Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભક્તિ માર્ગમાં, નિરંતર વધતી તરસનું નામ જ તૃપ્તિ છે!

— મારો જન્મ કોઈને ય પરેશાન કરવા માટે નથી થયો.

– પ્રારબ્ધ કર્મને કારણે જે ફળ મળે, તેને ઈશ્વરેચ્છા સમજીને ઉદાસીનતાથી સ્વીકારી લો.

– રામનું સ્મરણ સત્ય છે, રામનું ગાન પ્રેમ છે, રામકથાનું શ્રવણ કરુણા છે.

“માનસ સિંદૂર” કથાના આજના અંતિમ દિવસના પ્રારંભે પૂજ્ય બાપુએ જણાવ્યું કે પહેલગામની ઘટનાએ આપણી બહેન- બેટીઓનાં સુહાગનું સિંદૂર મીટાવ્યું, એ પછી સફળ પ્રયોગ રૂપે “ઓપરેશન સિંદૂર” થયું, તેના ઉપરથી મને આ કથા ગાવાની પ્રેરણા મળી જે, આજે નવમા દિવસે સંપન્ન થઈ રહી છે.

રામચરિત માનસના પ્રત્યેક સોપાનમાં પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ રીતે સિંદૂરનો સંકેત છે. બાલકાંડમાં શિવ-પાર્વતી વિવાહ સંદર્ભે “પાર્વતી મંગલ” માં તુલસીદાસજીએ “બંદન બંદી” શબ્દથી સિંદૂરનો ઉલ્લેખ કર્યો છે. કથાની કેન્દ્રીય પંક્તિમાં રામજી સીતાજીની માંગમાં સિંદૂર દાન કરે છે. અયોધ્યા કાંડમાંમાં ભગવતિ સીતામાતા પતિવ્રતા ધર્મનું પાલન કરવા માટે ભગવાન રામની સાથે પૂરા ચોદ વર્ષ વન-ગમન કરે છે, એ પણ પરોક્ષ રીતે માતા સીતાના સિંદુરી સમર્પણનો જ સંકેત છે.

અરણ્ય કાંડમાં પરમ સુહાગણ સતી શિરોમણી ભગવતી અનસુયાની કથા છે. અત્રી આશ્રમમાં માતા અનસૂયા, સીતાજીને સુહાગણ નારીના કર્તવ્ય – પતિવ્રતા ધર્મ વિષે ઉપદેશ આપે છે.  એ રીતે ત્યાં પણ સિંદૂરનો પરોક્ષ સંકેત છે. કિષ્કિંધા કાંડમાં કપિરાજ વાલીની ધર્મપત્ની (કે જેનો શાસ્ત્રોમાં સતીઓની ગણનામાં સમાવેશ છે) સતી તારાની સમજ, એનાં ચિંતનમાં પ્રકટ થાય છે. એને પોતાના સુહાગનાં સિંદૂરની રક્ષાની ચિંતા છે. તારા વાલીને કહે છે કે “સુગ્રીવ જેને મળીને તમારી સામે દ્વંદ્વ યુદ્ધ કરવા આવ્યો છે, એ રામ અને લક્ષ્મણ, કાળને પણ જીતી શકે એવા સમર્થ છે.” તારા વાલીને યુદ્ધ કરવા જતા રોકવા ઈચ્છે છે. વાલીને પણ રામનાં સામર્થ્યની જાણ છે. એ કહે છે કે

“રામ સમદર્શી છે. એમના હાથે મારું મૃત્યુ થશે, તો હું સુહાગી બની જઇશ.” – એ રીતે ત્યાં પણ સિંદૂરનું ચિંતન દેખાય છે.

સુંદરકાંડમાં સીતા માતા તો છે જ, પણ રામ ચરણમાં જેની રતિ છે એવી જ્ઞાની મહિલા ત્રીજટા છે. એ રામની ભક્તિથી કૃતકૃત્ય છે. ભક્તિ જ ભક્તને સુહાગી બનાવે છે, એ રીતે સાંકેતિક રીતે ત્રિજટાના ભક્તિ રુપી સિંદૂરનો અહીં સંકેત છે.

લંકા કાંડમાં દશાનન રાવણની ધર્મ પત્ની મંદોદરી સતી છે. એ રાવણને કહે છે કે સીતાજી રામને પાછા સોંપી દો, જેથી મારું સૌભાગ્ય અખંડ રહે. અહીં પણ મંદોદરીને સિંદૂરની ચિંતા છે. ઉત્તરકાંડમાં અર્ધનારીશ્વર ભગવાન શિવ પોતાની માંગ ભક્તિથી ભરી દેવાની શ્રી રામજી પાસે ઝંખના કરે છે.

