પૂ.મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા સન્માન થકી રુ.1,51,000 ની ધનરાશિ સાથે કવિના કવિકર્મની ભાવવાહી વંદના કરવામાં આવી
પૂ.મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ગણાતો આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ આજે ગોપનાથ ખાતે રામકથાના મંડપ મધ્યે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને એનાયત થયો હતો. અવોર્ડ માં નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા, શાલ, સન્માનપત્ર, રૂપિયા એક લાખ ને એકાવન હજારની પુરસ્કૃત રાશીનો સમાવેશ થાય છે.
આજની ઘડી તે રળિયામણી ના પ્રેરક પ્રસંગે સ્વરકાર ,ગાયક હરિશ્ચંદ્ર જોશી એ હર્ષ બ્રહ્મભટ્ટની અને ગોપનાથને સંલગ્ન નરસિંહ મહેતાની કાવ્ય રચના ગાઈ હતી. ભાવનગર સ્થિત કવિ વિનોદ જોશીએ પુરસ્કૃત કવિના કવિ અને કાવ્ય કર્મ સુપેરે રજૂ કર્યું જ્યારે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટના પ્રમુખ રઘુવીર ચૌધરીએ પ્રાસંગિક વાત કરી હતી.
આ કવિતામય સાંજે ભાવનગરના કલાવૃંદ જી રે વ્હાલા આજની ઘડી તે રળિયામણી ના સંગીતિક રાસ રજૂ થતાં સમગ્ર કથા મંડપમાં ઉલ્લાસ પ્રસર્યો હતો. બાદમાં પુરસ્કૃત કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટે પિતાની કેફિયત સાથે પોતાના કાવ્યોનો કાવ્ય પાઠ કર્યો હતો.
એવોર્ડના પ્રેરક પૂ.મોરારીબાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ વેળાએ ગુજરાત ભરના કવિઓ, સાહિત્ય પ્રેમીઓ, વિદ્વવદજનો ની હાજરી રહી હતી.
કાર્યક્રમનું ભાવવાહી સંચાલન અમરેલીના કવિ પ્રણવ પંડ્યાએ બખૂબી નિભાવ્યું હતું.
