*ત્રિલોચન,ત્રિપુંડ,ત્રિશુલ,ત્રિભુવન ગુરુ વૈશ્વિક સ્વસ્તિક છે.*
*તિલક એ થ્રી-લક છે.*
*અહીં રક્તાભિષેકની સાથે વિરકતાભિષેક પણ થયા છે.*
*પચે નહીં તો અધ્યાત્મ પણ શૂળ છે.*
*તિલક એ ગુડલક,બેટરલક,બેસ્ટલક છે.*
*નામચરિત માનસ,નામાયણ અને નામકથાનું મહિમાગાન થયું*
પ્રથમ જ્યોતિર્લિંગ-સોમનાથ મંદિરનાં પરિસરમાં રવિવારની સવાર આધ્યાત્મિક કથાયાત્રાનાં બીજા દિવસની કથા સાથે ઊગી.
શિવને સકલ કલા ગુણધામ કહ્યા છે.
સોમનો અર્થ ચંદ્ર,સોમ એટલે રામનામ,સોમ એટલે ભગવાન સોમનાથ અને સોમ એટલે માનવીનું મન. રામનામ સોમ છે,અન્ય નામ નક્ષત્ર છે.
નારદજી કહે છે:
*राका रजनी भगति तव,राम नाम सोइ सोम।*
*अपर नाम उडगन बिमल,बसहुं भगत उर व्योम।।*
નારદ કહે ભક્તનાં ચિદાકાશમાં આપ સોમ છો.
સોમ એ સાક્ષાત કલ્યાણકારી વૈશ્વિક સ્વસ્તિક છે. રામનામ સોમ,રામના ભક્ત સોમ,માનવીનું મન સોમ સાક્ષાત મહાદેવ સોમ!સોમની કથા સોમ ગાઇ રહ્યા છે.
શિવજી પાસે અનેક વસ્તુઓ ત્રણ-ત્રણ છે એમાંની ચાર વસ્તુઓમાં:ત્રિલોચન-એટલે કે ત્રણ નયન(સૂર્ય, ચંદ્ર અને અગ્નિ)કલ્યાણકારી છે.મહાદેવનું ત્રિશૂળ કલ્યાણકારી છે.જે ત્રણ શૂળ(આધિભૌતિક,આધિ દૈવિક,આધ્યાત્મિક)ને નષ્ટ કરે છે.પચે નહીં તો અધ્યાત્મ પણ શૂળ છે.
મહાદેવનું ત્રિપુંડ કલ્યાણકારી છે.ત્રિપુંડની ત્રણ રેખા તિલક ને હું ત્રિ-લક કહું છું.એ ગુડલક,બેટરલક અને બેસ્ટલક છે.
ત્રિભુવન ગુરુ મહાદેવ કલ્યાણકારી છે.શિવની આસપાસ રહેલું બધું જ મંગલમય છે.
વંદનામાં જાનકી અને રામની વંદના કરતા કહ્યું:
*જનક સુતા જગ જનની જાનકી;*
*અતિસય પ્રિય કરુણા નિધાન કી.*
કરુણાનિધાન શબ્દની પાછળ ખાસ હેતુ છે.જાનકી અંગત સંબોધનમાં રામને કરુણાનિધાન કહેતી.આ નામ દિક્ષા જગદંબા પાર્વતી પાસેથી મળેલી.
જીવનમાં વિપત્તિ આવતા પહેલા સમાધાન આવી ગયું હોય છે.અશોક વાટિકામાં અશોક વૃક્ષની શાખાઓ ઉપર હનુમાનજી પહેલાથી આવીને બેઠેલા છે એ પોતાના પરિચયમાં પણ કરુણાનિધાન શબ્દ કહે છે.
જાનકી માટે લખ્યું છે:
*ગિરા અરથ જલ બિચિ સમ,કહિઅત ભિન્ન ન ભિન્ન,*
*બંદઉં સીતા રામ પદ જિન્હહિ પરમ પ્રિય ખિન્ન.*
નિમ્બાર્કી પરંપરામાં આને દ્વેતાદ્વૈત સિદ્ધાંત કહે છે. તુલસીજીએ ચારેય આચાર્યનો મત સ્થાપિત કર્યો છે રામચરિત માનસ નામચરિત માનસ પણ છે,રામાયણ નામાયણ છે,રામકથા એ નામકથા છે એવું કહી નામ મહિમાનાં ગાન કરતા કહ્યું રામ નામ છે,મંત્ર છે, મહામંત્ર છે,મંત્રરાજ છે,પરમ મંત્ર છે.
*તા કે જુગલ પદ કમલે મનાવઉં,*
*જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉં.*
આ લોક ગાયત્રી મંત્ર છે.
રામ સૂર્ય,ચંદ્ર,અગ્નિનું કારણ છે.ઓમનો પર્યાય છે. પ્રણવ નાદ છે.વેદનો પ્રાણ છે.આપણા જીવનમાં સાત્વિક સૃષ્ટિ નિર્માણ કરે છે.યોગ અને ક્ષેમ બંને કરી આપે છે.કળિયુગમાં બધું જ નષ્ટ થશે રામનામ શાશ્વત રહેશે એનાં પ્રભાવ,પ્રતાપ બતાવી આજની કથાને વિરામ અપાયો.
કાલે ડાકોરમાં આગળની કથાનું ગાન થશે.
