ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પા ઓડિટોરિયમમાં છઠ્ઠી મિડ-યર જીઆઈ ઓન્કોલોજી કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન થયું, જેમાં ભારતભરમાંથી અગ્રણી સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને હેપેટો પેન્ક્રિયાટિક અને બિલિઅરી સર્જનો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, જેનેટિક કાઉન્સેલર, રેડિયોલોજિસ્ટ, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, મોલેક્યુલર પેથોલોજિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, રિસર્ચર્સ, રેસિડેન્ટ્સ અને વિદ્યાર્થીઓ એકસાથે જોડાયા હતા. બે દિવસ સુધી ચાલેલી આ કોન્ફરન્સમાં કોલોરેક્ટલ, હેપેટોબિલિઅરી અને પેન્ક્રિયાટિક ઓન્કોલોજી પર અદ્યતન વ્યાખ્યાનો, ચર્ચાઓ, પેનલ ડિસ્કશન્સ અને કેસ-આધારિત સત્રો સાથે એક વ્યાપક વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓમાં પ્રારંભિક તબક્કાના કોલોન કેન્સરમાં સારવારનો નિર્ણય લેવા અને કીમોથેરાપી પછી થતી પ્રગતિનું નિરીક્ષણ કરવામાટે ct DNA પરની ચર્ચાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુદામાર્ગના કેન્સરમાં ઝેરી અસરોથી બચવા અને કાયમી કોલોસ્ટોમી ટાળવા માટે સલામત અને સચોટ રેડિયેશન થેરાપીનો ઉપયોગ, કોલોરેક્ટલ મેલિગ્નન્સીસમાં વિકસતી સર્જિકલ પદ્ધતિઓ, પિત્તાશયના કેન્સરમાં રેડિયેશનની ભૂમિકા, બોર્ડરલાઇન રિસેક્ટેબલ પેનક્રિએટિક કેન્સર, ઓલિગોમેટાસ્ટેટિક રોગનું વ્યવસ્થાપન, કોલોરેક્ટલ સર્જરીમાં રોબોટિક્સ, ઇમ્યુનોથેરાપી સહિતની નવી દવાઓ અને જીઆઈ ઓન્કોલોજીમાં પ્રેક્ટિસ- ચેન્જિંગ અપડેટ્સ જેવા વિષયો પર પણ ચર્ચા થઈ. આ શૈક્ષણિક કાર્યક્રમ જીવંત ચર્ચાઓ, નિષ્ણાતોની ટિપ્પણીઓ અને એક ઇન્ટરેક્ટિવ ઓન્કોલોજી ક્વિઝથી ભરપૂર હતો, જેમાં યુવા ઓન્કોલોજિસ્ટ અને રેસિડેન્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પરિષદમાં 160થી વધુ પ્રતિનિધિઓ અને ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો.
આ કોન્ફરન્સના આયોજન માટે એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના ડિરેક્ટર અને ચીફ – જીઆઈ, એચપીબી અને રોબોટિક સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. જગદીશ કોઠારી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના વડા અને સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. શિરીષ આલુરકર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આયોજન સચિવ તરીકે એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના રેડિયેશન ઓન્કોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. સમીર બાથમ, અને જીઆઈ – સર્જિકલ ઓન્કોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ અને રોબોટિક સર્જન ડૉ. દેવેન્દ્ર પરીખ અને ડૉ. ભરત પ્રજાપતિનો પણ અમૂલ્ય સહકાર મળ્યો હતો.
ફેકલ્ટી, રેસિડેન્ટ્સ, વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સની જબરજસ્ત ભાગીદારીએ GI ઓન્કોલોજી સમુદાયમાં સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવી છે. આ છઠ્ઠી આવૃત્તિએ શૈક્ષણિક શ્રેષ્ઠતામાં એક નવું બેન્ચમાર્ક સ્થાપિત કર્યું છે, જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ કેન્સર સામેની લડાઈમાં ભવિષ્યના સંશોધનો અને ભાગીદારી માટે માર્ગ મોકળો કરશે.
આ પ્રકારની કોન્ફરન્સમાત્ર ઓન્કોલોજિસ્ટના જ્ઞાનમાં વધારો કરતી નથી, પરંતુ દર્દીઓને સચોટ સારવાર પૂરી પાડવામાં પણ મદદ કરે છે, જેનાથી વધુ સારા પરિણામો મળે છે.
