મેઘાણીએ ભેદની ભિંત્યુંને તોડી ‘સેતુબંધ‘ કર્મ કર્યું છે.
સખાવત,ખપાવત,ખેલાવટ, નપાવટ,રખાવટ,વહેવાર વટ,ક્ષાત્રવટ-જેવા વિવિધ ‘વટ‘ મેઘાણીનાં સાહિત્યમાં દેખાય છે.
“આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ મને ‘સાધુ‘ લાગે છે.”
અમરેલી રોડ બગસરા ખાતે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે ભૂમિનું સત્વ-તત્વ અને અસ્મિતાથી છલોછલ ભરેલી બગસરાની ભૂમિને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે રાષ્ટ્રીય શાયર તો છે જ તલગાજરડી દ્રષ્ટિ જેને સાયર પણ કહે છે એવા મેઘાણીજીનું કવન ગાવાનો હરખ છે.
સંતો-સાધુઓ સાથે વિદ્યાની વિવિધ વિધાઓના વિદ્વાનો,બુદ્ધિજનો પણ બહોળી સંખ્યામાં હાજર છે.એક શિક્ષકના પ્રશ્નથી આરંભ કરતા કહ્યું કે કથા શરૂ થાય ત્યારે આટલી શાંતિ કેમ હોય છે?અમારી શાળાઓનાં વર્ગખંડોમાં અમને ખબર છે કે શાંતિ અઘરી છે.બાપુએ કહ્યું કે મેં પણ ફિલ્મો જોઈ છે. થિયેટરમાં ફિલ્મ શરૂ થાય છે ત્યારે આખું થિયેટર ચૂપ થઈ જાય છે એમ કથાના પંડાલમાં અચલ ચરિત્ર શરૂ થાય ત્યારે બધું શાંત થઈ જાય છે.કારણ આ રઘુવંશનું ચરિત્ર છે.
રામકથાનાં નવ કૂળ છે,પણ અમુક એકબીજામાં ભળે એ રીતે સાત કૂળ દેખાય છે.
નવખંડ પૃથ્વી,નવ નાગ,ભક્તિનાં નવ પ્રકાર,રામનો જન્મ નવમીએ,નવ નવ ગ્રહો જેનાં ઢોલિયે બાંધ્યા એવા રાવણ માટે મંદોદરીની વિનવણી,રામકથા પણ નવ દિવસની! અને હવે યુદ્ધો ચાલી રહ્યા છે ત્યારે નવમાં અવતાર બુદ્ધનું સેવન કરવું એ પણ નવનો અંક છે.
રામકથા માટે મેઘાણીનો વિષય કેમ પસંદ કર્યો? માનસના સાત કૂળનું એક-એક ધ્રુવ વાક્ય,એક-એક સારાંશ છે એવા જ અંશો મેઘાણીમાં પણ દેખાય છે શિષ્ટ સાહિત્ય ‘માનસ અને મેઘાણીનો તુલનાત્મક અભ્યાસ’-એવું કહે પણ મારા માટે આ પ્રાસાદિક પ્રયાસ છે.
રઘુકૂળ,જનકકૂળ-બુદ્ધ કૌશિક વિશ્વામિત્રે આ બંને વચ્ચે સેતુ બનાવી દીધો.મેઘાણીએ પણ ભેદની ભિંત્યુઓને તોડી ‘સેતુબંધ’ કર્મ કર્યું છે.કુલક્ષ કુળ રાવણનું,કપિકૂળ,કવિકૂળ,સાધુકૂળ,મનુકૂળ-આપણા આદિ માતા-પિતા,એ મનુના બે પુત્ર:ઉત્તનપાદ અને પ્રિયવ્રત.ઉત્તાનપાદનાં ધ્રુવ અને એક દીકરી દેવહૂતિ જેના લગ્ન કદર્મ મુની સાથે થયા અને એના જીવનમાં ૨૪ અવતારનાં સાંખ્ય એવા કપિલ ભગવાન પ્રગટ થયા-એવા કુળોની આ વાત છે.