આમ, સાતે કાંડમાં સિંદૂર દર્શન વર્ણવીને પૂજ્ય બાપુએ કથાના ક્રમમાં પ્રવેશ કરતા, લંકા કાંડ પછીની કથાને ભૂસંડીજીના ન્યાયે આગળ વધારી.

ભગવાન રામ પુષ્પક વિમાનમાં લંકાથી અયોધ્યા પાછા ફરવા  નીકળે છે. એ યંત્રમય નહીં પણ મંત્રમય વિમાન હતું! બાપુએ આ તબક્કે ભાગવતજીના સંદર્ભને યાદ કરીને કહ્યું કે ભગવાન કૃષ્ણએ જ્યારે ગિરિરાજ ઉઠાવ્યો, ત્યારે વ્રજવાસીઓ ગિરિરાજની નીચે આશ્રય મેળવવા આવતા ગયા, એમ એમ ગિરિરાજ વિસ્તરતો ગયો છે. એ જ રીતે પુષ્પક વિમાનમાં પણ એવી વ્યવસ્થા હતી કે  યાત્રીઓની સંખ્યા મુજબ એ નાનું-મોટું થઈ શકતું હતું. ભગવાન રામ સીતાને વિમાનમાંથી લંકાની રણભૂમિનું દર્શન કરાવે છે. રાવણ અને કુંભકર્ણને નિર્વાણ અપાયું છે, ત્યાં ભગવાન કહે છે કે અહીં રાવણ અને કુંભકર્ણ માર્યા ગયા છે. કોણે માર્યા, એ વિશે ઉલ્લેખ કરતા નથી. સીતાજી પૂછે છે કે “સહુએ યુદ્ધમાં કોઈને કોઈ પરાક્રમ કર્યું છે, તો તમે મારા માટે શું કર્યું?” ત્યારે ભગવાન રામ સીતાજીને સેતુબંધનું દર્શન કરાવે છે અને કહે છે કે “મેં સેતુબંધ બાંધ્યો છે!”

પરમ તત્વ કાયમ જોડવાનું કામ કરે છે, તોડવાનું નહીં! સેતુબંધ બાંધીને રામે શિવનું સ્થાપન કર્યું છે. પરમ તત્વ કલ્યાણની સ્થાપના કરે છે. પરમાત્મા કર્મ કરે છે, પરંતુ એમાં કર્તાપણું હોતું નથી.

બાપુએ કહ્યું કે ઉપનિષદે વિશ્વને જે સૂત્રો આપ્યા છે, એવા વિચાર અન્યત્ર ક્યાંય જોવા મળતા નથી. ૧૦૮ ઉપનિષદ પૈકી “સર્વસાર ઉપનિષદ”માં માત્ર ૨૦-૨૧ મંત્ર છે. પરંતુ બુદ્ધત્વ પ્રાપ્ત કરી ચૂકેલા મહાપુરુષો માટે એક શ્લોક ઉત્તમ છે ,જેમાં ભગવાન કહે છે કે –

“હું દેહ નથી. જન્મ તો માતા-પિતાને કારણે મળ્યો છે, તેથી મારૂં મૃત્યુ નથી. હું પ્રાણ નથી, તો મને ભૂખ તરસ કેવી? હું ચિત્ત નથી, તો શોક- મોહ કેવા? હું કર્તા નથી, તો બંધન શાનું?”

અહીં ભગવાન રામ કહે છે કે

“મેં કોઈને માર્યા નથી, મેં તો સંગમ રચ્યો છે- પ્રયાગ રચ્યો છે.” બાપુએ સૂત્રપાત કરતા કહ્યું કે

“દુનિયામાં પ્રયોગ બહુ જ થાય છે પરંતુ પ્રયાગ સર્જાતા નથી.”

એ પછી વિમાન ગુહરાજ નિશાદની નગરીમાં આવે છે. ત્યાંથી ભગવાન રામ, હનુમાનજી દ્વારા ભરતજી પોતાનાં આગમનના સમાચાર પહોંચાડે છે. ભગવાન રામ ગુહ, કેવટ આદિ સહુની સાથે અયોધ્યામાં આવે છે. જન્મભૂમિને પ્રણામ કરે છે. રામ- ભરત મિલન થાય છે, વશિષ્ઠજીને પ્રણામ કરી, અયોધ્યાની પ્રેમાતુર જનતાને ભગવાન  પોતાની ઐશ્વર્ય લીલાથી વ્યાપકત્વ બતાવીને પ્રત્યેક અયોધ્યાવાસીને વ્યક્તિગત મળે છે. કૈકૈયી માતાના ભવનમાં જઈ તેમના સંકોચને દૂર કરે છે. બધી માતાઓ પુત્રોની આરતી ઉતારે છે અને વશિષ્ઠજી બ્રાહ્મણોના કહેવાથી ભગવાન રામને એ જ વખતે દિવ્ય સિંહાસન પર બેસાડીને રામરાજ્યની સ્થાપના કરે છે. વિશ્વને રામરાજ્ય, એટલે કે સત્ય, પ્રેમ અને કરુણાનું રાજ્ય મળે છે.

