Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભગવાન વેંકટેશનાં ચરણમાં થઇ કથાની પૂર્ણાહૂતિ; આગામી-૯૭૦મી રામકથા ૩ જાન્યુઆરીથી લખીસરાય (બિહાર)થી શરૂ થશે

*ભગવાનની અધ્યક્ષતામાં પૂરી પ્રકૃતિ કામ કરે છે.*

*અહીં કોઈ અધ્યક્ષ છે એ બધું કરે છે-આ બોધ ક્યારેય ભૂલાવો ન જોઈએ.*

*અહીં કોઈક માત્ર હાજર રહીને આપણી પાસે બધું કરાવે છે.*

*પ્રકૃતિ બધું કરી રહી છે,એને શ્રી કહો,ભૂમા કહો કે રમા કહો.*

*રામચરિત માનસ સ્વયં ત્રિપતી છે.*

*સ્વયં શ્રીદેવી છે,ભૂદેવી છે અને રમાદેવી પણ છે.*

 

*શ્રીપતિ નિજ માયા તબ પ્રેરી;*

*સુનહુ કઠિન કરની તેહિ કેરી.*

*-બાલકાંડ,દોહો-૧૨૮,ચૌપાઇ-૮*

*રામ રમાપતિ કર ધનુ લેહૂ;*

*ખૈંચહુ મિટૈ મોર સંદેહૂ.*

*-બાલકાંડ દોહો-૨૮૩,ચૌપાઇ-૭*

*ભૂમિ સપ્ત સાગર મેખલા;*

*એક ભૂપ રઘુપતિ કોસલા*

*-ઉત્તરકાંડ દોહો-૨૧,ચૌપાઇ-૧*

આ બીજ પંક્તિઓના ગાયન સાથે નવમા દિવસે કથા સમાપન ઉપસહાંરક વાત કરતા બાપુએ સમગ્ર આયોજન બાબત પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા મનોરથી તન્ના પરિવાર તેમજ આયોજકોને સાધુવાદ આપતા સંપન્ન,પ્રસન્ન,પ્રપન્ન રહેવાનાં આશીર્વચન કહ્યા.

શ્રીમદ ભાગવતજીનો શ્લોક-જ્યાં પ્રહલાદ સેવાના છ અંગ બતાવે છે એ શ્લોકનું ગાન કર્યું:

*તત્ તેરહત નમ: સ્તુતિ કર્મ પૂજા કર્મા।*

*શ્રુતિચરણૈ શ્રવણં કથાયાં સમસેવયા।*

*સ્મૃતિચરણૌ ત્વચિ વિનેતિ ષડગ્યાં।*

*કિમ્ ભક્તિ જન: પરમાહંસગતિ લભેત્।*

આ શ્લોકનું અનુસંધાન કરતા કહ્યું:ગીતામાં ભગવાન કહે છે મારી અધ્યક્ષતામાં મારી માયા જ બધું કરે છે હું અકર્તા છું.કંઈ કરતો નથી.જેમ કોઈ એક બંધારણનો મુખ્ય માણસ કંઈ કરે નહીં,કમિટી કરતી હોય છે પણ અધ્યક્ષનું હોવું જ પર્યાપ્ત છે.

શ્રીપતિ નીજ માયા નીજ પ્રેરી-ભગવાનની અધ્યક્ષતામાં પૂરી પ્રકૃતિ કામ કરે છે.ભૂદેવી, લક્ષ્મીદેવી,શ્રીદેવીનો એક પતિ જે અહીંયા આપણે રમાપતી અથવા તો વિષ્ણુ કહીએ છીએ.રામચરિત માનસમાં એક ભૂપ જેને રઘુપતિ કહે છે.એની અધ્યક્ષતામાં ત્રણેય માયા કામ કરે છે.અહીં કોઈ અધ્યક્ષ છે એ બધું કરે છે આ બોધ ક્યારેય ભૂલાવો ન જોઈએ.અને બોધ એ સમજથી ઊંચો શબ્દ છે. અક્રિયને સક્રિય કરનાર તત્વ રઘુપતિ છે.અહીંની ભાષામાં એ શ્રીપતિ,ભૂપતિ કે રમાપતિ નારાયણ છે. આ બધું જ કોઈકના હોવાથી થઈ રહ્યું છે.

*આ અહીં આવ્યા પછી બસ એટલું સમજાય છે;*

*અહીં કોઈ કશું કરતું નથી,આ બધું તો થાય છે.*

અહીં કોઈક માત્ર હાજર રહીને આપણી પાસે કરાવે છે.

