માતા-પિતાનું શ્રદ્ધાથી સ્મરણ કરવું એ શ્રાદ્ધ છે.
લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે.
“રામચરિતમાનસ મારું હાલતું ચાલતું ઔષધાલય છે”
યવતમાલની ભૂમિ પરથી રામ જન્મોત્સવ ગવાયો,ઊજવાયો.
મહારાષ્ટ્રની ભૂમિના વીર અને ધીર લોકોથી ભરેલી ધરાને પ્રણામ કરતાં યવતમાલ-વિદર્ભથી ચોથા દિવસની રામકથાનો આરંભ કરતા બાપુએ કહ્યું કે લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે. આજે એક પ્રશ્ન એવો હતો કે બાપુ તમે શા માટે કાળો રંગ વધારે પસંદ કરો છો?ત્યારે કહેવાયું કે મારા નીજ મત અનુસાર કાળો રંગ ન તો શુભ છે ન અશુભ છે.એ શુભ અને અશુભ બંનેથી પર છે એટલે કાળો રંગ વધારે પસંદ છે.કાળો રંગ બધાને પસંદ છે આપણી અવતાર લીલામાં રામ,કૃષ્ણ જેવા મહત્વના અવતારો શ્યામ વર્ણના આવ્યા છે.મીરાબાઈનું પણ ઉદાહરણ છે કે એને કાળી કામળી ગમે છે કારણ કે કાળો રંગ એ દરેકનો સ્વિકાર કરે છે.એટલે જ ઉનાળામાં કાળા રંગને બદલે સફેદ રંગની છત્રી આપણે ઓઢીએ છીએ.
૧૦૮ વખત હનુમાન ચાલીસાનો પાઠ એક આસન ઉપર બેસીને કરીએ તો સિદ્ધ થાય કે નહીં?બાપુએ કહ્યું કે સિદ્ધ કરવા માટે કે સિદ્ધ થવા માટે નહીં પણ શુદ્ધ થવા માટે કરો.કારણ કે ભલભલા સિધ્ધોને આપણે પોતાની ઊંચાઈએથી નીચે પડી જતા જોયા છે.
પરંતુ હનુમાન ચાલીસામાં ચાર વખત હનુમાન શબ્દ આવ્યો છે.ચાલીસામાંથી બાકીનું શૂન્ય કરી દઈએ તો ચાર વખત આવેલા હનુમાનને પકડો! એ ચાર એટલે ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.હનુમાન ધર્મ પ્રદાન કરે છે. હનુમાન અર્થ પ્રદાન કરે છે.એ આપણા કર્તવ્ય તરફ પ્રેરિત કરે છે અને આપણને મુક્તિ અને આરામ પ્રદાન કરે છે.
આદમી આદમી ન બન પાયા,
તો ફિર ઉસને ખુદા બના દિયા;
ઇતના જૂઠ અચ્છા લગા ઉસકો,
સચ કો શૂલી પે ચડા દિયા!
બાપુએ કહ્યું કે આ રામચરિતમાનસ મારું હાલતું ચાલતું ઔષધાલય છે.આ મારું માનસ મેડિસિન તૈયાર કર્યું છે એટલે હલાવી-હલાવીને આપને પીવડાવી રહ્યો છું.
રામચરિત માનસમાં નવ પિતૃ અને નવ માતૃની ચર્ચા થઈ છે.પહેલા માતાઓને સમજીએ તો પહેલી માતા ભવાની મા જાનકી,શતરૂપા,કૌશલ્યા,અહલ્યા,શબરી તારા,મંદોદરી,ત્રિજટા.આ માતૃ તત્વ છે.
એ જ રીતે પિતાઓમાં આદિ પિતા શિવજી.એ પછી સ્વયંભૂ મનુ,દશરથ,જનક,જટાયુ,વાલી,રાવણ,સત્ય કેતુ અને રામ.