કપીકૂળ તો કેવડું મોટું!૧૮ પદ્મતો એનાં જૂથપ (સેનાપતિ)!વિદેશીઓ કદાચ એને અર્થવાદ કે અતિશયોક્તિ પણ કહે છે.
પોતાને ગમતો સૌથી વધુ શબ્દ ‘સાધુ’ વિશે બાપુએ કહ્યું કે વિશેષણ મુક્ત,શણગાર મુક્ત,પણ સંસ્કાર સંપન્ન આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ મને સાધુ લાગે છે.
સાધુ એટલે જેનું જીવન સાદું,સાબુ,સામું,સાચું,સારું એ સાધુ.
અહીં એક-એક કૂળની વિશેષતાઓ છે.કોઈમાં સખાવત,કોઈમાં વ્યવહાર વટ,કોઈમાં ખપાવત, કોઈમાં ખેલાવટ,કોઈ નપાવટ પણ છે,ક્યાંક રખાવટ, ક્યાંક વહેવાર વટ અને ક્યાંક ક્ષાત્રવટ દેખાય છે.આ બધું જ મેઘાણી સાહિત્યમાં પણ દેખાય છે.
મેઘાણીના ૧૪ રત્નોમાંથી વધું બે રત્નો બાપુએ કહ્યા કુંકાવાવનાં પાદરમાં જ્યારે ગોંડલ દરબારને ભૂખ લાગે છે ને એક પટેલ બધા જ પચ્ચીસે’ક જેટલા ઘોડેસવારોને પોતાને ત્યાં મહેમાનગતિ કરીને જમાડે છે.ગોંડલ દરબારે ત્યાંના તલાટી પાસે એ પટેલને સખાવત રૂપે કુંકાવાવની ઓતરાદી દિશાની ચાર કોષ જમીન લખી આપી પણ પછી સમજાયું કે કુંકાવાવ ગોંડલ તાબાનું ન હતું,જેતપુરનું હતું! અને જેતપુર દરબારને ખબર પડતા એ તાંબાના પતરે ગોંડલ દરબારે લખેલી જમીન ખેડૂતને આપે છે અને એ રીતે જેતપુર અને ગોંડલ વચ્ચે રહેલા કજિયાની પણ પતાવટ થાય છે.મેઘાણીની એક જ કથામાં પતાવટ, રખાવટ,સખાવત,નપાવટ,ક્ષાત્રવટ,સજાવટ-આવા બધા જ પ્રકારના ‘વટ’ પણ દેખાય છે.
‘છેલ્લો કટોરો’ કાવ્ય મેઘાણીએ લખ્યું ત્યારે એણે એવું લખેલું કે:છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બંધુ! અમૃતલાલ શેઠે મેઘાણીને કહ્યું કે ‘બંધુ’ની જગ્યાએ ‘બાપુ’ શબ્દ લખો.અને
છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ!
સાગર પીનારા,અંજલી નવ ઢોળજો બાપુ!
આખા કાવ્યનું પઠન કરીને શિવચરિત્રની કથા બાદ રામ જન્મની કથામાં સંક્ષિપ્ત રીતે શિવ,પાર્વતીને રામ જન્મના પાંચ કારણો કહે છે.એ પછી દેવતાઓ દ્વારા સ્તુતિ,આકાશવાણી બાદ અયોધ્યા ધામમાં દશરથનાં મહેલમાં,મા કૌશલ્યની કૂખે રામનું અવતરણ થાય છે એક મા રામને બાળક બનાવતા શીખવે છે,માનવનું રૂપ આપે છે.
બગસરાની ભૂમિ પરથી ત્રિભુવનને રામજન્મની વધાઈ સાથે આજની કથાને વિરામ અપાયો. આવતીકાલે આ કથાની પૂર્ણાહુતિ છે.
Box
મોટાં માથાંઓનાં તોફાનોએ પાછાં ચૂલા ચેતાવ્યા!
