શ્રીનગર ૨૦ એપ્રિલ ૨૦૨૫: કાશ્મીર ખીણ માટે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક સિદ્ધિરૂપે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શનિવારે દાલ સરોવરના કિનારે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામ કથાના મર્મજ્ઞ પૂજ્ય મોરારી બાપુની નવ દિવસીય રામ કથાનો વિધિવત શુભારંભ કર્યો.
ઘણા દાયકાઓના અંતરાલ પછી કાશ્મીર ખીણમાં આ પ્રથમ રામ કથાનું આયોજન થઈ રહ્યું છે, જે તેને ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે. ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને વિવિધ ક્ષેત્રોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના સંબોધનમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રામ કથાની સાર્વત્રિક ભાવના પર ભાર મૂક્યો અને તેને એક આધ્યાત્મિક પરંપરા તરીકે વર્ણવી જે સંસ્કૃતિ અને સંપ્રદાયોની સીમાઓ પાર કરીને માનવતાને જોડે છે.
તેમણે કહ્યું, “રામ કથાએ સદીઓથી સમાજને નૈતિકતા, કરુણા, ન્યાય અને કર્તવ્યનો માર્ગ બતાવ્યો છે. ભગવાન શ્રીરામનું જીવન આજે પણ સમગ્ર માનવતા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.”
મોરારી બાપુના જીવન કાર્યનો ઉલ્લેખ કરતાં ઉપરાજ્યપાલે કહ્યું કે પૂજ્ય બાપુએ સત્ય, પ્રેમ અને કરુણાના મૂળ સંદેશ સાથે રામ કથાના માધ્યમથી વિશ્વભરમાં જનચેતના જાગૃત કરી છે.
તેમણે વધુમાં કહ્યું, ” મોરારી બાપુની રામ કથાઓ ન કેવળ જ્ઞાનનો સ્ત્રોત છે, પરંતુ એકતા અને માનવતાના સેતુરૂપે પણ કાર્ય કરે છે. તેમના પ્રવચનો સમાજમાં નૈતિક જીવન, ન્યાય અને કરુણાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે.”
પૂજ્ય મોરારી બાપુ છેલ્લા છ દાયકાઓથી પણ વધુ સમયથી ભારત અને વિશ્વભરમાં રામ કથા કરી રહ્યા છે. શ્રીનગરની આ કથા તેમની 955મી રામ કથા છે અને તે ‘વસુધૈવ કુટુંબકમ્’ ના આદર્શને આગળ વધારે છે.
આ ઐતિહાસિક આયોજનને સાકાર કરવામાં ભારતીય લોક કલ્યાણ ટ્રસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ટ્રસ્ટના સંરક્ષક અરુણ કુમાર સરાફ અને કૌશલેશ નંદન પ્રસાદ સિન્હાના માર્ગદર્શન હેઠળ આ આયોજન શક્ય બન્યું છે. ઉપરાજ્યપાલે આયોજન સમિતિને આ પુણ્ય કાર્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી.
શ્રીનગરમાં આ રામ કથા નવ દિવસ સુધી ચાલશે અને પ્રભુ શ્રીરામના આદર્શો પર આધારિત એક દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણનું સર્જન કરશે.