Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથા મારો પ્રાણ છે, મારો પ્રાણ વાયુ છે, મારું સર્વસ્વ કથા છે!

– હું કથાનો વક્તા છું અને હું કથાનો શ્રોતા પણ છું. 

જહા સંત આવત રહે,

કથા હોય હરિ હેત,

તુલસી તાકે ભવન કી

ચોકી હનુમંત દેત.

રામ સત્ય છે, ભરત પ્રેમ છે, મા જાનકી કરુણા છે.

“માનસ સિંદૂર” રામકથાના પાંચમા દિવસના સંવાદમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ એક જિજ્ઞાસાના સમાધાનમાં જણાવ્યું કે પ્રેમથી વધીને કોઈ જ્ઞાન નથી. છતાં જ્ઞાનનો મહિમા અવશ્ય છે.  માનસમાં જ્ઞાન પ્રાપ્તિના બે ઉપાય બતાવ્યા છે – એક ગુરુ અને બીજો વૈરાગ્ય. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત ન થાય. ગ્રંથોથી પણ જ્ઞાન મળે છે પણ પુસ્તકિયું જ્ઞાન એક હદ સુધી લઈ જઈ શકે. જ્યારે વેદ, પુરાણ, અગમ-નિગમ અનહદ સુધી લઈ જશે. આ કથનને ગુરુમુખી વાણીથી સમજાવતા બાપુએ કહ્યું કે દાદાજીએ સમજાવ્યું કે “ગુરુના મુખથી જ્ઞાનની પ્રાપ્તિ થશે અને વૈરાગ્યથી એ જ્ઞાન પચશે!”

પ્રતિષ્ઠાથી, પૈસાથી કે કર્મથી પરમ તત્વને પામી શકાય નહીં. પરમાત્માની પ્રાપ્તિ તો ગુરુ જ કરાવી શકે.

એક અર્થમાં તો પરમાત્મા આપણી પાસે જ છે – આપણે સ્વયં પરમાત્મા છીએ! એને પામવાની વાત નથી, પરખવાની વાત છે. વેદ કહે છે “અહમ બ્રહ્માસ્મિ”. પણ આપણને એનો અનુભવ નથી. કોઈ વૈરાગી ગુરુ મળે તો જ્ઞાન પચી શકે.

શ્રી હનુમાનજીના શૈશવ કાળની કથાનું સ્મરણ કરતા બાપુએ કહ્યું કે  શ્રી હનુમાનજી સૂર્યને પોતાના મુખમાં મૂકી દે છે. પણ સૂર્ય સૌનો ગુરુ છે, સૂર્ય જ્ઞાન છે. હનુમાનજીએ જ્ઞાનને ખાઈ તો લીધું પણ પચ્યું નહીં એટલે દેવતાઓની વિનંતીથી, જગ કલ્યાણ માટે એમણે સૂર્યનું વમન કરી નાખ્યું. કેટલાક લોકો જ્ઞાન ખાય છે પણ પછી પચાવી શકતા નથી. એટલે જ્ઞાન ખાવાની વાત નથી આવતી, જ્ઞાનનું પાન કરવાનું છે. એ પછી કુમાર અવસ્થામાં જ્ઞાન મેળવવા માટે શ્રી હનુમાનજી સૂર્યદેવ પાસે જાય છે. એ વખતે તેઓ ગુરુને ખાવા નહીં પણ પામવા જાય છે. સૂર્ય ભગવાન હનુમાનજીથી દૂર રહેવા ઇચ્છે છે. તેથી તર્ક આપે છે કે હું ગતિમાં છું તેથી હું તને જ્ઞાન ન આપી શકું. હનુમાનજી કહે છે કે હું તમારી સાથો સાથ ગતિ કરીશ. સૂર્યદેવ કહે છે કે ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા માટે સન્મુખ હોવું જરૂરી છે. ત્યારે હનુમાનજી, ઉલ્ટા પગે ચાલીને પણ ગુરુ પાસેથી જ્ઞાન પામવાની ઝંખના દાખવે છે. એનો ગુરુમુખી અર્થ એ છે કે આપણા કદમ ભલે સંસાર તરફ જતા હોય, પણ આપણી દ્રષ્ટિ ગુરુના મુખ તરફ હોવી જોઈએ!

વક્તા- શ્રોતા બંને જ્ઞાન નિધિ છે. માનસના મતે શ્રોતા સુમતિ, સુશીલ, રસિક, શૂચિવાન અને દાસ્યભાવવાળો હોવો જોઈએ. એવા અધિકારી શ્રોતા સામે વક્તાને બોલવું ગમે છે. એવો શ્રોતા અમુક સમય પછી સામે ન હોય તો વક્તાને એની અનુપસ્થિતિ સાલે છે. એટલે જ તુલસીદાસજીએ અન્ય કોઈને નહીં, પણ પોતાના મનને શ્રોતા બનાવ્યું છે અને કબીરજીએ સાધુને શ્રોતા બનાવ્યા છે.

