ગુજરાત, અમદાવાદ | ૨૧ નવેમ્બર ૨૦૨૫ – શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલ મહત્ત્વકાંક્ષી કાર્યક્રમ ‘મિશન ડિફીટ ડાયાબિટીઝ’ અંતર્ગત નોંધાયેલી વિશેષ સિદ્ધિ બદલ તેમને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ ખાતે યોજવામાં આઆવેલા સન્માન સમારોહમાં તેની સિદ્ધિઓ બદલ ટ્રસ્ટને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલનો મુખ્ય હેતુ “જે રક્ષે છે અમને, તેમના સ્વાસ્થ્યનું રક્ષણ અમે કરીએ”—એ ભાવના પર આધારિત છે. પોલીસ જવાનો દિવસ-રાત પોતાના પરિવારથી દૂર રહીને સમાજની સુરક્ષા કરે છે, અને આ અવિરત સેવા, નિસ્વાર્થ ફરજ અને અડગ સમર્પણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિશ્વ ડાયાબિટીઝ દિવસે અમદાવાદ શહેર પોલીસ માટે એક વિશાળ મેગા ડાયાબિટીઝ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના આશરે ૬૫ પોલીસ સ્ટેશનો તેમજ ટ્રાફિક પોલીસના તમામ કર્મચારીઓનું ડાયાબિટીસ ચેકઅપ કરીને ૧૫,૦૦૦થી વધુ ટેસ્ટ નું આયોજન કરાયું છે એ પૈકી હાલ 6 000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. લાંબી ફરજો, તાણ, અનિયમિત આહાર અને સતત જવાબદારીના કારણે પોલીસ કર્મચારીઓ ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારીનો ભાર સહન કરતા હોવાથી, ટ્રસ્ટનો હેતુ માત્ર ચકાસણી નહીં, પરંતુ પોલીસ પરિવાર માટે દીર્ઘકાલીન આરોગ્ય સુરક્ષા સર્જવાનો છે.
કેમ્પમાં તમામ પોલીસ કર્મચારીઓ માટે મફત બ્લડ શુગર સ્ક્રિનિંગની સાથે, જરૂરી હોય તેવા કર્મચારીઓ માટે HbA1c, લિપિડ પ્રોફાઇલ અને અન્ય મહત્વપૂર્ણ ટેસ્ટ પણ સંપૂર્ણ મફત પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડાયાબિટીઝ નિષ્ણાતો દ્વારા પ્રથમ મફત ઓનલાઇન કન્સલ્ટેશન, તેમજ ડાયેટ, યોગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને લાઇફસ્ટાઇલ ચેન્જિસ અંગે વિશેષ કાઉન્સેલિંગ સત્રોનું પણ આયોજન કરાયું હતું. ટ્રસ્ટ દ્વારા બીજા તબક્કામાં તમામ ડીપ ટેસ્ટ – જેમ કે HbA1c, થાઇરોઇડ, લિપિડ – પણ મફતમાં પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ માને છે કે આ માત્ર આરોગ્ય સેવા નથી, પરંતુ પોલીસ જવાનો માટે સંવેદના, કૃતજ્ઞતા અને માનની અભિવ્યક્તિ છે, કારણ કે જ્યારે રક્ષક સ્વસ્થ રહેશે, ત્યારે સમાજ વધુ મજબૂત રહેશે. વિશ્વ ડાયાબિટીઝના આ દિવસે ડાયાબિટીઝને હરાવવાનો અને આપણા રક્ષકોને સ્વસ્થ જીવન આપવાનો સંકલ્પ લેવાયો છે. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટને ગર્વ છે કે તેમને આ સેવા કરવાનો અવસર મળ્યો અને પોલીસ વિભાગના સહકારથી આ અભિયાન નવા માપદંડ સ્થાપિત કરશે.
==========