આ સમયે બ્રહ્મ ભવનમાંથી ચારે વેદો આવી અને રામની સ્તુતિ કરે છે. ભગવાન શિવ પોતાના મૂળ રૂપમાં આવીને રામની પાસે ભક્તિની માંગ કરે છે. ગોસ્વામીજીએ અહીં દિવ્ય રામ રાજ્યનું વર્ણન કર્યું છે. અમુક સમય પછી ભગવાન રામ સહુને વિદાય આપે છે. શ્રી હનુમાનજીનું તો રામના ચરણ સિવાય અન્ય કોઈ ઘર નથી, એટલે તેઓ રામજીની પાસે રહી જાય છે. લવ-કુશના જન્મ સુધીની કથા કહીને તુલસીદાસજીએ રામચરિત માનસને વિરામ આપ્યો છે. અપવાદ અને દુર્વાદ વાળી કોઈ ઘટના એમણે ઉઠાવી નથી. ઉત્તર કાંડમાં કાગભુષંડીજીનું ચરિત્ર છે ગરુડજીના સાત પ્રશ્નો અને ભુષંડિજી દ્વારા તેનો ઉત્તર, એ સાત કાંડનો સાર છે.  માનસના ચારે આચાર્યોએ પોતપોતાની પીઠ પરથી રામકથાને વિરામ આપ્યો, એ સાથે જ બાપુએ પણ વારાણસીની “માનસ સિંદૂર” કથાને વિરામ આપતા કહ્યું કે

“કથાનું અમૃત એવું છે કે તૃપ્તિ થતી નથી. ભક્તિ માર્ગમાં તો નિરંતર વધતી જતી તરસતું નામ જ તૃપ્તિ છે!”

અંતમાં બાપુએ કહ્યું કે રામનું સ્મરણ, રામનું ગાયન અને રામકથાનું શ્રવણ એ રામચરિત માનસનો સાર છે. રામનું સ્મરણ સત્ય છે, રામનું ગાયન પ્રેમ છે અને રામકથાનું શ્રવણ કરુણા છે.

સંપૂર્ણ આયોજન અંગે પ્રસન્નતા વ્યક્ત કરીને પૂજ્ય બાપુએ કથા ગાનને વિરામ આપ્યો.

 

રત્ન કણિકા

————–

– પુષ્પક વિમાન યંત્રમય નહીં, મંત્રમય છે.

– પરમ એ છે કે જે સમાજને જોડે, સેતુબંધ બાંધે, કલ્યાણની સ્થાપના કરે!

– ઉપનિષદે વિશ્વને આપેલા વિચાર જેટલી ઊંચાઇ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.

– દુનિયામાં પ્રયોગ બહુ થાય છે પણ પ્રયાગ રચાતા નથી!

– અંકુરિત થતાં પહેલાં જ, કર્મ- ફળને ક્ષમાના પ્રજ્વલિત અગ્નિમાં હોમી  દેવામાં આવે તો એનું ફળ ભોગવવું પડતું નથી.

– ભક્તિની પ્રાપ્તિ જ ભક્તની માંગનું સિંદૂર છે.

 

બોક્સ આઇટમ

———————

– માનસિંદૂર કથાને પૂજ્ય બાપુએ, પહેલગામની ઘટનાથી જે બહેન-બેટીઓની માંગનું સિંદૂર ભુસાયું છે, એમને અને એમના પરિવારોને તેમજ ભારત સરકાર અને સૈન્ય દ્વારા કરવામાં આવેલા સફળ પ્રયોગ “ઓપરેશન સિંદૂર” ને સમર્પિત કરી.

Related posts

હનુમાન કોટેશ્વર છે,કોટેશ્વર હનુમાન છે.

truthofbharat

ગરબા ગ્રુવ 2025: સહાના બેન્ક્વેટ હોલ ખાતે પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન

truthofbharat

નવા ઑસમ ઈન્ટેલિજન્સ ફીચર્સ ગેલેક્સી A56, A36 અને A26ને વધુ ફન અને પહોંચક્ષમ બનાવે છે

truthofbharat