ગ્રંથનું મહત્ત્વ છે, પણ ગ્રંથ સાથે ગુરુ હોવા જોઇએ, જે ગ્રંથનાં રહસ્યને ખોલી આપે. ગુરુ સમજાવી દે, એ પછી ગ્રંથ છૂટી જશે. બાપુએ અહીં સૂત્રપાત કરતાં કહ્યું કે “જ્ઞાન આવે પણ ત્યાગ ન આવે તો એ જ્ઞાન શું કામનું?”

પ્રશંસાનું અમૃત પીનાર અમર નથી થતો, પણ નિંદાનું ગરલ પીનાર સાધુ અમર થઈ જાય છે.

સાધુનો બહુ મોટો મહિમા છે. પરમાત્મા તો જરૂર પડ્યે અવતાર ધારણ કરે છે પણ સાધુ તો હોય જ છે! બસ, એને ઓળખી લેવો જોઇએ!

માનસમાં સાત વ્યક્તિઓ સોળ વસ્તુથી પરિપૂર્ણ છે. ભગવાન રામમાં સોળ શીલ છે, ભગવાન કૃષ્ણમાં સોળ કળા છે, ભગવાન શંકરમાં સોળ રસ છે, શ્રી હનુમાનજીમાં સોળ વિદ્યા છે. શ્રી ભરતજીમાં સોળ લક્ષણ છે. માતા જાનકી અને મા પાર્વતીજીમાં સોળ સોળ ઉર્જા છે. સાતમા છે ભગવાન મહાકાલનાં મંદિરમાં બેઠેલા કાકભુષંડીજીના ગુરુ પરમ સાધુ, જેની પાસે મહાકાલની ભસ્મનું સિંદૂરી તિલક છે.

ભગવાન રામમાં સોળ શીલ છે. તેઓ મા જાનકીને જ્યારે સિંદૂર દાન કરે છે, ત્યારે એમના સોળ શીલ, મા જાનકીની ઉર્જામાં સમાવિષ્ટ થઈ જાય છે. એ જ રીતે હનુમાનજીએ આખા શરીર પર સિંદૂર લગાડ્યું છે, પરંતુ રામજી જ્યારે શ્રી હનુમાનજીના ભાલ પર સિંદૂરનું તિલક કરે છે, ત્યારે રામના સોળ શીલ હનુમાનજીમાં સમાઈ જાય છે. ભરત એવા ઉપકારી સાધુ પુરુષ છે, જેણે આપણને સત્ય, પ્રેમ અને કરુણાની સન્મુખ કર્યા છે! એવા ભરતજીને પણ રામજી જ્યારે તિલક કરે છે, ત્યાર પછી તેઓ પણ સોળ શીલવાન બની જાય છે. શિવજી જ્યારે મા પાર્વતીજીને સિંદૂર દાન કરે છે, ત્યારે એમના સોળ રસ, મા પાર્વતીજીમાં સમાવિષ્ટ થઈ જાય છે.

પ્રત્યેક મા કરુણાની મૂર્તિ છે! ગુરુ પણ મા છે, એ રૂપે જો ગુરુના દર્શન કરશો, તો ગુરુની કરુણાનો વિશેષ અનુભવ થશે!

માનસમાં સોળ શણગાર ધારણ કરનાર સાતમી વ્યક્તિ, મહાકાળનાં મંદીરમાં  બેઠેલા કાકભુષંડીજીના ગુરુ પરમ સાધુ છે.  કાગભુષંડીની કથા એવી છે કે પોતાના ગુરુ જ્યારે મહાકાલનાં મંદિરમાં પ્રવેશે છે, ત્યારે ભૂષંડીજી ઊભા થઈને એમને પ્રણામ કરતા નથી. એ રીતે એમનાથી ગુરુ અપરાધ થાય છે. એ ઘટનાથી ગુરુ તો કુપીત થતા નથી પરંતુ ભગવાન મહાદેવ ભૂષંડીજીને ભયંકર શ્રાપ આપે છે. હાહાકાર મચી જાય છે, પરંતુ સૌથી  મોટો હાહાકાર તો ગુરુનાં હૈયામાં સર્જાય છે. તેઓ મહાદેવને વિનવે છે કે ભૂષંડીજીના અપરાધની ક્ષમા કરો. પરમ સાધુ ભૂષંડીજીને ક્ષમા મળે એ માટે રુદ્રાષ્ટકનો પાઠ કરે છે. રુદ્રાષ્ટકની એ સોળ પંક્તિઓ, પરમ સાધુનો સિંદૂરી શણગાર છે. ગુરુના રુદ્રાષ્ટકના પાઠથી ભગવાન મહાકાલ પ્રસન્ન થાય છે અને પરમ સાધુના કહેવાથી એના શિષ્ય ભૂષંડીજીને શિવજી ક્ષમા આપે છે. પણ શિષ્યને શ્રાપ મળવાથી ગુરુના દિલમાંથી જે ચીખ ઉઠી એના બદલામાં માતા પાર્વતીજીના કહેવાથી ભગવાન શિવ પોતાના અંગ ઉપરથી ભસ્મ લઇ અને પરમ ગુરુના ભાલ પર લગાડવા જાય છે ત્યારે પાર્વતીજી પોતાની માંગનું સિંદૂર ભગવાન શંકરને આપે છે અને ભગવતિની કરુણાનું, ભગવતિની પૂર્ણતાનું સિંદૂર લઈને ભુસન્ડિજીના ભાલે ભગવાન તિલક કરે છે, એ આ કથાનું ગુરુમુખી રહસ્ય છે.

