બધાની સાથે પોતાનાપણું એ મારો વૈરાગ્ય છે:મોરારિબાપુ.
વૈરાગ્ય ગુણ નથી,વૈરાગ્ય સાધુનો સ્વભાવ છે.
વૈરાગ્ય પછી નથી આવતો,ક્યારેક વૈરાગ્યને લઈને જ કોઈ આવે છે.
જેનો બોધ નિત્ય હોય,સતત હોય એ વૈરાગી છે.
સહજ બિરાગ રુપ મનુ મોરા;
થકિત હોત જિમિ ચંદ ચકોરા.
-બાલકાંડ દોહો-૨૧૬
કહિઅ તાત સો પરમ બિરાગી;
તૃન સમ સિધ્ધિ તીનિ ગુન ત્યાગી.
-અરણ્ય કાંડ દોહો-૧૫
યહૂદી નરસંહારની બહુચર્ચિત ભૂમિ-કેટોવીસા પોલેન્ડથી મૃતાત્માઓ અને અહીંની હવાની શાતા માટે ચાલેલી મોરારિબાપુની રામકથાની પૂર્ણાહૂતિ-નવમા દિવસની કથાનો જગદગુરુ શંકરાચાર્યજીનાં આ મંત્ર દ્વારા આરંભ થયો.
કિમપિ સતતબોધં કેવલાનંદરૂપં
નિરૂપમં અતિવેલં નિત્યમુક્તં નિરિહં
નિરવધિ ગગનાંભં નિષ્કલં નિર્વિકલ્પં
હ્રિદિકલયિતિ વિદ્વાન બ્રાહ્મ પૂર્ણસમાધો
બાપુએ કહ્યું કે વિનોબાજીનાં એક પુસ્તકમાંથી મને આવા ત્રણ મંત્ર મળ્યા.વિનોબાજી સ્વયં કહે છે કે ઘણા મહાપુરુષોથી હું પ્રભાવિત છું.જેમાં શંકરાચાર્યજી ઉપરાંત જ્ઞાનેશ્વરજી,એકનાથ,નામદેવ, સંત તુકારામ,ગાંધીજી વગેરેથી પ્રભાવીત હતા. વૈરાગ્ય ગુણ નથી.વૈરાગ્ય સાધુનો સ્વભાવ છે.આ કોઈ ઉપર પ્રભાવ પાડવા માટે નહીં પણ સહજ હોય છે.
સંન્યાસી અગ્નિને સ્પર્શ ન કરી શકે પરંતુ શંકરાચાર્યજીએ અગ્નિનો પણ સ્પર્શ કર્યો,માતાને અગ્નિદાહ પણ આપ્યો છે અને જળનો પણ સ્પર્શ કર્યો છે.કંચનનો સ્પર્શ ન કરે પણ કંચનમંજરી સ્તોત્ર -કે જેમાં કાંચનની વર્ષા થાય છે-એની રચના કરી છે. એટલે કે કોઈ પરહેજ નથી.
જે વૈરાગી છે,બ્રહ્મ સત્ય,જગત મિથ્યા-એવું માનનારા કાલડીથી ઠેઠ કેદાર સુધી નીકળ્યા ત્યારે રસ્તામાં જે કોઈ નદી આવી એ દરેક ઉપર પોતાનું સ્તોત્ર-અષ્ટક ‘સૌંદર્ય લહેરી’માં લખ્યું છે. નિરાકારવાદી અને અધ્યયતવાદી હોવા છતાં પણ શિવ અને પાર્વતીને પોકારે છે,કૃષ્ણને ગાય છે.
વૈરાગ્ય પછી નથી આવતો,ક્યારેક-ક્યારેક વૈરાગ્યને લઈને જ કોઈ આવે છે.
