પ્રવર્ષણ પર્વત પર માનસ રામયાત્રાની છઠ્ઠા દિવસની કથા: બાપુએ અંતઃકરણની શુદ્ધિ અને સાધુતાનો માર્ગ સમજાવ્યો
પ્રવર્ષણ પર્વત (કર્ણાટક), ૩૦ ઓક્ટોબર: માનસ રામયાત્રાની છઠ્ઠા દિવસની કથા આજે કર્ણાટકના પ્રવર્ષણ પર્વત ખાતે યોજાઈ, જ્યાં ભગવાન શ્રીરામે વર્ષાઋતુ દરમ્યાન ચાતુર્માસ કર્યો હતો. પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું કે ચાતુર્માસ માત્ર વ્રત કે ઉપવાસનો સમય નથી, પરંતુ મન અને અંતઃકરણની શુદ્ધિનો સમય છે.
બાપુએ કહ્યું કે પરમ તત્વ સાથે સંવાદ કરવા માટે અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ જરૂરી છે. જ્યારે મન સંપૂર્ણ રીતે નિર્મળ બને, ત્યારે ચૈતસિક સંવાદ થઈ જાય છે.
“પરમાત્મા સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે,” એમ બાપુએ ઉમેર્યું.
આજની કથામાં બાપુએ ચાતુર્માસના નવા ચાર સૂત્રો સમજાવ્યા, સમાસ, અમાસ, કુમાશ અને ક્ષમાશ. સમાસનો અર્થ સૌને જોડવાનો, અમાસનો અર્થ રોજ દિવાળી જેવી ઉજાસમાં જીવવાનો, કુમાશ એટલે નમ્રતા અને કોમળતા જાળવી રાખવી, અને ક્ષમાશનો અર્થ સૌને ક્ષમા કરતા રહેવાનો. આ ચાર ગુણો અપનાવવામાં આવે તો ચાતુર્માસનું સાચું સાર્થક થાય.
બાપુએ કહ્યું કે આ ભૂમિ સુગ્રીવ, વાલી, જામવંત, અંગદ અને હનુમાનજી જેવી મહાન પાત્રોની છે, જ્યાંથી સૌને વિનમ્રતા, સમર્પણ અને સેવા જેવી મૂલ્યોની પ્રેરણા મળે છે. હનુમાનજી બ્રાહ્મણરૂપે રામ અને લક્ષ્મણને મળ્યા અને પછી પૂર્ણ શરણાગતિ સ્વીકારી, જે સાચા ભક્તિનો ઉદાહરણ છે.
બાપુએ ભગવાન બુદ્ધના શિષ્ય સારિપુતના ઉદાહરણ દ્વારા સાધુતા સમજાવતા કહ્યું કે સાચો સાધુ તે છે જે નિંદામાં પણ શાંત અને સન્મુખતામાં પણ નમ્ર રહે. તેમણે ઉમેર્યું કે બુદ્ધ અને મહાવીર બંનેના ઉપદેશોમાં પણ સત્યનો અંશ સમાયેલો છે, તેથી તેમને પણ સ્વીકારવા યોગ્ય છે.
કથાયાત્રા કરી આખા ભારતને સ્વસ્તિકમય બનાવવાનો બાપુનો મનોરથ
પૂજ્ય બાપુએ કહ્યું કે આ કથાયાત્રા દ્વારા આખા ભારતને જોડવાનો મનોરથ છે. અગાઉ પણ તેમણે માનસ-૯૦૦ દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા તરીકે એક રેલયાત્રા કરી હતી. હવે તેમના મનમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારતને જોડતી નવી યાત્રાનો વિચાર છે.
બાપુએ કહ્યું કે એવી એક યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈને આદિ શંકરાચાર્યના સ્થળ જન્મસ્થળ કાલડી અને કાશ્મીર વાયા કેદારનાથ સુધી જઈ શકે છે, અને બીજી યાત્રા પૂર્વમાં જગન્નાથપુરીથી શરૂ થઈ પશ્ચિમમાં દ્વારકા સુધી થઈ શકે છે, જેથી ચારેય પીઠોનો સમાવેશ થઈ જાય. બાપુએ કહ્યું કે આવી યાત્રા આખા દેશને ‘સ્વસ્તિકમય’ બનાવવાનો એક પવિત્ર ઉપક્રમ બનશે.
