જેની શ્રદ્ધા હોય ઊંડી,એની સ્વિકારાય હૂંડી
મંત્રમાં જે અક્ષરો જુએ છે એ મંત્રનો અપરાધ કરે છે.
“પદ એ નાન્યતર જાતિ છે,નાન્યતર જાતિ વધારે નિર્દોષ હોય છે એટલે પદ પ્રિય છે”
“મારા માટે રામ નામ જ અષ્ટાંગ યોગ છે.”
રામ મહામંત્ર છે,જપો નામની રીતે અને ફળ મંત્રનું આપે!
રામનામ સબીજ,સજીવ છે
નરસિંહ મહેતાને જ્યાં સ્વયં કૃષ્ણએ મહારાસનો અનુભવ કરાવ્યો એવી રસભૂમિ ગોપનાથમાં ચાલતી રામકથાનો બીજો દિવસ,આરંભે જ બાપુને પૂછાયેલું કે નરસિંહ મહેતાના આટલા બધા પદો છે.કવિતા, કાવ્ય,મહાકાવ્ય,ગઝલ,ભજન… અનેક પ્રકારની વસ્તુઓમાં પદ કેમ વધારે પ્રિય લાગે છે.બાપુએ જણાવ્યું કે પદ એ નાન્યતર જાતિ છે.નાન્યતર જાતિ વધારે નિર્દોષ હોય છે.વેદાંત પણ પદવાક્ય વધારે આપે છે.
પણ કયું પદ વધારે પ્રિય?આમ તો બધું જ પ્રિય. મહેબુબ કી હર ચીજ મહેબૂબ હોતી હૈ! તો પણ મારા માટે ગાંધીજીએ જે પદ પસંદ કર્યું:વૈષ્ણવજન તો તેને કહીએ- અદભુત છે.અઘરું છે પણ ઇષ્ટ પર ભરોસો હોય તો એક-એક પંક્તિ જીવી શકાય એવી. જો છટકી ન જઈએ તો બધાને પ્રિય થઈ જઈએ. આવો માણસ મળે તો તીર્થે જવાની જરૂર નથી એના શરીરમાં બધા તીર્થો નિવાસ કરતા હોય એવું પદ છે. જેને હું વૈષ્ણવનું પદ કહું છું.
બીજું વિશ્વાસનું પદ-મને બહુ પ્રિય છે.
અખંડ રોજી હરિના હાથમાં… જેને હું શ્રદ્ધાનું, વિશ્વાસનું પદ,ભરોસાનું પદ કહું છું.એ પદ છે:
વા’લા મારા અખંડ રોજી હરિનાં હાથમાં…
આપણા હાથમાં આજીવિકાનું સાધન અખંડ નથી. વા’લો મારો જુએ છે વિચારી… વ્હાલો વિચારીને જોયા જ કરે છે કે કોના પાત્રમાં કેટલી જગ્યા છે.
દેવા રે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી..
આપણને કેટલું પચશે એટલું એ આપશે, દ્વારિકાધીશ ભિખારી નથી.
નવ-નવ મહિના એજી ઉદરમાં વસ્યા તે ‘દી વાલે જળથી જીવાડિયા…
આપણે આપણી માતાની ગોદમાં પાણીની અંદર જીવી શકીએ છીએ.
આપશે,આપશે સુતાને જગાડી,વાલા ગરૂડે ચડીને ગોવિંદ આવજો,આવીને ભક્તેનાં સંકટ કાપજો.. આ પદમાં કેવળ ભરોસો અને વિશ્વાસ છે.
ત્રીજું પદ મહેતાનું વૈરાગ્યનું પદ.તો આ ત્રણ પદ અતિ પ્રિય છે:વૈષ્ણવનું,વિશ્વાસનું અને વિરક્તિનું. એના સિવાયની બધી રચના પણ અદભુત છે. વિદ્વાવાનો બધી વસ્તુ સ્વિકારતા નથી.શ્રદ્ધા જગત એમ કહે છે કે નરસિંહ મહેતાનાં પર(બાવન) કામ ભગવાને કર્યા એટલે જ ભગવાનને બાવન ગજની ધજા ચડે છે,જેમાં સૂર્ય ચંદ્રનાં નિશાન છે-એ દ્વારિકાધીશને ધજા ચડે છે.
ગંગાસતીનાં કાળની વાત,તો ગંગા સતીએ બાવન પદ લખ્યા.આ બાવનની સરહદ રાખીને બંને બાવન બા’રાં ખેલી ગયા છે.
તળાજામાં સાતમા દિવસે ગોપનાથના દર્શન પછી રાસલીલામાં પ્રવેશ કર્યો.તળાજામાં પાછા આવ્યા, ફાવ્યું નહીં,પછી મે’તે જુનાગઢ તરફ યાત્રા કરી છે. રામચરિત માનસના વંદના પ્રકરણમાં હનુમંત વંદના બાદ રામકથામાં સહયોગીઓ જે-જે હતા એની વંદના,પછી સીતાજીની વંદના અને રામવંદના પછી એક મોટું પ્રકરણ જે ૭૨ પંક્તિઓમાં સમાયેલું છે, રામનામની એટલે કે નામની વંદના કરી છે.
