સમાસ,અમાસ,કુમાશ અને ક્ષમાસ-દ્વારા નવા પ્રકારનો ચાતુર્માસ કરીએ.
પરમ તત્વ સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે.
અંતઃકરણ પૂર્ણતઃ શુદ્ધ હોય ત્યારે ચૈતસિક સંવાદ થઈ જતો હોય છે.
જ્યાં રામ ચાતુર્માસ કરે છે,વસંત ઋતુ બાદ સિતા વગર વર્ષાઋતુમાં જ્યાં રામને(લીલામાં) ભય લાગે છે
એ પ્રવર્ષણ પર્વત સ્થાને છઠ્ઠા દિવસની કથા આગળ વધી.
ભગવાન રામે વર્ષાઋતુમાં અહીં ચાતુર્માસ કરેલો. આપણે ત્યાં અષાઢ સુદી એકાદશીથી કાર્તિક સુદી એકાદશી,એટલે કે દેવપોઢીથી એકાદશીથી દેવ દિવાળીનાં વચ્ચેના સાડાચાર કે ચાર મહિના એ ચાતુર્માસનાં ગણાય છે.
ચાતુર્માસના ચાર અધિકારી છે:તપસ્વી,વેપારી(વૈશ્ય) ભિક્ષુક અને રાજા.જે ભિક્ષુક-ભીખ્ખુ છે એ ચાર મહિના બેસી જાય છે.રાજા પણ લડાઈ કરતો હોય તો પોતાના તંબુઓ ચાર મહિના સુધી શિબિરમાં લગાવી દે છે,વેપારી પણ ક્યાંય બીજા દેશમાં કે બીજા રાજ્યમાં જહાજ લઈને જતા હોય અને તાપસનો મતલબ બ્રાહ્મણ થાય છે એટલે કે ચારે વર્ણ વર્ષાઋતુનાં ચાર મહિના ચાતુર્માસ કરે છે.
પણ આપણા જેવા જીવ માટે કલીપ્રભાવ જ્યારે છવાયો છે ત્યારે આપણે કયા પ્રકારના ચાતુર્માસ કરીશું?એને બાપુએ જેમ બુદ્ધ નવનિર્માણ,ઓશોએ નવસન્યાસ એમ આપણા માટે આ નવ-નવીન પ્રકારના ચાતુર્માસની વાત કરતા કહ્યું કે ચાર વસ્તુ કરવાની.સમાજમાં બધાની સાથે સમાસ એ પ્રથમ તબક્કો છે.
મારી પુરી જીવનયાત્રા,કદાચ જન્મોની ચેષ્ટા બધાને જોડવાની રહી છે.સાવિત્રી માતા દત્ત પ્રકૃતિને લીધે તમોગુણી,સત્વગુણી અને રજોગુણિઓ સાથે પણ હું એડજસ્ટ કરું છું.હું કોઈ ગુણાતિત નથી,ગુણાતિત તો મારો રામ છે જે બધાની સાથે એડજસ્ટ થઈ જાય છે,પણ સાધુ સ્વભાવને બરકરાર રાખીને હું આ કરી શકું છું.હું બધાના સ્વભાવની દરકાર કરું છું કદાચ કોઈ પીડા નથી અને પીડા હોય તો પીડાથી જ પ્રસવ થતો હોય છે.
પરમ તત્વ સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે અને અંતઃકરણ પૂર્ણતઃ શુદ્ધ હોય ત્યારે ચૈતસિક સંવાદ થઈ જતો હોય છે.મારો માર્ગ બુધ્ધની જેમ ધ્યાનનો નથી અને બુદ્ધ વૈદિક અને આત્મ પરમાત્માને પણ નકારે છે પણ સાધુ સ્વભાવને કારણે બુદ્ધની વાતો,મહાવીર સ્વામીની વાતો પણ હું સ્વિકારું છું.
અહીં બાપુએ ભગવાન બુદ્ધના એક શિષ્ય સારીપૂતને યાદ કરીને સાધુતા વિશેના બધા જ ગુણોની વાત સમજાવી.સારીપૂતની નિંદા કરનાર પાછળથી લાત મારે છે પણ જ્યારે સન્મુખ થાય છે ત્યારે ચરણસ્પર્શ કરે છે.નિંદા હંમેશા પાછળથી અને પ્રશંસા અને વંદન સન્મુખ બનીને જ કરી શકાય છે.
