ચિત્તનો નિરોધ નહીં પણ પ્રબોધ કરવો જોઈએ.
જે બ્રહ્મને જાણી લે છે એ બ્રહ્મ થઈ જાય છે.
રામ-રામનું રટણ કરનાર રામનું દર્શન કરી શકે કે ન કરી શકે પણ રામમય બની જાય છે.
રામ બ્રહ્મ છે,રામકથા પણ બ્રહ્મ છે અને રામનામ પણ બ્રહ્મ છે.
ઓશોની પ્રબુધ્ધ ચેતનામયી ભૂમિ જબલપુરથી ચાલતી રામકથાનો પાંચમો દિવસ,આરંભે કેન્દ્રીય મંત્રી અને નર્મદાની બે વખત પરિક્રમા કરનારા પ્રહલાદસિંહ પટેલે પોતાનાં બે બોલ કહ્યા.
કૈલાશ પીઠાધીશ્વર આશ્રમ-ઋષિકેશ કે જ્યાં બાપુના દાદા-ગુરુનાં ભાઈ રહેતા હતા અને સંન્યાસ ધારણ કર્યો હતો એ બ્રહ્મલીન વિદ્યાનંદ ગિરિજી જેમણે આશ્રમમાં ૧૨ ઉપનિષદોનો વિશેષ રૂપથી અભ્યાસ કર્યો હતો એ ઉપનિષદોમાંથી એક મંત્ર બાપુએ આરંભે કહ્યો હતો.
અરણ્ય કાંડમાં રામચરિત માનસ સાંભળવાની શરત બતાવતા રામે લક્ષ્મણના પાંચ પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું હતું કે મારી વાત પૂરા અંતઃકરણથી ન સાંભળતો. મનથી,બુદ્ધિથી અને ચિતથી સાંભળજે પણ અહંકાર મુક્ત થઈને સાંભળજે.
જે બુદ્ધિથી પર તત્વ-બ્રહ્મ છે એ તર્કમુક્ત બુદ્ધિ કરીને નજીક લાવી શકાય છે.ચિત્તનો નિરોધ નહીં પણ પ્રબોધ કરવો જોઈએ.નિરોધ કરવાની વાત થોડીક આક્રમક છે.મધ્યકાલીન સંતોએ મન અને ચિતને પ્રબોધ કરેલું છે.
ઉપનિષદની ઊંચાઈ સુધી પહોંચે એવું કોઈ નથી. ચાંદ,તારા,સોમ અને સૂર્ય,ગૌરીશંકર શિખર પણ નીચે છે.
મને અત્યંત નજીક પડે એવા મંત્રોની મેં નોટ બનાવેલી જેમાં આવા ૧૮ ઉપનિષદીય મંત્ર મને પસંદ હતા.એમાંનો એક મંત્ર:
સ યો હ વૈ તત્ પરમં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ નાસ્યા બ્રહ્મવિત કૂલે ભવતિ તર્તિશોક
તર્તિપાપ્માન્ ગુહાગ્રંથિભ્યો વિમુક્તો અમૃતો ભવતિ
વિષ્ણુદાદા કહે છે: જે આ બ્રહ્મને જાણી લે છે એ બ્રહ્મ થઈ જાય છે.રામ-રામનું રટણ કરનાર રામનું દર્શન કરી શકે કે ન કરી શકે પણ રામમય બની જાય છે.કારણ કે રામ મનુષ્ય રૂપમાં બ્રહ્મ છે.સાચા દિલના આંગણામાં રામ નિરાકાર છે અને દશરથનાં આંગણામાં એ સગુણ છે.
એટલે તો ગઝલમાં કહ્યું છે:
જો સજર સુખ ગયા વો હરા હો કૈસે
મૈં પયગંબર તો નહિ મેરા કહા હો કૈસે
જીસે મૈં જાન નહિં પાયા ઉસે ખુદા કહું કૈસે
જીસકો મૈને જાન લિયા વો ખુદા હો કૈસે!
અખંડ બ્રહ્મ પૂરેપૂરો જાણવામાં નહીં આવે પણ જેટલો જાણી શકાય એમાં આનંદ કરી લ્યો.એનું નામ અથવા રૂપ અથવા લીલા કે પછી એનું ધામ જે સમજમાં આવે એમાં આનંદ કરો.
બ્રહ્મને જાણવાવાળાનાં કૂળમાં કોઈ બ્રહ્મને ન જાણે એવું નહિ બને.
ઘરમાં એક વ્યક્તિ એક દીવો સળગાવે તો પણ ચોર પ્રવેશ કરતો નથી.બ્રહ્મને જાણી લઈએ એવી ઘટના જેના જીવનમાં ઘટી ત્યાં ક્યારેય શોક રહેતો નથી. જ્યારે હું સંગીત વગર કથા કરતો હતો,૬૦ વર્ષ પહેલા,ત્યારે ખૂબ નાનકડા ગામ દેવલી દકાનામાં ઓશો જ્યારે આચાર્ય રજનીશ નામે હતા એ વખતથી હું ઓશોની વાતો કરતો.લાઓત્સુનો પરિચય ઓશો દ્વારા મને થયો અને ઓશોનો પરિચય વ્યાસપીઠે થોડો-થોડો દુનિયાને કરાવ્યો!
જે આ મંત્ર જાણી લે છે એને મૃત્યુનો શોક નહીં રહે. એ પાપથી મુક્ત થઈ જાય છે.આવો મંત્ર જાણી લેનાર હૃદયની ગુફામાં બેસીને ગ્રંથિ નિવારણ કરે છે ગ્રંથિ નિવારણ કર્યા પછી,વિમુક્ત થયા પછી અમૃતની પ્રાપ્તિ કરી લે છે.આ મંત્ર વિશે મારા દાદાની ટિપ્પણી હતી.
અહીં આપણે જે છંદ લીધો છે એમાં રામ સુંદર છે એ જ રીતે એમાં રામનામ પણ સુંદર છે,સુજાન છે, કૃપાનિધાન છે,અનાથ ઉપર પ્રીતિ કરનાર અને નિર્વાણ પદ આપનાર છે.
એ જ રીતે રામકથા પણ સુંદર,સુજાન- આ તમામ લક્ષણો રામકથામાં પણ છે.
રામ બ્રહ્મ છે,રામકથા પણ બ્રહ્મ છે અને રામનામ પણ બ્રહ્મ છે.
આજે બાપુએ ગુજરાતી દુહા-છંદો પર વ્યાસપીઠ પરથી ઊતરીને રાસ લીધો અને સમગ્ર કથા મંડપ રાસમય બન્યો હતો.
===========
