જેતલપુર | ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા ભાવી આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, યજમાનો અને ગ્રામજનોની ઊપસ્થિતીમાં વિજયસ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવી આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ કહ્યું હતું કે આ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ સમાજમાં આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનો સંદેશ આપશે તથા આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરતો એક પર્વ બની રહેશે.
આ દ્વિશતાબ્દી પાટોત્સવ દરમ્યાન શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ, 200 કુંડી મહાવિષ્ણુયાગ, પોથી યાત્રા । પાલખી યાત્રા, નિત્ય ઠાકોરજીને કેસર અભિષેક, સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, નિત્ય સમૂહ મહાપુજા, નિત્ય ગૌમાતાનું પૂજન, સાંસ્કૃતિક પ્રદર્શન, ફ્લાવર શો, નવ ધામ મંદિરોના દર્શન, ચાર વેદની ચાર યજ્ઞશાળા, ઠાકોરજીને પુષ્પ અભિષેક, ઠાકોરજી નો મહા અભિષેક, ઠાકોરજીને છપ્પન ભોગનો અન્નકૂટ, ધર્મકુળ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવ, જેતલપુર ધામ ડૉક્યુમેન્ટરી દર્શન, ધર્મકુળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન, લાઈટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી બળદેવજી નો લગ્ન ઉત્સવ અને દરરોજ જુદા જુદા વિષય પર પરીસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ ભવ્ય મહોત્સવમાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ ભક્તો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡
