નવી દિલ્હી | ૧૨મી નવેમ્બર ૨૦૨૫ — કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે કહ્યું છે કે નિકાસ ક્ષમતા ધરાવતી તમામ આદિવાસી પ્રોડક્ટસને વાણિજ્ય વિભાગ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે, જેમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ, પ્રોડક્ટ ડિસપ્લે, અને વેચાણ માટે આંતરરાષ્ટ્રીય વેરહાઉસ તેમજ જથ્થાબંધ અને છૂટક વેપાર નેટવર્કનો સમાવેશ થાય છે. શ્રી ગોયલે આજે આ વાત નવી દિલ્હીમાં આદિવાસી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી જુઆલ ઓરામની ઉપસ્થિતિમાં આયોજીત ટ્રાયબલ બિઝનેસ કોન્કલેવ 2025 ને સંબોધતા કરી હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા આદિજાતિ બાબતોના મંત્રાલયના સહયોગથી આયોજીત આ સંમેલન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજીત જનજાતીય ગૌરવ વર્ષ દરમ્યાન એક ઐતિહાસિક ક્ષણને ચિહ્નિત કરી.
વાણિજ્ય મંત્રીએ કોન્કલેવમાં માહિતી આપી હતી કે નિકાસ પ્રોત્સાહનના પ્રયાસોને મજબૂત બનાવવા માટે હાલમાં એક યોજના વિકસાવવામાં આવી રહી છે જેથી કરીને આદિવાસી પ્રોડક્ટસને સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં યોગ્ય દ્રશ્યતા અને બજાર પ્રવેશ મળે જેના માટે તેઓ હકદાર છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો આદિવાસી ચીજવસ્તુઓ અને હસ્તકલા માટે પુષ્કળ તકો પ્રદાન કરે છે અને સરકાર આગામી વર્ષોમાં આ સંભાવનાનો ઉપયોગ કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે.
મંત્રીશ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું માનવું છે કે રાષ્ટ્ર ખરેખર ત્યારે જ સમૃદ્ધ થઈ શકે છે જ્યારે સ્વદેશી લોકો સમૃદ્ધ થાય. તેમણે કહ્યું કે ભારતની પ્રગતિ અને વિકાસ એ સુનિશ્ચિત કરવા પર આધાર રાખે છે કે પ્રગતિ દરેક ઘર સુધી પહોંચે, ખાસ કરીને આદિવાસી અને દૂરના પ્રદેશોમાં. શ્રી ગોયલે પુનરોચ્ચાર કર્યો કે આદિવાસી અને આદિવાસી સમુદાયોનું ઉત્થાન સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે, જે સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
શ્રી ગોયલે બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમણે આદિવાસી સમુદાયને દિશા અને નેતૃત્વ બતાવ્યું. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રે બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને આદિવાસી સમુદાયના ઉત્થાન માટે, આજીવિકા વધારવા માટે અને દરેક આદિવાસી ઘર સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમના પગલે ચાલવું જોઈએ. શ્રી ગોયલે બિરસા મુંડાના શબ્દો, “આપણી જમીન, આપણું રાજ્ય”ને યાદ કરતા કહ્યું કે આદિવાસી સમુદાયે ઐતિહાસિક રીતે ભારે વંચિતતા અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
મંત્રીશ્રીએ અનેક પડકારો છતાં પોતાના મૂલ્યો, હસ્તકલા અને પરંપરાગત કૌશલ્યોને જાળવી રાખવા બદલ આદિવાસી સમુદાયની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયોએ જે રીતે સ્થિતિસ્થાપકતા અને સમર્પણ દ્વારા પોતાના ઇતિહાસ અને વારસાને જીવંત રાખ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમણે આદિવાસી સમુદાયની શક્તિ અને દ્રઢ સંકલ્પ પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારતના સાંસ્કૃતિક અને સામાજિક માળખામાં તેમનું યોગદાન અમૂલ્ય છે.
શ્રી ગોયલે કહ્યું હતું કે આદિવાસી બાબતોના મંત્રાલય અને વાણિજ્ય વિભાગે સંયુક્ત રીતે આદિવાસી અને સ્વદેશી પ્રોડક્ટસના વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, વેપાર સંગઠનો અને સરકારી સંસ્થાઓએ સાથે મળીને ખાતરી કરી છે કે દેશના દૂરના ખૂણાઓમાંથી ગુણવત્તાયુક્ત આદિવાસી પ્રોડક્ટસ સમગ્ર ભારતના બજારો અને ગ્રાહકો સુધી પહોંચે.
મંત્રીશ્રી એ આદિવાસી સમુદાયોના કલ્યાણમાં સુધારો લાવવા માટે સરકારે વિવિધ યોજનાઓ અને પહેલો અમલમાં મૂકી છે તે વાત પર ભાર મૂક્યો. તેમણે નોંધ્યું કે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્ર અને આદિવાસી સમુદાય બંનેના ગૌરવશાળી અને સક્ષમ પ્રતિનિધિ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે 3,900 વન ધન કેન્દ્રોએ આદિવાસી સમુદાયના 12 લાખ સભ્યોના ઉત્થાન માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું છે.