સાંપ્રત પરિસ્થિતિ પર વ્યંગ કરતા બાપુએ કહ્યું કે મોટા માથાઓ તોફાન કરે એમાં જુના દી’ પાછાં આવ્યા છે.ફરી ચૂલા પેટાણા છે.ફરી તાવડીઓ તપી છે.કહેવાય છે કે તાવડી દાંત કાઢે ત્યારે ઘરે મે’માન આવે-એ દિવસો ફરી આવ્યા છે.પુરુષો બાટલાની લાઇનમાં ઊભા રહ્યા છે ને બહેનો ચૂલા પેટાવીને મહેમાનો માટે રસોઈ કરે છે!
Box
નોંધ:જો આ કાવ્ય આખું સમાવી શકાય તો લેશો.
છેલ્લો કટોરો ઝેરનો
(ગોળમેજી પરિષદમાં જતી વખતે)
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ!
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું,
ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું,
શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું;
આ આખરી ઓશિકડે શિર સોંપવું બાપુ!
કાપે ગર્દન ભલે રિપુ મન માપવું બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!
સાગર પીનારા,અંજલિ નવ ઢોળજો બાપુ!
સુર અસુરનાં આ નવયુગી ઉદધિ વલોણે,
શી છે ગતાગમ રત્નનાં કામી જનોને
તું વિના શંભુ! કોણ પી’શે ઝેર દોણે!
હૈયા લગી ગળવા ઝટ જાઓ રે બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર કરાલ-કોમલ,જાઓ રે બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!
સાગર પીનારા,અંજલિ નવ ઢોળજો બાપુ!
જગ મારશે મેંણા ન આવ્યો આત્મજ્ઞાની,
ના’વ્યો ગુમાની,પોલ પોતાની પિછાની
જગપ્રેમી જોયો દાઝ દુનિયાની ન જાણી,
આજાર માનવજાત આકુળ થઈ રહી,બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો,આ પી જજો બાપુ!
સાગર પીનારા,અંજલિ નવ ઢોળજો બાપુ!
જા બાપ! માતેલ આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને
જા!સાત સાગર પાર સેતુ બાંધવાને,
ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ!
વિકરાળ કેસરિયાળને,પંપાળતો બાપુ!
ચાલ્યો જજે,તુજ ભોમિયો ભગવાન છે,બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો,પી આવજે બાપુ!
-ઝવેરચંદ મેઘાણી
Box
મેઘાણીએ એક કથામાં નવકૂળનાં ‘વટ’ને વણી લીધાં
કુંકાવાવનાં પાદરમાં સૂરજ ઉગી રહ્યો છે.એક સાથે પચ્ચીસે’ક ઘોડેસવારો આવ્યા,ઉભા રહ્યા.વીસ ગાઉ નો પલો કાપીને આવેલા,થાક્યા છે.તેઓને ગોંડલના દેરડી ગામે જાવું છે.અવેડો જોયો.ઘોડાને છુટા મૂક્યા અને એ વખતે ગોંડલના રાજકુમાર-પથુભા,દેરડી જતા હતા.પણ ખૂબ ભૂખ લાગેલી.એ ઘોડેસવારોને કહે દેરડી હવે બે ત્રણ ગાવ છેટુ છે પણ એટલી ભૂખ છે,ચક્કર આવે છે,હવે બે ગાઉં નહીં કપાય.આવી વાતચીતો કુંકાવાવનાં ખેડૂત પોતાના ખેતરમાં સાંભળી ગયા.એણે કહ્યું કે અરે મારા બાપ! હાલો હાલો મારી ઘરે!બધાં ઘોડેસવારોને ઘરે લાવી ઢોલીયા નંખાયા,નવાં ગાદલાં,ઓશીકાં પથરાયાં.પટેલે અંદર કહ્યું કે રોટલા ઘડી નાખો.ભેંસો દોવાઈ ગઈ.રોટલા થઈ ગયા.બાજોટ મુકાણા,ઢેૉિંચણિયા ને પાણીનાં લોટા મુકાણા.બધાને પ્રેમથી જમાડ્યા.
