સાધુઓ માટે આ મધ્યમ માર્ગી યાત્રા છે.
સ્મૃતિ પ્રસાદ છે,સ્મરણ પ્રયાસથી આવે છે.
આપણે નીલકંઠ તો ન બની શકીએ,પણ શીલકંઠ બની શકીએ તો પણ ઘણું છે.
બુદ્ધે ઘર,પરિવાર સંસારનો ત્યાગ કર્યો તપ અને નિર્વાણનો પણ ત્યાગ કર્યો ત્યારે બુદ્ધત્વ આવ્યું છે.
સતત બે દિવસની ટ્રેઇન યાત્રા રામેશ્વરમ્(તમિલનાડુ) પહોંચી,આજે કથાનાં સાતમા દિવસે યાત્રા રામેશ્વર પહોંચી ત્યારે બાપુએ પૂર્વ રાષ્ટ્રપતિ,અજાત શત્રુ કલામજીને યાદ કર્યા ને કહ્યું કે આ એમની ભૂમિ છે અને એમણે એક સૂત્ર-જય વિજ્ઞાન-આપ્યું.
સાથે-સાથે દિલ્હીની રામકથાનાં મનોરથી જૈનાચાર્ય લોકેશ મુનિજી છે એ પણ કથામાં વિશેષ ઉપસ્થિત રહ્યા.
દેશમાં પીઠ તો ઘણી છે પણ એક સદભાવ પીઠની જરૂરત છે.જેથી ન કોઈ વેર હોય,ન કોઈ વિગ્રહ હોય ન કોઈ વિરોધ હોય.
બાપુએ કહ્યું કે સંસારી માનસિકતા ધરાવનારને આ યાત્રા બહિર્યાત્રા લાગે વિરક્ત અને સંન્યાસી હોય એને આ યાત્રા અંતરયાત્રા લાગે પણ હું મારા વ્યક્તિગત રૂપે કહું તો સાધુઓ માટે આ મધ્યમ માર્ગી યાત્રા છે.જે રીતે ઉંબર ઉપર મુકેલો દીપ અંદર અને બહાર બંને તરફ ઉજાસ આપે છે.
કબીર સાહેબ પણ કહે છે કે:જલ મેં કુંભ,કુંભ મેં જલ,બાહર ભીતર દોનો પાની…
ત્રણ મહત્વના બિંદુઓ:રામ પ્રાગટ્ય,રામસેતુ અને રામરાજ્યની પ્રોસેસ સમજવા જેવી છે.રામ પ્રાગટ્ય વિના રામસેતુ ન થઈ શકે અને રામસેતુ વગર રામ રાજ્યની કલ્પના થઈ શકતી નથી.
અસલમાં રામે સેતુ બનાવેલો એ કાલાંતરમાં કદાચ તૂટી ગયો પરંતુ તુલસીદાસજીએ રામચરિત માનસમાં જે રામસેતુ બનાવ્યો છે એને તોડવો અસંભવ છે. રામસેતુ માટે જ આવી યાત્રાઓ ખૂબ આવશ્યક છે. પહેલા રામ પ્રાગટ્ય,વચમાં રામસેતુ અને અયોધ્યામાં રામ રાજ્યાભિષેક-આ ક્રમ છે.
ભગવાન શિવના વિવાહ પછી શિવ કૈલાશનાં વેદ વિદિત વટવૃક્ષની છાયામાં પોતાની રીતે જ આસન બીછાવીને બેઠા છે.
નિજકર ડાસિ નાગરિપુ છાલા;
બૈઠે સહજહિ સંભુ કૃપાલા
એ વખતે યોગ્ય સમય જાણી અને પાર્વતી રામ પ્રાગટ્યના હેતુઓ પૂછે છે અને રામ પ્રાગટ્યનાં હેતુઓ જણાવતા શિવ કહે છે કે પૃથ્વિ ઉપર રાવણનો અત્યાચાર ખૂબ જ વધતા પૃથ્વિ ગાયનું રૂપ લઈ અને બ્રહ્માને પ્રાર્થના કરે છે અને બધા મળીને પુકાર કરે છે,આકાશવાણી થાય છે એ પછી અયોધ્યામાં પુત્રકામેષ્ટિ યજ્ઞ અને અંતે ચાર પુત્રોની પ્રાપ્તિ થાય છે ત્યારે બાપુ જણાવે છે કે ગુરુ આપણા ધર્મ અને મોક્ષ સમય હાજર હોય છે,અર્થ અને કામની યાત્રા આપણા વિવેક ઉપર છોડે છે.છતાં પણ કહે છે કે છાયાની જેમ આપણી સાથે ચાલતો હોય છે.
સ્મૃતિ અને સ્મરણ વચ્ચે અંતર છે.સ્મૃતિ પ્રસાદ છે સ્મરણ પ્રયાસથી આવે છે.આપણે નીલકંઠ તો ન બની શકીએ પણ શીલકંઠ બની શકીએ તો પણ ઘણું છે.
ત્રિભુવનને રામ પ્રાગટ્યની બિલકુલ સાદાઇ-સાદગીથી વધાઈ આપી.દશરથને પ્રયાસથી નહીં પણ પ્રસાદથી પરમાત્માની પ્રાપ્તિ થઈ.દશરથે જ્યારે વસ્ત્ર,ધેનુ,સોના અને મણી-માણેકનું દાન આપ્યું ત્યારે દશરથની પુત્રી શાંતિ(શાંતા)આવે છે ત્યાગથી શાંતિ આવે છે.એ જ રીતે બુદ્ધે ઘર,પરિવાર સંસારનો ત્યાગ કર્યો તપ અને નિર્વાણનો(મોક્ષનો) પણ ત્યાગ કર્યો ત્યારે બુદ્ધત્વ આવ્યું છે.
બાલકાંડના સમાપન બાદ બધા જ કાંડોનો ઉલ્લેખ કરીને રામેશ્વરની ભૂમિમાં રામ પધારે છે.
જ્યાં રામેશ્વરની સ્થાપના લંકાકાંડમાં થઈ છે જે એક દિવસની હવાઈ યાત્રા પછી કોલંબોમાં આ કથાનું ગાન થશે
આજની કથા રામેશ્વરને અર્પણ કરાઇ.હવે અહીંથી શ્રીલંકાનાં કોલંબો પહોંચવાનું હોવાથી ફરી એક દિવસનો કથાગાન વિરામ રહેશે,હવે ૩-નવેમ્બરે આગળની કથાનું ગાન થશે.