શ્રી ગોયલે માહિતી આપી હતી કે આ વર્ષે આદિજાતિ બાબતોના મંત્રાલય માટે બજેટ ફાળવણીમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે પીએમ-જન્મ યોજના હેઠળ ખાસ કરીને વંચિત આદિવાસી જૂથોના આશરે 50 લાખ પરિવારોને લાભ મળ્યો છે, જેમાં તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે 24,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે ભારતના આદિવાસી સમુદાયને તેના મૂળ, સંસ્કૃતિ અને પરંપરાઓ પર ખૂબ ગર્વ છે. તેમણે માહિતી આપી કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેન (GI) ટેગ મેળવવા માટેની ફી 80 ટકા ઘટાડીને – રૂ.5,000 થી રૂ.1,000 કરવામાં આવી છે – જેથી વધુ આદિવાસી પ્રોડક્ટસની નોંધણી થાય અને ભારતના ઇતિહાસ અને પરંપરાઓને તેમની હસ્તકલા અને વારસા દ્વારા સાચવવામાં આવે તેની ખાતરી કરી શકાય.
પોતાના સંબોધનનું સમાપન કરતાં, શ્રી ગોયલે “વન ધન” થી “વ્યાપર ધન” માં પરિવર્તન માટે આહ્વાન કર્યું અને કહ્યું કે આદિવાસી અને સ્વદેશી પ્રોડક્ટસ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સુધી પહોંચવા જોઈએ, જેથી કરીને “લોકલ ગોઝ ગ્લોબલ”ના વિઝનને ખરેખર સાકાર કરી શકાય. તેમણે આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા અને તેમની શિલ્પકલાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાના આ સહિયારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમામ હિતધારકોને સાથે મળીને કામ કરવા વિનંતી કરી.
FICCI અને PRAYOGI એ પણ અનુક્રમે ઉદ્યોગ ભાગીદાર અને જ્ઞાન ભાગીદાર તરીકે કોન્ક્લેવને ટેકો આપ્યો હતો. આ કાર્યક્રમમાં આદિવાસી સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મકતાની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે વિકસિત ભારત @2047 માટે ભારતના વિકાસ એજન્ડાના કેન્દ્રમાં આદિવાસી ઉદ્યોગસાહસિકતાને સ્થાન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 250 થી વધુ આદિવાસી એન્ટરપ્રાઈસે ભાગ લીધો હતો, જેમાં 150 પ્રદર્શકો અને 100થી વધુ આદિવાસી સ્ટાર્ટ-અપ્સે “રૂટ્સ ટુ રાઇઝ” પિચિંગ પ્લેટફોર્મ પર તેમના નવીનતાઓનું પ્રદર્શન કર્યું હતું. આ પહેલે ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, કોર્પોરેટ્સ અને સરકારી ખરીદદારો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કર્યો હતો, જેનાથી સહયોગ અને વૃદ્ધિ માટે એક જીવંત ઇકોસિસ્ટમનું નિર્માણ થયું હતું.
આ કોન્ક્લેવમાં છ ઉચ્ચ-પ્રભાવશાળી પેનલ ચર્ચાઓ અને ચાર માસ્ટરક્લાસનો સમાવેશ થતો હતો જેમાં સરકાર, શિક્ષણ અને ઉદ્યોગના 50થી વધુ પ્રખ્યાત લોકો સામેલ થયા હતા. આ સત્રો રોકાણ અને ભાગીદારી, કૌશલ્ય અને સશક્તિકરણ, ટકાઉપણું અને ભૌગોલિક ઓળખ, બ્રાન્ડિંગ અને માર્કેટ ઇનોવેશન જેવા વિષયો પર કેન્દ્રિત હતા.
ગામડાઓથી વૈશ્વિક બજારો સુધી આદિવાસી મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાના હેતુથી બજાર પ્રવેશ, સ્કીલ ડેવલપમેન્ટ અને નીતિગત ભલામણો માટે કાર્યક્ષમ માર્ગો બનાવવા માટે ખરીદદાર-વેચાણકર્તા મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
થીમ આધારિત પેવેલિયન અને પરંપરાગત પ્રદર્શનોની સાથે એક સાંસ્કૃતિક પ્રદર્શનમાં “ટ્રાયબલ ભારત @2047: સસ્ટેઇનિંગ કલ્ચર, સ્કેલિંગ કોમર્સ” થીમ હેઠળ આદિવાસી વારસાની ઉજવણી કરવામાં આવી.
