પીઠ તો બહુ છે પણ વિશ્વ અને રાષ્ટ્રમાં સદભાવ પીઠની જરૂર છે : પૂજ્ય મોરારી બાપુ
રામેશ્વરમ તમિલનાડુ | ૦૨ નવેમ્બર ૨૦૨૫: ચિત્રકૂટ થી પ્રસ્થાન થયેલી આ રામયાત્રા સતત બે દિવસની ટ્રેઇન યાત્રા બાદ ગઈકાલે તમિલનાડુના રામેશ્વરમ્ ખાતે પહોંચી હતી. કથાનાં સાતમાં દિવસે પૂજ્ય બાપુએ દેશના મહાન વિજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ, ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામજીને યાદ કર્યા ને કહ્યું કે આ એમની ભૂમિ છે અને એમણે એક સૂત્ર-જય વિજ્ઞાન-આપ્યું હતું.
રામેશ્વરમ ખાતે સાતમાં દિવસની કથામાં દિલ્હીની રામકથાનાં મનોરથી જૈનાચાર્ય લોકેશ મુનિજીએ પણ કથામાં વિશેષ હાજરી આપી હતી. વ્યાસપીઠથી પૂજ્ય બાપુએ કહ્યું કે, દેશમાં પીઠ તો ઘણી છે પણ એક સદભાવ પીઠની વિશેષ જરૂર છે. જેમાં ન કોઈ વેર હોય, ન કોઈ વિગ્રહ હોય ન કોઈ વિરોધ. બાપુએ કહ્યું કે સંસારી માનસિકતા ધરાવનારને આ યાત્રા બહિર્યાત્રા લાગે વિરક્ત અને સંન્યાસી હોય એને આ યાત્રા અંતરયાત્રા લાગે પણ હું મારા વ્યક્તિગત રૂપે કહું તો સાધુઓ માટે આ મધ્યમ માર્ગી યાત્રા છે.
પૂજ્ય બાપુએ કહ્યું કે, ત્રણ મહત્વના બિંદુઓમાં રામ પ્રાગટ્ય, રામસેતુ અને રામરાજ્યની પ્રોસેસ સમજવા જેવી છે. રામ પ્રાગટ્ય વિના રામસેતુ ન થઈ શકે અને રામસેતુ વગર રામ રાજ્યની કલ્પના થઈ શકતી નથી.
બાપુએ કહ્યું કે, રામસેતુ માટે આ પ્રકારની યાત્રાઓ ખૂબ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, એક દિવસની હવાઈ યાત્રા પછી કોલંબોમાં આ કથાનું ગાન થવા જઈ રહ્યું છે. સાતમાં દિવસની કથામાં પૂજ્ય મોરારિ બાપુએ રામેશ્વરમાં રામનાથ સ્વામીજીના દર્શન કર્યા હતા. બાપુએ કથા સમાપન બાદ સાંજે ધનુષકોટી જઈ ભક્તો સાથે સંગોષ્ઠી કરી હતી સાથે ધનુષકોટીમાં સંગીતમય માહોલ સાથે ભક્તો દ્વારા કવિતાઓ પણ રજૂ કરાઈ હતી. હવે આ રામયાત્રા હવાઈ માર્ગે શ્રીલંકાનાં કોલંબો પહોંચશે જ્યાં હવે ૩ નવેમ્બરથી પૂજ્ય મોરારિ બાપુ દ્વારા આગળની કથાનું ગાન કરવામાં આવશે.