*Box*
*રામકથાની સાથે-સાથે:*
*ડાકોરનાં ઠાકોરની પૃષ્ઠભૂમિ:*
ગુજરાતનાં ખેડા જિલ્લામાં આવેલું,ડાકોર મંદિર (શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર)ભગવાન કૃષ્ણને સમર્પિત પ્રખ્યાત તીર્થસ્થાન છે.
મરાઠા યુગની સ્થાપત્ય કળા સાથે જોડાયેલી ભૂમિ છે.
*પૌરાણિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ:*
ડંકપુરથી ડાકોર સુધી:પ્રાચિન સમયમાં આ વિસ્તાર ‘હિડિમ્બા વન’ અને ‘ડંકપુર’ તરીકે ઓળખાતો હતો.
અહીં ડંક ઋષિએ ભગવાન શિવની તપસ્યા કરેલી એ પછી ડંકનાથ મહાદેવ મંદિરની સ્થાપના થઈ.
ડંકપુરથી અપભ્રંશ થઇ ડાકોર તરીકે જાણીતું બન્યું.
*ભક્ત બોડાણાની દંતકથા*:ડાકોરની ખ્યાતિ ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત સંત બોડાણા (જેને વિજયાનંદ અથવા ભોલાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે)ની દંતકથા સાથે જોડાયેલી છે.તેઓ દર છ મહિને પગપાળા દ્વારકા જતા.તેમની ગહન ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણ પોતે દ્વારકાથી ડાકોર આવ્યા.
*રણછોડરાય નામ*:જરાસંધનાં હુમલા દરમિયાન ભગવાન કૃષ્ણ યુદ્ધભૂમિ છોડીને વ્યૂહાત્મક રીતે નીકળી ગયા હતા,તેથી તેઓ ‘રણછોડ’ કહેવાયા. ડાકોરમાં રણછોડરાયજી તરીકે પૂજાયા.
*હાલનાં મંદિરનો ઇતિહાસ*: હાલના ભવ્ય મંદિરનું નિર્માણ ૧૭૭૨માં બાલચંદ્રરાવ અને તેમના વંશજો દ્વારા પુણેમાં પેશ્વાનાં દરબારનાં અધિકારી ગોપાલ જગન્નાથ આંબેડકરની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું.
રાજ્યાશ્રય:પાછળથી,વડોદરાનાં ગાયકવાડ શાસકોએ આ મંદિરને ઘણું સંરક્ષણ આપ્યું,સોના-ચાંદી જડિત એક કલાત્મક સિંહાસન ભેટમાં આપ્યું.
*Box*
*બાપુએ ખોલ્યો પ્રભાસ ક્ષેત્રની સ્મૃતિઓનો પટારો*
સોમનાથ મહાદેવના ચરણોમાં વારંવાર પ્રણામ કરી સમગ્ર પ્રભાસ ક્ષેત્રના દેવસ્થાનોનાં તમામ સ્વરૂપો સાથે આ ઐતિહાસિક મંદિર નિર્માણ વખતે અનેક લોકોએ કુરબાની આપી.રક્તાભિષેકની સાથે વિરકતાભિષેક પણ થયા છે.જેણે-જેણે જીવન સમર્પિત કર્યું એમની ચેતનાઓને અને એમના પરિવારજનોને સાધુવાદ આપતા દિવંગત સરદાર પટેલ તેમજ નિમિત બનેલા પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ,કનૈયાલાલ મુનશી અને ‘સોમતીર્થ’ વાળા રઘુવીર ભાઈને પણ યાદ કર્યા.
સાથે જણાવ્યું કે આ પ્રભાસ ક્ષેત્ર સાથે મારી પોતાની અનેક સ્મૃતિઓ છે.વર્ષો સુધી લોહાણા મહાજન વાડીમાં આખો શ્રાવણ મહિનો કથાગાન કરતો.વેરાવળમાં વલ્લભભાઈ,બાબુ ભવાન ખડખડવાળા,ચીમનભાઈ ચા વાળા,લખુભાઈ, ધીરી મા ને યાદ કરીને કહ્યું કે બાબુ ભવાને મને લ્યુના શિખવાડેલું એ લઇ શોર્ટકટમાં ભગવાન શિવનાં દર્શન કરીને દેહોત્સર્ગ જાતો,એક કલાક બેઠો રહેતો,સતત રડતો.એક પૂર્ણ જ્યોત અસ્તિત્વમાં વિલન થઈ ગઈ કાગ રોવડાવે મને પ્રાચી કેરો પીપળો.. આ બધા જ સ્મરણો સાથે પુષ્પા બહેન દેસાઈ(શંભુપ્રસાદ દેસાઈનાં બહેન)-જેણે વિકાસ ગૃહની આધારશીલા રાખી.સીતાનાં ત્યાગને કારણે રામચરિત માનસનો કટ્ટર વિરોધ કરતી.એક વખત કથામાં આવી અને માગણી કરી કે પ્રભાસમાં એક કથા આપો!
અહીં પીટીસી અધ્યાપન મંદિરના સંચાલક છાયા સાહેબ નાગર હતા.આ બધાને યાદ કરી અહીં જુનાગઢ,વિકાસ ગૃહ,ભીડીયા મહાદેવ અને સોમનાથના પટાંગણમાં કથાનો અવસર મળ્યો તથા આજે ધજાનાં દર્શન કરતા-કરતાં ગાવાનો અવસર એ એની કૃપા નથી તો શું છે!
== સમાપ્ત ==