ગોંડલ રાજકુમાર ખૂબ ખુશી થયા અને કહ્યું કે તમે અતિશય સારું કામ કર્યું પટેલ! ખેડૂત કહે અરે એ તો અમારો ધરમ છે.
કરમાં પહેરે કડાં પણ કર પર કર કીધો નહીં,
એ માણસ નહીં પણ મડાં,સાચું સોરઠિયો ભણે. ગોંડલ દરબારે ત્યાંના તલાટી મંત્રીને બોલાવી કલમ પેન કાઢીને લખાવ્યું કે:કુંકાવાવના ઉતરાદા ભાગની સીમાએ ચાર કોષની જમીન આ પટેલની પેઢીને લખી દઈએ છીએ અને એની આવનારી પેઢી દર પેઢી એ પટેલની રહેશે.એમાં વિઘ્ન કરશે એને ચાર હત્યા (એટલે કે બાલ હત્યા,સ્ત્રી હત્યા,ગૌહત્યા અને બ્રહ્મ હત્યા)નું પાપ લાગશે.તલાટી મૂછમાં હસતો જાય છે પટેલ સમજી ગયા કે કંઈક ગોટો થયો છે.
બધા જ ઘોડા નીકળી ગયા અને તલાટીએ આવીને ખૂબ કડવાં વચનો કાઢ્યા.કટું વચન બોલતા તલાટી કહે એ પટેલ! દૂધમાં બોળીને આ કાગળિયાઓનું શિરામણ કરી જાવ! પટેલ કહે કેમ?તો ‘કે તમને ખબર નથી આ કુકાવાવ ગામ ગોંડલનું નથી?! જેતપુરનું છે.કુંવરને તો ખબર નહીં હોય.અનેક પ્રકારના કટું વચનો બોલતો રહ્યો.વા ની જેમ વાત ઉપડી,જેતપુરનાં ગરાશદારનો ડાયરો બેઠો છે.કે ગોંડલના રાજકુમારે જેતપુરના કુંકાવાવની જમીન પટેલને લખી દીધી! કોઈ ટીખળ કરે છે,હસે છે.એ વખતે જેતપુરનાં ગરાસદારે કીધું કે વાયકને મોકલો અને તલાટીને બોલાવો.તલાટી આવ્યો અને બોલ્યો કે આ કુંકાવાવ વસ્યું ત્યારે ગોંડલે ક્યાં માથા કપાવેલા?અહીં પણ કટુ વચન બોલ્યો.કાગળ કાઢ્યો જેમાં લખેલું હતું કે ઓતરાદી સીમની જમીન હું આ પટેલને લખી આપું છું.જેતપુર ઠાકરે કીધું કે આજુબાજુમાં કોઈ છે? જાવ તાંબાનું પતરું લાવો! અને આમાં જે કંઈ લખ્યું છે એ તાંબાના પતરે લખી નાખો.રખાવટ કોને કહેવાય એ મેઘાણીએ ‘રખાવટ’ શીર્ષક નીચે જ આ વાત લખી છે.જેતપુર દરબારે પણ લખ્યું,હું પણ લખી આપું છું કે આ તાંબાનો લેખ જેમાં આ પટેલની પેઢી દર પેઢી આ જમીન એની રહેશે અને જો કોઈ એને હેરાન કરશે તો એને ચાર હત્યાનું પાપ લાગશે.આ તાંબાનો લેખ ગોંડલ મોકલાવ્યો.કચેરી ભરાણી છે.આમ જેતપુર અને ગોંડલ વચ્ચે કોઈ એક ગામ માટેનો કજિયો હતો એની પતાવટ પણ થઈ ગઈ.
એક જ પ્રસંગમાં ઝવેરચંદ મેઘાણી આવી અનેક પ્રકારનાં ‘વટ’ અને રખાવટની વાત લખી અને જાણે કે નવ પ્રકારના કૂળનાં શબ્દોને સાચવે છે