શંકરાચાર્યજીનું આ સૂત્ર સમજાવતા બાપુએ કહ્યું
જેનો બોધ નિત્ય હોય,સતત હોય એ વૈરાગી છે. બોધવાળો માણસ ક્યારેય કોઈનો વિરોધ નહીં કરી શકે.જે લોકો દેવલોકથી-અલોકથી આવ્યા છે એ કહે છે કે જગત અસુંદર નથી.વૈરાગી કેવળ આનંદના રૂપમાં રહે છે,ત્યાં સત અને ચિતની પણ જરૂર નથી. નિરૂપમ એટલે કે ઉપમાની બહાર હોય છે.સમુદ્રનાં મોજા-જેને અતિવેલ કહે છે-જેનું કોઈ ગણિત નથી એ પ્રકારની મોજ વૈરાગીમાં હોય છે.એ નિત્યમુક્ત હોય છે.બધાની સાથે રહેવા છતાં એક સ્પષ્ટ અંતર રાખે છે.નિષ્કલ એટલે કે બધી જ કલાઓથી મુક્ત હોય છે.નિર્વિકલ્પ-અન્ય કોઈ એનો વિકલ્પ હોતો નથી.નિરિહં હોય છે-એની કોઈ ઈચ્છા નથી હોતી. નીરવધિ એટલે કે જે અસીમ છે,જેની કોઈ સીમા નથી.ગગનાભં એટલે કે જેનું ચિદાકાશ અકબંધ અખંડ હોય છે.હ્રૂદિકલીયતિ-જે હૃદય પૂર્વકની આકલન ક્રિયા કરે છે.એવા પ્રકારના લક્ષણો વૈરાગીના દર્શાવ્યા.
વૈરાગીને કોઈનો ભય હોતો નથી.
બાપુએ કહ્યું કે બધાની સાથે પોતાનાપણું એ મારો વૈરાગ્ય છે.
બાકીની રામકથામાં શબરીના આશ્રમમાં નવધા ભક્તિના ગાયન પછી શબરીને ગતિ આપી અને પંપાસરોવર જઈ નારદને મળે છે.ત્યાંથી સીતા અપહરણની યોજના પછી સીતાજીના હરણની કથાનું ગાન થયું.હનુમાનજી સુગ્રીવ સાથે રામની મૈત્રી કરાવે છે અને સુંદરકાંડની પંક્તિઓનું સુંદર ગાન કરી અને લંકાકાંડ તેમજ ઉત્તરકાંડને સંક્ષિપ્ત રૂપે આગળ વધારી રાવણ નિર્વાણ અને રામ રાજ્યાભિષેક બાદ દરેક ઘાટ પરથી કથા વિરામ થયો.આ કથાનું સુ-કૃત અહીં લાખો લોકોનો સંહાર થયો એ મૃતાત્માઓને અર્પણ કરવામાં આવ્યું.
આગામી-૯૬૩મી રામકથા યવતમાલ-મહારાષ્ટ્ર ખાતે શરૂ થશે.જેનું જીવંત પ્રસારણ આસ્થા તેમજ વૈદિક ટીવી ચેનલ દ્વારા તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ દ્વારા પહેલા દિવસ શનિવારે સાંજે ૪ વાગ્યાથી અને પછી રોજ સવારે ૧૦થી ૧:૩૦ વાગ્યા સુધી નિહાળી શકાશે.
Box
બાપુ!વૈરાગ્ય પર આપનો શું મત છે?
અન્ય ગ્રંથો,અન્ય સૂત્રો,વિવિધ વાચન,વિવિધ વક્તાઓ.ગુણીજનો,કવિઓ,લેખકો,ચિંતકો એ બધા જ દ્વારા આપે વૈરાગ્યની વાત કરી,પણ બાપુ વૈરાગ્ય વિશે તમારું કહેવું શું છે?
બાપુએ કહ્યું કે પૂછ્યું છે તો હું કહું કે મારું પોતાનું તો નહીં પણ મારા દાદા-ગુરુને જોઈને,સાવિત્રી મા ને જોઈને જે કંઈ કહું એને મારો મત સમજો.
તુમ કહેતે હો કાગઝ કી લિખી;
મેં કહેતા હું નીજ નયન કી દેખી.
હું મારા સદગુરુને જોઈને કહું છું કે:
વૈરાગી એ છે જેને અડધામાં પ્રસન્નતા નથી,એને પૂરેપૂરું પામવું છે.થોડામાં રાજી ન હોય એ વૈરાગી છે કાં તો પૂરેપૂરું મેળવો,કાં પૂરેપૂરું આપી દો!
અને પૂરેપૂરું ત્યારે જ આપી શકીશું જ્યારે પૂરેપૂરું મેળવીશું.
વૈરાગી હોય એને કોઈ વ્યાધિ નહીં હોય એટલે કે રોગ અને ચિંતાથી મુક્ત હશે.
એને કોઈ ઉપાધિ પણ હોતી નથી.અહીં ઉપાધિ એટલે પદ,પ્રતિષ્ઠા,માન અકરામની જરૂર નથી.
એની ગતિ અબાધિ એટલે કે કોઈ રોકી ન શકે એવી નિરંતર ગતિ હોય છે.આ મારા સદગુરુ-દાદાગુરુમાં જોઈને મારો વૈરાગ્ય ઉપરનો મત છે.