અહીં કોઈ બાપ રજોગુણી છે,કોઈ પિતા તમોગુણી છે તો કોઈ સત્વગુણી છે.વાલી રજોગુણી બાપ છે. રાવણ તમોગુણી છે અને દશરથ,જનક,મનુ,સત્ય કેતુ સત્વ ગુણી છે.પણ મારા મહાદેવ અને રામ એ ગુણાતિત બાપ છે.ધર્મ એ પિતા છે અને ક્ષમા એ માતા છે એમ પણ કહેવાયું છે કે આત્મા પિતા છે અને મતિ એટલે કે બુદ્ધિ એ માતા છે.
માતા-પિતા આપણા દેવ છે.એટલે જીવિત હોય ત્યાં સુધી એની સેવા કરો અને જ્યારે ન હોય ત્યારે એનું સ્મરણ કરો!
સાધુનો સંગ આટલી પવિત્રતા આપે છે:એ ગંગવત, ગગન વત,ગંડવત એટલે કે હાથીને ગંડસ્થળ જેટલી પવિત્રતા,એ મોતી જેવી પવિત્રતા અને ભીષ્મ જેવી તાકાત તેમજ ગેયવત એટલે કે ગાવા યોગ્ય પવિત્રતા પ્રદાન કરે છે.
માતા-પિતાનું શ્રદ્ધાથી સ્મરણ કરવું એ શ્રાદ્ધ છે.
શિવ ચરિત્રનું ગઈકાલે ગાયન કર્યા પછી રામ જન્મ તરફ લઈ જતા કથા સંભળાવતા બાપુએ કહ્યું કે ઓશોનું નિવેદન છે કે કૈલાશમાં આજે પણ પાંચસો બુદ્ધપુરુષ બેઠા છે.જ્યારે આનામાંથી કોઈને નિર્વાણ પદ મળે ત્યારે પૃથ્વી ઉપર રહેલો એક બુદ્ધપુરુષ આનું સ્થાન લે છે.
શિવ વેદ વિદિત વટવૃક્ષની નીચે કૈલાશમાં સહજ આસન પર બેઠા છે.એ વખતે પાર્વતી અવસર જોઈ અને રામ વિશે પ્રશ્ન કરે છે.શિવજી રામ જન્મના હેતુઓની વાત કરે છે.રામ જન્મના પાંચ હેતુઓ બતાવે છે,પરંતુ પરમ તત્વ અહેતુ પણ અવતરણ કરી શકે છે.
અહીં જ્ઞાન વિશેની વાત કરતા કહ્યું કે કોઈ અલ્પજ્ઞ હોય કોઈ સુજ્ઞ,કોઈ તત્વજ્ઞ હોય,કોઈ અજ્ઞ હોય, કોઈ ત્રિકાળજ્ઞ હોય પરંતુ મહાદેવ શિવ સર્વજ્ઞ છે. અને એ રામજન્મ વિશેના હેતુઓની ચર્ચા કરીને પહેલાં અસુર કુળના વંશની વાત કરે છે.અને રાવણનો ત્રાસ વધતા પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી સાથે પરમતત્વની આરાધના કરે છે.
એ વખતે આકાશવાણી થાય છે કે મારા તમામ રૂપ સાથે હું અવતાર ધારણ કરીશ.
એ પછી અયોધ્યાનું સુંદર વર્ણન કરીને અયોધ્યાના રાજમહેલમાં રાજા દશરથ યજ્ઞ કરાવે છે.યજ્ઞને અંતે મળેલી પ્રસાદીમાંથી માતા કૌશલ્યાની કૂખે ભગવાન રામનું પ્રાગટ્ય થાય છે એ સુંદર રસમય કથા અને દરેક માતાને ત્યાં એક-એક બાળકનો જન્મ થાય છે એ કથાનું ગાન કરીને યવતમાલની ભૂમિ ઉપરથી ત્રિભુવનને રામ જન્મની વધાઈ આપીને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.
