જે દરેકનું હિત વિચારે એને ક્યારેય દુઃખ નહીં થાય.
બીજાનો કાયમ દ્રોહ કરનાર ક્યારેય નિર્ભય રહી શકતો નથી
મૌન ગુરુ છે,ગુરુ મૌન છે.
માર્ગ આકાશ જેવડો વિશાળ હોય,પંથ સંકીર્ણ હોય.
જેણે આંતરયાત્રા નથી કરી એવા તથાકથિત પંડિત અને વિદ્વાન પ્રમાણ આપે તો પણ એ અનુમાન બની જાય છે.
દક્ષિણ અમેરીકાનાં નયન રમ્ય પ્રાંત લિટલ રોક-જ્યાંથી પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ બીલ ક્લીન્ટન આવેલા-એ ગુજરાતી-ભારતીયોથી ભરચક સ્ટેટ હાઉસ કન્વેશન સેન્ટર હોલ,રામકથાનાંરવિવારનાં બીજા દિવસે આરંભે પહેલા દિવસની કથાનો અંગ્રેજી સારાંશ બોસ્ટનથી આવેલા નરેશભાઇએસંભળાવ્યો.
આરંભે કેટલાક પ્રશ્નો પુછાયેલા.કોઈએ પૂછ્યું કે આ માર્ગી શબ્દ માત્ર બાહ્યયાત્રા માટે છે કે આંતરિક યાત્રા માટે પણ છે?બાપુએ કહ્યું કે મૂળ તો મારો ઈરાદો આંતરિક યાત્રા માટેનો જ છે,પણ એ પહેલા બાહ્યયાત્રાથી માર્ગને સમજી લઈએ.અતિશય કૃપા જેના પર થાય છે એ જ આ માર્ગના માર્ગી બની શકે છે.સાત સોપાન એ સાત માર્ગ છે,અંતરયાત્રાના. આપણે બધા જ અહીં બહિર્યાત્રા કરીને ભેગા થયા છીએ પરંતુ આવ્યા છીએ તો આંતરયાત્રા માટે. બહિર્યાત્રાની એટલી મોટી કોઈ ઉપલબ્ધિ નથી પણ મોરારીબાપુએ વૈરાગી માર્ગી બનીને અંદર શું સંપન્ન કર્યું છે એ જરૂરી છે.હું આપને પણ નિમંત્રિત કરું છું આવો ભીતરની યાત્રા કરીએ.
હજારો કિલોમીટરની યાત્રા કરીને અંતે તો દરેક પોતાના ઘરે જતા હોય છે,હૃદય આપણું ઘર છે. રામચરિતમાનસના સાત સોપાન એ સાત માર્ગની થોડીક સમજ જોઈએ તો પહેલો માર્ગ પ્રથમ સોપાન એ પહેલું પગથિયું છે.બાળકની જેવી નિર્દોષતા, નિર્દોષ રહેવાની ચેષ્ટા.હોશિયારી,ચતુરાઈ,નેટવર્ક આપણે બહુ જ કરીએ છીએ.જ્યાંપહોંચવામાં મિનિટ પણ ન લાગે ત્યાં પહોંચતા આપણે સો વર્ષો કાઢી નાખીએ છે,કારણ કે આપણામાં આરપારતા નથી.
શ્રીમદ ભાગવતમાંઉદ્ધવભગવાનને પૂછે છે કે મોટા મોટા યોગી યાત્રા કરે છે ત્યારે પડી જવાનો, સફળતાના અહંકારનો ડર લાગે છે.કોઈ સરળ ઉપાય બતાવો.ત્યારે ભગવાન એકાદશ સ્કંધમાં એક પ્રકરણમાં સૂત્ર આપે છે કે જેણે આંતરયાત્રા નથી કરી એવા તથાકથિત પંડિત અને વિદ્વાન પ્રમાણ આપે તો પણ એ અનુમાન બની જાય છે.અનેઅંતરયાત્રી,ભજનાનંદીનું અનુમાન પણ પ્રમાણ બની જાય છે.અહીંકાગભુશુંડીએ ગરુડને આપેલા અનુમાન કઈ રીતે પ્રમાણ સિદ્ધ થાય છે એની વિવિધ પંક્તિઓનું ગાયન થયું.
