સાધુની પંગત નહીં પણ સંગત હોય છે.
સાધુનું કોઈ કુળ નહીં,પણ સાધુ કુલ (સરવાળો) અને કૂલ (ઠંડો)હોય છે.
સંસ્કૃત ભાષા નહિ,ગિરા,વાણી,સમાધિ ભાષા છે.
સાધુનો કોઈ ધર્મ નહીં,સાધુનો મર્મ હોય છે.
સાધુનું કોઈ પરિજન નહીં,સાધુનાં બધા પ્રિયજન હોય છે.
આ કાળ શાસ્ત્રાર્થ કરવાનો નહીં પણ શાસ્ત્રનો સાર સમજીને એક જગ્યાએ બેસી જવાનો છે.
શુક્રતાલ-મુઝફ્ફર નગર ખાતે શનિવારથી શરૂ થયેલી રામકથા રવિવારે બીજા દિવસમાં પ્રવેશી. ભાગવતજીનાં મધુર શ્લોકથી રોજ કથાનો ઉઘાડ થાય છે.સમગ્ર મહિમાવંત ભૂમિને પ્રણામ કરીને જણાવ્યું કે જે ભૂમિ પર ભાગીરથિ અને ભાગવતનું મિલન થયું છે.એકમાં પાણીનો પ્રવાહ,એકમાં શુકની વાણીનો પ્રવાહ છે.એ વખતે નિર્વાણ ઉપનિષદનો એક શ્લોક-જે પરમહંસોની ઓળખાણ માટેનાં મંત્રોમાં આવે છે.અહીં શુકદેવજીની ઓળખાણ પહેલી નજરમાં જ થઈ જાય છે:
ગગન સિધ્ધાંત: અમૃતકલ્લોલનદી;
અક્ષયં નિરંજનમ્ નિ:સંશયરિષિ:
નિર્વાણો દેવતા નિષ્કુલ પ્રવૃત્તિ:
નિષ્કેવલજ્ઞાનમ્ ઉર્ધ્વામ્નાય:
જેનો સિધ્ધાંત આકાશ સમાન નિર્લેપ હોય છે,જેની નદી અમૃતનાં તરંગોવાળી(આત્મ-આનંદ)હોય છે,એ અક્ષય(ક્યારેય નષ્ટ ન થનાર)અને નિરંજન(દોષ રહિત)છે,એ સંશયશૂન્ય ઋષિ છે ને નિર્વાણ જ એનો ઇષ્ટ દેવતા છે.
શુકની અવધૂતિ સંકીર્ણ નહીં પણ આકાશની જેમ વિસ્તરેલી અસીમ છે,એ સીમામાં આબદ્ધ નથી.કાશ આવા શુકની થોડીક ઝલક પણ મળી જાય!ગોપી ગીતનો એક શ્લોક:
પ્રહસિતં પ્રિયં પ્રેમવિક્ષણં વિહરણં ચ તે-
આપને યાદ હશે.જ્યાં ગોપી કહે છે હે કૃષ્ણ!હે પરમ પ્રિય!તારું અમારી સામે જોઈને હસવું અમને ત્યાં પહોંચાડી દે છે.કોઈ પણ સાધુપુરુષની,બુધ્ધપુરુષની મુસ્કાન આવી હોય.આપનું અમારી સામે પ્રેમથી જોવું અને પછી આપનું ચાલવું-એ અમને મંગળ કરી દે એવું ધ્યાન છે.
ગોપીઓ બેસેલા કૃષ્ણનું કે વિરાટ કૃષ્ણનું ધ્યાન ન કરતી,પણ વિહાર કરનાર કૃષ્ણનું ધ્યાન કરતી.
કબીર મશાલ લઈને ચાલનારા સાધુ હતા.મારે પણ માનસ મશાલ પર બોલવું છે,થઈ શકે તો કાશીમાં બોલવું છે.
આ કાળ શાસ્ત્રાર્થ કરવાનો નહીં પણ શાસ્ત્રનો સાર સમજીને એક જગ્યાએ બેસી જવાનો છે.
એક બુદ્ધપુરુષમાં દરેક પ્રકારના રંગ હોય છે.કાળો રંગ ઉદાસીન કહેવાય.લાલ રંગ પ્રેમનું પ્રતીક.લીલો રંગ સાધુનો.શુકદેવ શા માટે શુક-તોતા-પોપટ બન્યા છે?કારણ કે પોપટનો રંગ લીલો હોય છે,જેમાં એનો કાંઠલો ઉદાસીનતા અને લાલ ચાંચ પ્રેમની બોલી બોલે એનું પ્રતીક છે.
તતક્ષણ જે સાધુસંગ કરે છે એને તક્ષક કંઈ કરી શકતો નથી.સાધુની પંગત નહીં પણ સંગત હોય છે. સાધુનું કોઈ કુળ નહીં હોય પણ સાધુ કુલ (સરવાળો)અને કૂલ (ઠંડો)હોય છે.સાધુનો કોઈ ધર્મ નહીં સાધુનો મર્મ હોય છે.સાધુનું કોઈ પરિજન નહીં સાધુના બધા પ્રિયજન હોય છે.
વંદના પ્રકરણમાં સીતારામજીની વંદના બાદ કથાને વિરામ અપાયો.
Box
સમાધિ ભાષા-સંસ્કૃત,મારા દાદાને ઓળખતી
મારા ત્રિભુવન દાદાને સમાધિ ભાષા સંસ્કૃત આવડતી કે ન આવડતી એની ખબર નથી,પણ સંસ્કૃત મારા ત્રિભુવન દાદાને પૂરેપૂરી ઓળખતી ભાષા હતી.
એક આધિ ભાષા-જેને આપણે શોર્ટ હેન્ડ લેંગ્વેજ કહીએ.(ભરતની ભાષા).એક ઉપાધિ ભાષા (વાલ્મિકીએ ક્રોન્ચ વધ જોયો અને નીકળી).કોઈ સાધુની વ્યગ્રતામાંથી નીકળેલી ઉપાધિ ભાષા. ત્રીજી-વ્યાધિ ભાષા(બીમારીમાંથી નીકળેલી).પણ સર્વશ્રેષ્ઠ ભાષા,સંસ્કૃત-દેવગિરિ એ સમાધિ ભાષા છે.સંસ્કૃત ભાષા નહીં,ગિરા છે,વાણી છે,સમાધિ ભાષા છે.આ સમાધિ ભાષા મારા દાદાને જાણતી હતી.
સમાધિ ભાષામાં કોઈ ગ્રંથ આવે ત્યારે સંસ્કૃત જાણનાર એનો અર્થ કરે.પણ સંસ્કૃત જે સાધુને જાણે એનો અર્થ વિશિષ્ટ હોય છે.
કબીર સાહબ કી ઉલટી બાની,
બરસે કંબલ ભીગે પાની!
આનો અર્થ કાઢવા સંહિતાની જરૂર પડશે.શાસ્ત્રનો અર્થ કરવા માટે એક નવું શાસ્ત્ર,જેને સંહિતા,અને હું એને સાધુસંહિતા કહું છું.
સાધુ બધાનો બાપ છે,સાધુનો કોઈ બાપ નથી.
અહીં કબીરજીની વાણીનો અર્થ એવો કરી શકાય કમ-જલ,બલ-બળ યસ્ય મતલબ આપણા દગજલ-આંખનું પાણી એને કંબલ કહેવાય.
આ ગોપીભાવ છે.એટલા આંસુ પડી રહ્યા છે કે આપણું પાણિ-એટલે હાથ પણ-ભીંજાઈ જાય છે. આ સાધુસંહિતા છે.
