એ સિંદૂર દાન છે! જૈન મુનિ મસ્તક પર વાસક્ષેપ નાખે છે, એ પણ સિંદૂરદાન છે.
બાપુએ કહ્યું કે શાસ્ત્રમાં બ્રહ્મના ચાર અર્થ છે – પરમાત્મા, બ્રહ્માંડ, વેદ અને પ્રકૃતિ. રાવણના ત્રાસથી બ્રહ્મ અશાંત છે, વેદગાન કરનારને રાવણે દેશ નિકાલ કર્યા છે, તેથી વેદ અશાંત છે. મા જાનકી પ્રકૃતિ છે. અશોક વાટિકામાં બેઠેલી જાનકી પણ અશાંત છે. સમસ્ત બ્રહ્માંડ પર રાવણનો કાબુ છે, તેથી બ્રહ્માંડ અશાંત છે. આ અશાંતિને શાંત કરવા માટે ભગવાન રામનું પ્રાગટ્ય છે. કથામૃત, વચનામૃત, શ્રવણામૃતથી શાંતિની પ્રાપ્ત થાય છે.
પૂજ્ય બાપુએ આજે શ્રી હનુમાનજી અને ભગવાન શિવજી વચ્ચેના સામ્યનું વર્ણન કરતું ચિંતન પ્રસ્તુત કર્યું. તત્વઃ શિવ એજ હનુમાન છે અને હનુમાન સ્વયં શિવ છે. હનુમાનજીને “શંકર સુવન” કહ્યા છે પણ કેટલાક સંતો એમને “શંકર સ્વયમ્” કહે છે!
શ્રી હનુમાનજી પોતાના બદન પર સિંદૂરનો લેપ કરે છે, જ્યારે ભગવાન શિવ પોતાના દેહ પર ભસ્મનો લેપ કરે છે. સિંદૂર વ્યવહારનું પ્રતિક છે, ભસ્મ નિર્વાણનું પ્રતિક છે.
શ્રી હનુમાનજી અને શિવજી વચ્ચે તફાવતના આ પ્રમાણ છે.
(૧) હનુમાનજીને પૂંછ (મમતા) છે, જ્યારે શિવજીને મૂછ (સમષ્ટિનો અહંકાર) છે.
(૨) શિવનાં મસ્તક પર રામના ચરણમાંથી નીકળેલી ગંગા છે, જ્યારે હનુમાનજીનાં મસ્તક પર રામનો હાથ છે.
(૩) શિવજી રામકથાના વક્તા છે, હનુમાનજી રામકથાના શ્રોતા છે.
(૪) ભગવાન શંકર અજન્મા છે,
શ્રી હનુમાનજી અજરામર છે.
(૫) હનુમાનજી (સંકટ) વિમોચન છે, શિવ ત્રિલોચન છે.
(૬) હનુમાનજી પાસે કક્ષા છે, શિવજી પાસે કૈલાસ છે.
(૭) હનુમાનજી પશુ છે, શિવજી પશુપતિ છે.
(૮) હનુમાનજી રામ કામ કરે છે, શિવજી રામ નામ જપે છે.
(૯) હનુમાનજી દાસ છે,
શિવ સ્વામી છે.
(૧૦) હનુમાનજી સાક્ષાત્કારી છે, શિવજી ચમત્કારી છે.
(૧૧) હનુમાનજી હોય ત્યાં ભૂતપિશાચ આવતા નથી, જ્યારે શિવજી પાસે ભૂત પિશાચનો વાસ છે.
સિંદૂર અને ભસ્મ વચ્ચેનો તફાવત બતાવતા બાપુએ કહ્યું કે-
સિંદૂર રક્તવર્ણું છે, ભસ્મ શ્વેતવર્ણી છે. સિંદૂર પૂર્ણ બનાવે છે, ભસ્મ શૂન્ય બનાવે છે.
સિંદુર સંયોગનું પ્રતિક છે, ભસ્મ વિયોગનું પ્રતીક છે.
સિંદૂર સંપદાનું પ્રતિક છે, ભસ્મ વિપદાનું પ્રતિક છે.
સિંદૂર દિવ્ય છે, ભસ્મ સેવ્ય છે.
કથાના ક્રમમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ પુષ્પાવાટિકાના પ્રસંગનો આધ્યાત્મિક અર્થ આપતા જણાવ્યું કે પુષ્પ વાટિકામાં જવું, એ સાધક માટે સંત સભામાં જવાનું રૂપક છે. મા જાનકી પુષ્પવાટિકામાં જાય છે, ત્યારે સહુથી પહેલાં તેઓ સરોવરમાં સ્નાન કરે છે. સાધક માટે સરોવર-સ્નાન એ સાધુ સંગ – સત્સંગ છે. સત્સંગ કરીને સાધકે સાધુનાં નિર્મળ હૃદયમાં સ્થાન બનાવવું પડે છે. એ પછી સીતાજી માતા ભવાની પાસે જાય છે. એટલે કે સત્સંગ કરીને નિર્મળ થયેલો સાધક જ શ્રદ્ધાની સન્મુખ જઈ શકે છે. અને પછી જો એ શ્રદ્ધાની સ્તુતિ કરે, તો એને કોઈ ગુરુ મળી જશે, જે એને રામના દર્શન સુધી લઈ જશે.