કોન્કલેવમાં મુખ્ય જાહેરાતો
- ગ્રામ્ય યુવા અર્થ નીતિ (GYAN) લેબનો પ્રારંભ: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી IIT બોમ્બેના અશાંક દેસાઈ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી અને PRAYOGI ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવેલી એક પબ્લિક પોલિસી ઇન્ટરેક્ટિવ લેબ. જ્ઞાન લેબ આદિવાસી અને ગ્રામીણ સાહસો માટે નવા મોડેલો ડિઝાઇન અને પરીક્ષણ કરવા માટે ક્ષેત્રીય અનુભવ, ટેકનોલોજી અને નીતિને એકસાથે લાવે છે. રીઅલ-ટાઇમ પાઇલટ્સ, નીતિગત માળખા, ડિજિટલ ઇનોવેશન અને ક્ષમતા-નિર્માણ દ્વારા તે સમાવિષ્ટ અને ટકાઉ એન્ટરપ્રાઇઝ વિકાસ માટે સ્કેલેબલ સમાધાન તૈયાર કરશે. આગામી વર્ષમાં લેબ આદિવાસી ઉદ્યોગસાહસિકતા સૂચકાંક અને માઇક્રો-ઇક્વિટી આધારિત ઇન્ક્યુબેશન મોડેલ્સ જેવા પાઇલટ્સ રજૂ કરશે, જે ક્ષેત્રીય શિક્ષણને નીતિગત કાર્યવાહીમાં ફેરવશે. સરકાર, શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનો આ સહયોગ ગ્રામ્ય યુવા અર્થ નીતિ – GYANના એન્ટરપ્રાઇઝ અને ઇનોવેશન લોન્ચ દ્વારા ભારતના આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે.
- આદિવાસી બાબતોની ગ્રાન્ડ ચેલેન્જ: આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને DPIIT ના સહયોગથી જાહેર કરાયેલ આ પહેલ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યમોને આદિવાસી સમુદાયો માટે ઉચ્ચ-અસરકારક સમાધાન ડિઝાઇન કરવા માટે આમંત્રિત કરે છે, જે દ્રશ્યતા, માર્ગદર્શન અને ભંડોળ સહાય પ્રદાન કરે છે.
- રૂટસ ટુ રાઇઝ: પિચિંગ સેશનનું પરિણામ
- સ્ક્રિનિંગના બે રાઉન્ડ પછી, 115 એન્ટરપ્રાઈસીને પસંદ કરવામાં આવ્યા, જેમાંથી 43 પાસે DPIIT નોંધણી નંબર છે. 10 ઇન્ક્યુબેટર્સ પસંદ કરેલા એન્ટરપ્રાઈસને ઇન્ક્યુબેશન સપોર્ટ પૂરો પાડવા સહમત થયા. 57 એન્ટરપ્રાઈસને 50 થી વધુ વીસી, એઆઈએફ, વીસી, એન્જલ રોકાણકારો સહિત રોકાણકારો તરફથી રોકાણ માટે રસ પ્રાપ્ત થયો, જેમણે કુલ 10 કરોડ રૂપિયાથી વધુની પ્રતિબદ્ધતા સાથે ભાગ લીધો.
- 33 એન્ટરપ્રાઇસે IFCI વેન્ચર કેપિટલ ફંડ્સ લિમિટેડ અને અરોરા વેન્ચર પાર્ટનર્સ જેવી સંસ્થાઓ તરફથી રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું.
- આ સ્ટાર્ટઅપ્સ અને સાહસોએ લગભગ 1,500 પ્રત્યક્ષ રોજગાર અને 10,000 થી વધુ પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં કુલ 20,000 થી વધુ આદિવાસી લોકોને સેવા આપી રહ્યા છે.
4. બીજું નોંધપાત્ર પરિણામ એ હતું કે ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ પર ઉચ્ચ જોડાણ હતું, જેના પરિણામે 60+ નોંધણીઓ અને TBC પ્રોડક્ટસ માટે 50 થી વધુ સકારાત્મક પૂછપરછો થઈ.
5. GI પ્રમાણપત્રોનું વિતરણ –આ કાર્યક્રમમાં ભારતભરના આદિવાસી કારીગરોની કલાત્મકતાની ઉજવણી કરતા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) સર્ટિફિકેટસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કેરળના કન્નડિપ્પાયા (વાંસની ચટાઈ), અરુણાચલ પ્રદેશના અપાતાની ટેક્સટાઇલ, તમિલનાડુના માર્થંડમ હની, સિક્કિમના લેપ્ચા તુંગબુક, આસામના બોડો એરોનાઈ, ગુજરાતના અંબાજી વ્હાઇટ માર્બલ અને ઉત્તરાખંડના બેદુ અને બદ્રી ગાય ઘી જેવા હસ્તકલા અને પ્રોડક્ટસની તેમની વિશિષ્ટતા અને સાંસ્કૃતિક વારસા માટે યોગ્ય માન્યતા મળી. આ માન્યતા આદિવાસી પ્રોડક્ટસ માટે બજાર પહોંચ, બ્રાન્ડ મૂલ્ય અને રાષ્ટ્રીય સ્તર પર દ્રશ્યતા વધારવા, કારીગરોને સશકત બનાવવા અને ભારતના સમૃદ્ધ સ્વદેશી વારસાને સંરક્ષિત કરવાની દિશા માં એક મહત્વપૂર્ણ પગલું છે.
##########