જેમ કે જે દરેકનું હિત વિચારે એને ક્યારેય દુઃખ નહીં થાય.બીજાનો કાયમ દ્રોહ કરનાર ક્યારેય નિર્ભય રહી શકતો નથી.જે પુણ્ય કર્મ કરે છે એ પાવન યશના ભાગીદાર બને છે.
રામ વખતે મોટા યજ્ઞ થતા એનાથી પણ મોટા આયોજનો અત્યારે રામકથાના થઈ રહ્યા છે. યુવાનોને ખાસ કહ્યું કે રામચરિત માનસ કે ગીતા તમારી ઝોળીમાં રાખો. વિષમ પરિસ્થિતિમાં જિંદગીનાં કોઈ વણાંક પર આપને બચાવશે,એ આપની મદદ કરશે.
ઈર્ષાથીછૂટવા માટે ભાગવત ધર્મની વાત કરી છે. કૃષ્ણ કહે છે કે બધામાં મારો ભાવ પેદા નહીં થાય ત્યાં સુધી ઈર્ષા,નિંદા અને દ્વૈષજાશેનહીં.જેઓએઅંતરયાત્રા કરવી છે એણે ભાગવતનો પાઠ કરવો જોઈએ.
દુનિયામાં યુદ્ધ થઈ રહ્યા છે પરંતુ યુદ્ધનું પરિણામ ક્યારેય શાંતિદાયક નથી,મહાભારત એનું પ્રમાણ છે હમણાં એક જોક ફરી રહી છે કે અમેરિકામાં મોરારીબાપુ રામ-રાવણનું યુદ્ધ કરાવશે ત્યારે ટ્રમ્પ કહે છે કે હું સમાધાન કરાવીશ! રામચરિતમાનસનું યુદ્ધ તો નવનિર્માણ માટે છે.હસીને બાપુએ કહ્યું કે જશ ગમે એને મળે શાંતિ થઈ જાય એ જ સારી વાત છે.
બીજા સોપાન અયોધ્યાકાંડમાં યુવાનીમાં થોડો સંયમ રાખવો અને ત્રીજું સોપાન કહે છે કે મૌન બનો એ અંતરયાત્રાનો માર્ગ છે.મૌન ગુરુ છે અને ગુરુ મૌન છે ચોથુ સોપાન બધા સાથે મૈત્રીનું કહે છે.પાંચમાસોપાનમાંથી નીકળે છે ભરોસો.
કહે છે કે સમસ્યા પછી આવે છે સમાધાન પહેલેથી આવી ગયું હોય છે.સ્પર્ધા અને સંઘર્ષ ટાળવા માટે વિવેક પૂર્ણ કોશિશ એ છઠ્ઠું સોપાન છે.સાતમું સોપાન એટલે પરમ વિશ્રામ,સંતોષભાવ.
અંતકાળ આવે ત્યારે ઇષ્ટ,કુળદેવી કે ગુરુ કોને યાદ કરાય એના જવાબમાં બાપુએ કહ્યું કે કોઈ યાદ નહીં આવે.પણ જે યાદ આવી જાય જે સહજ થાય એ થવા દેવું.
રામચરિતમાનસમાં ૧૫ વખત મારગ અને બે વખત મારગું શબ્દ તેમજ ચાર વખત કુમારગ શબ્દ પણ આવ્યા છે.
માર્ગ અને પંથમાં શું ભેદ?એવું પૂછાયું ત્યારે બાપુએ કહ્યું કે પંથ હંમેશા સંકીર્ણ હોય છે અને માર્ગ આકાશ જેવડો વિશાળ હોય છે.જેમ કે આપણો સનાતન માર્ગ.