ખલીલ જિબ્રાન તો એવું કહે છે કે કોઈ મા-બાપ બાળકને જન્મ નથી આપતા પણ મા-બાપ દ્વારા બાળક આવે છે.આ ભાવથી અહંકાર ગલિત થવા માંડે છે,ઓગળવા માંડે છે અને બોધ શુદ્ધ થવા લાગે છે.

આ મંત્ર શ્રીમદ ભાગવતમાં,જ્યાં છ વસ્તુ ન હોય તો પરમહંસને પણ મુક્તિ દુર્લભ છે એવું વચન પ્રહલાદ કહે છે.એ છ અંગમાંથી પહેલું અંગ:નમઃ-નમસ્કાર કરવાનું શીખી જઈએ.નમસ્કાર શબ્દમાં નમ શબ્દનો એક અર્થ એ પણ છે જેમાં નમ એટલે નમકનો ભાવ છે.નમકને જેમાં પણ નાખીએ એમાં ઓગળી જાય છે અને સાથે-સાથે પોતાનો સ્વભાવ પણ આપી દે છે માથું ઝુકાવવું એ હાર કબુલ કરવી એટલે કે અમે હારી ગયા એવું કહીએ છીએ.પ્રકૃતિ બધું કરી રહી છે એને શ્રી કહો,ભૂમા કહો કે રમા કહો.ઘરમાં માત્ર એક બાપ બેઠો હોય તો બધું જ બરાબર ચાલતું હોય છે.બીજું છે:સ્તુતિ-કોઈના ગુણ પ્રતિ આદર પ્રગટ કરવો.ત્રીજું:કર્મ-કર્મ કરીને તરત કૃષ્ણાર્પણ કરવાથી કર્મનો અહંકાર આવતો નથી.દરેક કર્મ સમર્પણ બને છે.ચોથું:પૂજા-પ્રભુના જે છે એના તરફ પૂજ્યભાવ રાખવો એ પૂજા છે.પાંચમું:પરમાત્માના ચરણોની સ્મૃતિ કાયમ ટકી રહે.જેમ કહે છે મોહે લાગી રટન ઇન ચરણન કી… કોઈનું મુખ જોવાથી માયા લાગે છે પણ ચરણ જોવાથી લગની લાગે છે.અને છઠ્ઠું:પ્રભુ કથાનું શ્રવણ.શ્રવણથી અભિમાન ગળી જાય છે, ઓગળી જાય છે.કથામાં આ છ એ છ અંગ સિદ્ધ થાય છે.હું ને તમે આપણા પગથી નહીં પણ,કોઈકના ચરણ આપણને અહીં લાવ્યા છે.આપણે વિકલાંગ છીએ પંગુ છીએ.આ છ અંગ ન હોય તો પરમહંસને પણ ગતિ મળતી નથી.આ ષડાંગ સૂત્ર જીવનમાં લાવવાનું છે.

રામચરિત માનસ સ્વયં ત્રિપતી છે. ઘણી વખત શ્રી શબ્દ આવ્યો છે.સ્વયં શ્રીદેવી છે,સ્વયં ભૂદેવી છે અને આ રમાદેવી પણ છે.

યુદ્ધની કથા બાદ રાવણને નિર્વાણ આપીને પુષ્પક આરુઢ થઈ સીતારામજી અયોધ્યામાં આવે છે અને વશિષ્ઠનાં કરકમલથી રામનાં ભાલમાં રાજતિલક થાય છે એ પછી ભુશુંડી ચરિત્ર અને સાત પ્રશ્નો બાદ ઉત્તરકાંડનાં સમાપન વખતે સમગ્ર કથાનું ફળ બાલાજી તિરુપતિનાં ચરણમાં અર્પણ કરીને કથાનું સમાપન થયું.

આગામી-૯૭૦મી રામકથા ૩થી૧૧ જાન્યુઆરી દરમિયાન ઋષિ ઋષ્યશ્રૃંગ આશ્રમ, લખીસરાય(બિહાર) ખાતેથી શરૂ થશે.જેનું જીવંત પ્રસારણ નિયત નિયમિત ભારતીય સમય મુજબ આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર નિહાળી શકાશે.

====♦♦♦♦====

Related posts

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) અને ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA) દ્વારા ટુ ડે ટેક્સ કૉન્ક્લેવ 2025 નું સફળ આયોજન

truthofbharat

iOS ડિવાઇસીસ પર ફિશીંગ હૂમલાઓનું મોટુ જોખમ: લૂકઆઉટ

truthofbharat

દુબઈમાં આઉટડોર એડવેન્ચર્સ

truthofbharat