ચાતુર્માસનું બીજું ચરણ છે:અમાસ.અમાસ એટલે દિવાળી.રોજ દિવાળીમાં જીવો.ત્રીજો પડાવ માણસે કેટલી પણ પ્રગતિ કરી હોય છતાં પણ એની અંદર એક પ્રકારની કુમાશ(કોમળતા,શાલીનતા,વિનમ્રતા) રહે.ચોથો શબ્દ છે:ક્ષમાસ-એટલે કે ગમે એટલા ગુનાઓ કોઈ કરે ક્ષમા કરતા રહો.
આ ચાર સૂત્ર બરાબર આવે તો જન્મો જનમનો ચાતુર્માસ દેવપોઢી અને દેવઊઠીમાં આત્મજ્યોત સદાય દેવઊઠી જ રહે એવું બને.
આ ભૂમિ સુગ્રીવ,વાલી ,જામવંત,હનુમાન અને અંગદની ભૂમિ છે.આ પાંચ વિશેષ પાત્રોથી શીખીએ તો જામવંત પાસે અનુભવ વિનમ્રતાથી કેમ કોઈની સામે રાખવો.જામવંત બ્રહ્માનો અવતાર હતા, હનુમાન શંકરાવતાર,સુગ્રીવ સૂર્યનો અંશ,વાલી ઇન્દ્રનો અંશ હતો.સુગ્રીવ પાસેથી શીખીએ ખોટી આશા ન કરવી ખોટી દિશા અને મિથ્યા કર્મ ન કરવું અંગત પાસેથી પોતાને જ અર્પણ કરવાનું શિખીએ.
હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને બંને રાજકુમારોને મળે છે,પૂરેપૂરો પરિચય થયા પછી પહેલા પ્રણામ અને બાદમાં ચરણ પકડીને શરણાગત બને છે,રામ અને સુગ્રીવનું મિલન કરાવે છે.એ પછી એક ચોપાઇની અરધાલીમાં ઋતુ,બાકીની અરધાલીમાં રુત-એ રીતે ઋતુઓનું લાંબુ વર્ણન-ગાયન વ્યાખ્યાન થયું:
ઘન ઘમંડ નભ ગરજત ઘોરા;
પ્રિયા હીન ડરપત મન મોરા,
દામિની દમક રહ ન ઘન માહિ;
ખલ કે પ્રીતિ જથા થિર નાહિ.
આજની કથા જામવંત,સુગ્રીવ,વાલી,અંગદ,સતી શિરોમણી તારા અને હનુમાનજીને અર્પણ થઇ.
હવેનું સ્થળ રેલમાર્ગે વધારે દૂર પ્રવર્ષણ પર્વતથી રામેશ્વરમ(તમિલનાડુ) પહોંચવાનું હોઇ સાતમા દિવસની કથા ૧-નવેમ્બરે આગળ વધશે,યાત્રા ચાલુ રહેશે.
Box
હજી આવી કથાયાત્રા કરી આખા ભારતને જોડીને સ્વસ્તિક મય કરવાનો મનોરથ
આ કથાયાત્રા-ટ્રેનયાત્રા જે રીતે ચાલે છે,આની પહેલા પણ એક યાત્રા ટ્રેન દ્વારા(માનસ-૯૦૦ દ્વાદશ જ્યોતિર્લિંગ)થયેલી.બાપુએ કહ્યું કે મનોરથ એવો જાગે છે કે આખા ભારતને જોડવા માટે ક્રોસ એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમની યાત્રાનો બે દિવસ પહેલા વિચાર આવેલો.
કન્યાકુમારીથી શરૂ કરીને શંકરાચાર્યના સ્થળો વાયા કાલડી,કાશ્મીરથી કેદારનાથ સુધીની એક યાત્રા અને બીજી એક યાત્રા એ જ પ્રકારે પૂર્વમાં જગન્નાથપુરી થી શરૂ કરીને પશ્ચિમમાં દ્વારિકા સુધી જેમાં ચારેય પીઠનો સમાવેશ થઈ જાય.
મારે આખા દેશને જોડવો છે.સાથે-સાથે આ ચિત્ર બનાવીએ ત્યારે સાથિયો-સ્વસ્તિક બને એ રીતે કોઈ ધાર્મિક સ્થળ પણ લેવાઈ જાય તો આખા દેશને સ્વસ્તિકમય બનાવવો છે.ક્યારે થશે કઈ રીતે થશે એ વિચારાઇ રહ્યું છે પણ મનોરથ મનમાં ચાલી રહ્યો છે.