અમારા માટે માર્ગી વૈરાગી સાધુ(બાવા)શબ્દ છે. શિવજી માર્ગમાં ગરુડને મળે છે ત્યારે સમાધાન નથી આપતા.અર્થના માર્ગ પર સમાધાન ન હોય પરમાર્થના માર્ગ પર સમાધાન હોય છે.
ભરદ્વાજજીને માર્ગ પૂછ્યો ત્યારે પોતાના શિષ્યોને બોલાવ્યા.૫૦ શિષ્યો દોડીનેઆવ્યા.એમાંથી ચાર શિષ્યોને પસંદ કર્યા.આ ૫૦ શિષ્યો એ મૂર્તિમંત શાસ્ત્ર છે.જેમાં ચાર વેદ,છ શાસ્ત્ર,અઢાર પુરાણ, દસ સ્મૃતિ ગ્રંથ,બાર ઉપનિષદ-એમાંથી ચાર વેદને પસંદ કરેલા છે.
નિરંતર રામ ભજન વિધિ છે અને રામને ભૂલી જવું એ મોટામાં મોટો નિષેધ છે.
ભારદ્વાજે વૈદિક સનાતન માર્ગ પર રામને જવાનું કહ્યું અને યમુનાનાં તટ ઉપર ભગવાને ચારે વેદને પણ વિદાય આપી દીધી.કર્મની નદી પર વિચારને પણ પાછા વાળી દેવામાં આવે છે.
તેહિ અવસર એક તાપસ આવા;
તેજ પુંજ લઘુ બયસસુહાવા.
રામે માર્ગ પર ચાલવાનું શરૂ કર્યુ એ સમયે એક તાપસ પ્રવેશ કરે છે.આ કોણ છે,ક્યાંથી આવ્યો?એના વિશેની આખી કથા માનસ તાપસ પર થઈ ચૂકી છે. કોઈ કહે હનુમાનજી હતા.કોઈ કહે તુલસીદાસની ધ્યાન અવસ્થામાં લખાયું .કોઈ કહે આ ક્ષેપક પ્રસંગ છે.પણ હું ગુરુમુખી અર્થે કહું તો એ પ્રેમ હતો.બધા જ કર્મોમાંપ્રેમ પ્રધાન છે.પ્રેમસદાય તપસ્વી હોય છે.પ્રેમ જેવું કોઈ તપ નથી.પ્રેમનાંલક્ષણોમાં એકત્વ,તેજસ્વીતા,તપસ્વીતા,ચિર યુવાની અવર્ણનીયતા અને વૈરાગીપણું-એના લક્ષણો છે.
કથાના ક્રમમાં હનુમંતવંદના બાદ રામના અવતાર કાર્યમાં જેણે-જેણે સહયોગ આપ્યો એ બધાની વંદનાકરી.પછી મા જાનકી અને રામનાચરણોનીવંદના બાદ નામ મહિમાનું લાંબુ પ્રકરણ લખાયું છે. રામનામ ઓમકાર સ્વરૂપ,વેદોનો પ્રાણ છે,મહામંત્ર છે કળિયુગમાં નામ સિવાય કોઈ આશરો નથી.
વરસાદનું પાણી ઉપરથી નીચે આવે કુવાનું પાણી નીચેથી ઉપર આવે અને વિરડાનું પાણી ચારે બાજુથી આવે છે.એ પછી રામચરિતમાનસની રચનાનો ઇતિહાસ,શિવે એની રચના કરી અને તુલસીદાસજી પાસે એ કઈ રીતે આવ્યું એનો ક્રમ બતાવ્યો.તેમાં જણાવ્યું કે કથા નીજ ગુરુ પાસે સાંભળો,પરગુરુ પાસે અન્ય વાતો સાંભળો અને સર્વગુરુને પ્રણામ કરો.
૧૬૩૧ની રામનવમીએઅયોધ્યામાંરામચરિતમાનસનું પ્રકાશન થયું.