ત્યારબાદ ધનુષ્ય યજ્ઞના સંદર્ભમાં બાપુએ સાત્વિક- તાત્વિક સંવાદ કરતા કહ્યું કે ધનુષ્ય અહંકાર છે. પતન નજીક આવે છે, ત્યારે વિવેક ચૂકી જવાય છે. અહંકાર તૂટે પછી જ ભક્તિની પ્રાપ્તિ થાય છે. ધનુષ્ય પ્રસંગનું રસિક- રસપ્રદ વર્ણન કરતા પૂજ્ય બાપુએ શ્રોતાઓને કથા રસમાં મગ્ન બનાવી દીધા. ભગવાન રામે ધનુષ્ય તોડયું, એના અનેક તત્વાર્થ સમજાવીને માતા સીતાને ભગવાન જય માલા પહેરાવે છે, એ સંદર્ભમાં બાપુએ કહ્યું કે ભક્તિ પાસે ભગવાન હારી જાય, એમ જ ભગવાનની શોભા છે.
ત્યારબાદ પરશુરામજીનું આગમન, શ્રી લક્ષ્મણજી અને ભગવાન રામ સાથે પરશુરામનો સંવાદ અને અંતે પૂર્ણાવતારના આગમનને સ્વીકારીને આવેશાવતારની મહેન્દ્રગિરિ તરફ વિદાય, જનકપુરમાં દશરથજીના ચાર પુત્રોના જનક રાજની ચાર કન્યાઓ સાથે વિવાહ, કન્યા વિદાયનું કારુણ્યભાવ સાથેનું નિરુપણ, અયોધ્યામાં સહુનું પુનરાગમન અને ત્યાર પછી ઋષિ વિશ્વામિત્રજીની વિદાય સાથે બાલકાંડનું સમાપન કરીને પૂજ્ય બાપુએ આજના કથા સંવાદને વિરામ આપ્યો.
બોક્સ આઇટમ
———————
જગતગુરુ શંકરાચાર્યજીનું દર્શન પ્રસ્તુત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે – “કર્મ માર્ગી માટે બે શબ્દ મહત્વના છે – કક્ષા અને રક્ષા. જ્ઞાનમાર્ગી માટે બે શબ્દ મહત્વના છે – સમીક્ષા અને પરીક્ષા. ભક્તિમાર્ગના સાધક માટે બે શબ્દ મહત્વના છે – તિતિક્ષા અને પ્રતિક્ષા. ભક્તિમાર્ગ (પ્રેમ માર્ગ) માં પ્રવેશે છે, એ જીવે તો છે પણ જિંદગી મુશ્કેલ બની જાય છે!
તિતિક્ષા ભક્તિમાર્ગનું અતિ મહત્વનું તત્વ છે.
“કોઈપણ વિપત્તિ આવે, એને પ્રતિકાર વિના સહન કરી લેવી એ તિતિક્ષા છે.”
દુઃખને અતિથિ માનીને તેનું સ્વાગત કરવું. ચિંતા અને વિલાપ ત્યજીને વિપત્તિનો સ્વીકાર કરવો, એ તિતિક્ષા છે.
રત્ન કણિકા
—————–
— સંસાર દુ:ખાલય છે. સુખ- દુઃખ સાપેક્ષ છે.
— તમે મને નવ દિવસ આપો હું તમને નવજીવન આપીશ.
— ઉંમર વધે તો ઉર્જા ઘટે, પણ ઉત્સાહ વધે
— કોઈ પણ વિકારને કૃષ્ણ સાથે જોડી દેવાથી તે વિકાર દીક્ષિત થઈ જશે!
— મુક્તિ પામી ગયા પછી જન્મ થતો નથી, નિર્વાણ પામનાર ઈચ્છે ત્યારે જન્મ લઈ શકે છે.
–રામ કાર્ય હનુમાનજી સ્વયં સક્રિય થઈને પાર પાડે છે, આપણાં કાર્ય શ્રી હનુમાનજીના અનુગ્રહથી પાર પડે છે.
— બુદ્ધ પુરુષની દ્રષ્ટિ, વચન અને સ્મિત, આશ્રિતને સુહાગી બનાવી દે છે.
— પતન નજીક આવે છે, ત્યારે વિવેક ચૂકી જવાય છે.
— વાણીમાં શીલ હોય તો સામેની વ્યક્તિ બળવાન હોય તો પણ શરણાગત બની જાય છે.