બંદઉ નામ રામ રઘુવર કો;
હેતુ કૃસાનુ ભાનુ હિમકર કો.
મહામંત્ર જોઇ જપત મહેસુ;
કાસી મકુતિ હેતુ ઉપદેસું
બિધિ હરિ હર મય બેદ પ્રાણ સો;
અગમ અનુપમ ગુણ નિધાન સો.
વિષ્ણુ સહસ્ત્રના મહાભારતનું પ્રકરણ એમ રામ પરમ વિષ્ણુ છે.એમાં અનેક નામો છે. એમાંથી રામ નામની વિશેષ વંદના કરી છે.રામનું નામ અગ્નિ રૂપ છે,સૂર્યનું કારણ,ચંદ્રનું કારણ અને બીજરૂપ છે. આપને જે નામ પસંદ હોય એ નામ લેજો પણ રામ નામનો મહિમા અદભુત છે.રામના મહામંત્ર છે એવું શિવજી કહે છે.પતંજલિના અષ્ટાંગયોગમાં મારા માટે રામ નામ જ યમ,નિયમ,આસન,પ્રાણાયામ, પ્રત્યાહાર,ધ્યાન ધારણા અને સમાધિ-સર્વસ્વ છે. જવાહર બક્ષીએ નરસિંહ સાહિત્યને અનેક સંદર્ભ જોઇને મુલવ્યું છે અને મનનીય પ્રવચન પણ આપ્યું પણ મારા માટે બધું રામનામ છે.જનમ-જનમ બીજું કંઈ જાણવું નથી.ઈષ્ટદેવ જે હોય એનું નામ લેજો મારો રામ સાંકડો નથી પરંતુ કોઈ નિર્ણય ન કરી શકો તો રામ મહામંત્ર છે.જપ નામની રીતે જપો અને ફળ મંત્રનું આપે.કોઈ નિર્ણય ન કરી શકો તો નામ પણ છે અને મહામંત્ર પણ છે.મંત્ર એ અક્ષરોનો સમૂહ નથી હોતો.અગ્ર
દાસ મહારાજે કહ્યું મંત્રમાં જે અક્ષરો જુએ છે એ મંત્રનો અપરાધ કરે છે.નામઘોષાચારમાં વિનોબાજીએ કહેલું એમ મહામંત્ર જુદો પ્રદેશ છે.એકાક્ષરી હોય, દ્વાદશ,પંચાક્ષ એવા અનેક મંત્ર.પણ ટૂંકું ટચૂકડું નામ રામ રામ બોલો!
શાલીગ્રામને પથ્થર માનો એ મોટો અપરાધ કરો છો, તુલસીજીને છોડવો માનો એ અપરાધ છે, ચરણામૃતને પાણી સમજે એ અપરાધ છે,પ્રસાદને અન્ન સમજીએ અને ગાયને પશુ સમજીએ એ અપરાધ છે,પશુ ગાયનું વિશેષણ છે.મહામંત્ર સજીવ હોય છે સબીજ હોય છે.
રામ નામમાં ખૂબ જ ઊર્જા છે,ભરોસો કરજો.બીજ મંત્ર છે.બેરખા પર જેટલું રામનામ જામે એવું બીજું નામ ન જામે! રામનામ સબીજ,સજીવ છે.
રામે એક તાપસ અહલ્યાને તારી પણ એના નામે અનેક અહલ્યાને ઉગારી છે.
ગુરુ ત્રણ પ્રકારનાં હોય છે:નીજગુરુ પરમગુરૂ અને સર્વગુરુ.નીજ શબ્દ અદભુત રીતે વપરાયો છે. સ્મરણ નીજ ગુરુનું કરો,શ્રવણ સર્વગુરુનું કરો.
નીજ ગુરુને સમર્પણ પણ કરજો અને પરગુરુને આદર આપજો.સર્વગુરુ જગતગુરુ શંકરાચાર્ય છે. દિલ્હીમાં માનસ સનાતન ધર્મ પર બોલવું છે,કથા કરાવનાર જૈન સાધુ હોવા છતાં બોલવું છે સનાતન ધર્મ પર.
આપણા મલકમાં આપણો ડાયરો છે ત્યારે બાપુએ કહ્યું કે સનાતન ધર્મ પર અને આપણા જ રામનામ પર ખૂબ જ ભાર મૂકવાની વાત કરી.
જેની શ્રદ્ધા હોય ઊંડી,એની સ્વિકારાય હૂંડી. રામચરિત્ર માનસની રચના એ પછી તુલસીજીએ જે અલગ અલગ ઘાટ બતાવ્યા એની વાત કરીને કથાને વિરામ અપાયો.
