18 દેશના 140થી વધુ ખેલાડીઓ; જેમાં પેરિસ ઓલિમ્પિક મેડલિસ્ટ પણ સામેલ છે, 14 થી 21 નવેમ્બર દરમિયાન ગ્રેટર નોયડા ખાતે ટકરાશે
દિલ્હી | ૨૮મી ઓક્ટોબર ૨૦૨૫: ગ્રેટર નોયડાના શહીદ વિજય સિંઘ પાઠક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. 14 થી 21 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ચેમ્પિયનશિપમાં 18 જેટલા દેશના 140 એલિટ બોક્સર ઉતરશે. આ ખેલાડીઓમાં 3 ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ પણ સામેલ રહેશે. આ દરમિયાન ભારતે અનુભવી ખેલાડીઓ ઉપરાંત ગત વર્લ્ડ બોક્સિંગ સ્પર્ધાઓમાં મેડલ વિજેતા ખેલાડીઓનો સમાવેશ કરતા 20 સભ્યોના મજબૂત દળની જાહેરાત કરી.
ભારતીય જર્સીમાં 10 પુરુષ અને 10 મહિલા ખેલાડીઓ ઉતરશે. જેમાં પૂર્વ વિશ્વ વિજેતા નિખત ઝરીન (51 કિ.ગ્રા.), વર્તમાન વિશ્વ વિજેતા જૈસ્મિન લિમ્બોરિયા (57 કિ.ગ્રા.), વર્તમાન વિશ્વ વિજેતા મિનાક્ષી (48 કિ.ગ્રા.), 2 વખતની એશિયન વિજેતા પૂજા રાની (80 કિ.ગ્રા.), પૂર્વ વિશ્વ વિજેતા સ્વિટી બૂરા (75 કિ.ગ્રા.) અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલિસ્ટ નૂપુર શેરોન (80 કિ.ગ્રા.+) સામેલ છે. જ્યારે પુરુષ ખેલાડીઓમાં અનુભવ અને યુવા ચેહરાઓનું મિશ્રણ છે. જેમાં હિતેશ (70 કિ.ગ્રા.) અને અભિનાશ જામવાલ (65 કિ.ગ્રા.) આ સિઝનમાં વર્લ્ડ બોક્સિંગ કપના તબક્કાઓમાં મેડલ્સ જીતી ચૂક્યા છે.
આ પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં પેરિસ ઓલિમ્પિકના 3 મેડલિસ્ટ એજી ઈમ (દક્ષિણ કોરિયા) અને વુ શીહ-યી તથા ચેન નિએન-ચીન (ચાઈનીઝ તાઈપે) ઉપરાંત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને વિશ્વભરનાં વર્લ્ડ કપ ગોલ્ડ વિજેતાઓ ઉતરશે.
બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અજય સિંહે આ મુદ્દે કહ્યું કે,“વર્લ્ડ બોક્સિંગ કપની ફાઈનલનું આયોજન કરવું એ ભારતીય બોક્સિંગ માટે ગર્વની વાત છે અને કેવી રીતે ભારત વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે તે દર્શાવે છે. વિશ્વના ટોચના દેશના અને ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓને અહીં રમતા જોવા માટે વ્યવસ્થા કરવી એ સન્માનજનક વાત છે. આપણા ખેલાડીઓ પણ શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ખભેખભા મિલાવી આગળ વધવાના સ્તરે પહોંચી ચૂક્યા છે. આ ઈવેન્ટ તેમને પોતાની ક્ષમતા સાબિત કરવાની વધુ એક તક આપશે.”
ભારતીય ખેલાડીઓમાં જાદુમની સિંઘ (50 કિ.ગ્રા.), પવન બર્તવાલ (55 કિ.ગ્રા.), સચિન (60 કિ.ગ્રા.), સુમિત (75 કિ.ગ્રા.), લક્ષ્ય ચાહર (80 કિ.ગ્રા.), જુગ્નુ (85 કિ.ગ્રા.), નવીન કુમાર (90 કિ.ગ્રા.) અને નરેન્દર (90+ કિ.ગ્રા.) ભારતના અન્ય પુરુષ ખેલાડીઓમાં સામેલ છે. જ્યારે મહિલાઓમાં અન્ય ખેલાડીઓમાં પ્રિતી (54 કિ.ગ્રા.), પ્રવીન (60 કિ.ગ્રા.), નીરજ ફોગાટ (65 કિ.ગ્રા.) અને અરુંધતિ ચૌધરી (70 કિ.ગ્રા.) સામેલ છે.
વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સ એ રમતની વાર્ષિક વૈશ્વિક સિરીઝનો ભાગ છે. જેમાં સિઝનના ટોચના ખેલાડીઓ 10 વજન વર્ગ કેટેગરીમાં પ્રતિષ્ઠિત વર્લ્ડ બોક્સિંગ કપ ટ્રોફીને પામવા ઉતરતા હોય છે.
— ENDS —
