Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – શ્રી મોરારિબાપુ

ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ‘ માનસ ગોપનાથ’ પ્રારંભ

ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ‘ માનસ ગોપનાથ’ પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું.

ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની સાધના ભૂમિ, જ્યાં શ્રી કૃષ્ણ લીલા સાક્ષાત્કાર પામ્યા તે ગોહિલવાડનાં સમુદ્ર કિનારે સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા પ્રારંભ થયો છે.

શ્રી મોરારિબાપુએ કથા મંગલાચરણ કરાવતાં આ સ્થાનનું મહત્વ ત્યાં કથા મહાત્મ્ય સાથે માત્ર સાત દિવસની સાધનામાં શ્રી નરસિંહ મહેતાને હરિ અને હર મળ્યા તે આ સ્થાન તેમ જણાવી તેમના વિવિધ સ્મરણો વાગોળ્યા.

વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. ક્થા પ્રવાહ શરૂ કરતાં પહેલા સ્વામી શ્રી કરપાત્રીજી દ્વારા રામકથા સાત કાંડની ભાવ વ્યાખ્યા રજૂ કરતાં કહ્યું કે, બાલકાંડ એ સંકલ્પ, અયોધ્યાકાંડ એ સંસ્મરણ, અરણ્યકાંડ એ સંતૃપ્તિ, કિષ્કિંધાકાંડ એ સંરક્ષણ, સુંદરકાંડ એ સંતપ્ત, લંકાકાંડ એ સંઘર્ષ અને ઉત્તરકાંડ એ સંસ્પર્શ તત્ત્વ સાથેનાં સોપાનો છે. આ સાત સોપાનો નિસરણી રૂપ છે, જે ચડાવી અને ઊતારી શકે છે.

ક્થા પ્રારંભ સંવાદ સાથે વાણી, વિનાયક…વગેરેની ક્રમશઃ વંદના પ્રસ્તુત કરી કથા પ્રવાહ આગળ વધાર્યો. શ્રી મોરારિબાપુએ નરસૈયાની પ્રસંગ કથા સાથે કહ્યું કે, આપણી આસ્થા ઊંડી હોય તો આજે પણ ઈશ્વર હૂંડી સ્વીકારે છે.

રામકથાના યજમાન ભક્તકવિ નરસિંહ મહેતાની જીવંત ચેતના હોવાના ભાવ સાથે નિમિત્તમાત્ર મનોરથી શ્રી રમાશંકર બાજોરિયા અને શ્રી શુભોદય બાજોરિયા પરિવાર દ્વારા પોથીયાત્રા કથા સ્થાન ચિત્રકુટધામ પંહોચી હતી.

ગોપનાથ બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ શ્રી સીતારામબાપુએ આ કથા પ્રસંગની પ્રસન્નતા વ્યક્ત કરી.

ગોપનાથ મહંત જગ્યાના ગાદીપતિ શ્રી આત્માનંદ સરસ્વતીજીએ સંસ્કૃતિ અને પ્રકૃતિને બચાવવા વિકૃતિ ન આવે તે માટે આ કથા ઉપક્રમો વંદનીય ગણાવ્યાં.

રામકથા પ્રારંભ સંચાલનમાં રહેલાં શ્રી નીતિન વડગામાએ આ ભૂમિ મહાત્મ્ય સાથે નરસિંહ મહેતા તેમજ કવિ કાન્તનું સ્મરણ કરી આ રામકથા એ રામ, કૃષ્ણ અને શિવના ત્રિવેણી સંગમરૂપ ગણાવેલ.

ગોપનાથ મહાદેવનાં સાનિધ્યમાં રામકથા પ્રારંભ વેળાએ ભાવનગર રાજવી પરિવારના શ્રી સંયુક્તાકુમારીજી, પ્રાંત અધિકારી શ્રી જયપાલસિંહ સોલંકી અને અગ્રણી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી.

Related posts

પીબીએલ 4.0 વ્યૂહ ઓક્શનએ બિઝનેસ સ્ટ્રેટેજી, ટીમવર્ક અને ઉત્સાહની ઉજવણી કરી

truthofbharat

હનુમાન કોટેશ્વર છે,કોટેશ્વર હનુમાન છે.

truthofbharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા, મંદિરમાં આયોજિત વિવિધ પૂજામાં ભાગ લીધો

truthofbharat