પૂજ્ય બાપુએ કહ્યું કે હું વક્તા છું અને હું જ મારી કથાનો શ્રોતા છું! હું કથા કહું છું અને સ્વયં કથા સાંભળું છું. આ મારો શબ્દાડંબર નથી. હું શા માટે કથા રસથી વંચિત રહું? એટલે હું વક્તા છું, એમ શ્રોતા પણ છું. હું પાઠક છું, હું મને વાંચું છું!

કથાના સિંદૂર દર્શનમાં પૂજ્ય બાપુએ ગઈકાલની વાતને આગળ વધારતા કહ્યું કે મા જાનકીની માંગમાં સિંદૂર ભરતા ભગવાન રામના હાથનો આકાર સર્પ જેવો બને છે. અહીં રામના હાથને ‘અહિ’ – સર્પ- ની ઉપમા આપી છે. સર્પને થયું કે મા સીતાજીનું મુખ ચંદ્ર જેવું છે એના અમૃતનું પાન કરીને જન્મ જન્મના વિષથી મને થોડો છુટકારો મળે! બાપુએ કહ્યું કે અહિનો બીજો એક અર્થ સૂર્ય છે. રામ સૂર્ય છે, જાનકી પૃથ્વી છે. અને કમળ ધરતી પર ખીલે છે એના પરાગ રૂપી સિંદૂરથી ચંદ્ર સમાન મુખવાળી મા જાનકીની માંગ ભગવાન રામનો સૂર્ય સમાન હાથ ભરે છે.

કથાના ક્રમમાં પ્રવેશ કરતા પૂજ્ય બાપુએ રામ જન્મ બાદની કથાને આગળ વધારતા નામકરણ સંસ્કાર, ચારે ભાઈઓનાં નામના તાત્વિક-સાત્વિક અર્થ,  શિવજીનું જ્યોતિષી રૂપે ભૂષંડીજી સાથે બાળ રામનાં દર્શન માટે અયોધ્યા જવું, રામની બાળ લીલા, ગુરુ વસિષ્ઠ દ્વારા નામકરણ, ભગવાન રામની બાળલીલા નું રસપદ વર્ણન,  વિદ્યા પ્રાપ્તિ પછી ભગવાન વિશ્વામિત્રજીનું આગમન અને યજ્ઞ રક્ષા માટે રામ લક્ષ્મણની માંગ, તાડકા વધ થી ભગવાનના અવતાર કાર્યનો આરંભ, રાક્ષસોનું નિર્વાણ અને યજ્ઞની રક્ષા, ધનુષ્ય યજ્ઞ માટે જનકપુરી જતા વચ્ચે ગૌતમ આશ્રમમાં અહલ્યા ઉદ્ધાર, જનકપુરીમાં સુંદર સદનમાં વિશ્વામિત્રજી સાથે રામ – લક્ષ્મણ ભોજન અને વિશ્રામ કરે છે, ત્યાં સુધી કથા ને પહોંચાડીને પૂજ્ય બાપુએ આજના સંવાદને વિરામ આપ્યો.

બોક્સ આઈટમ – ૧

————————

પરમ સાધુનું સ્મરણ મુક્તિ આપે છે.

સ્વરૂપનું અનુસંધાન એક ક્ષણ માટે પણ છૂટી જાય, એ સાધકનો પ્રમાદ છે.

તિલક, છાપ, માળા અને પાદુકા જ્યારે ગુરુ આશ્રિતને આપે, ત્યારે જ એનો મહિમા છે.

બાળકોનો પણ આત્મા છે, એને સન્માન આપો. એના પર દબાણ ન કરો એની ઈચ્છાને સમજો.

પુસ્તકનું જ્ઞાન એક હદ સુધી લઈ જઈ શકે, જ્યારે વેદ – શાસ્ત્રનું જ્ઞાન અનહદ સુધી લઈ જાય છે!

સત્ય ચાંદી છે, એ શ્વેત- ઉજ્જવળ ધવલ – છે, પ્રેમ સુવર્ણ છે અને કરુણા હીરા – મોતી છે.

કથાની ઉપલબ્ધિ વિવેક છે.

સાધકના જીવનમાં જ્યારે રામ પ્રગટ થાય છે, પછી એના જીવનમાંથી મોહરાત્રી ખતમ થઈ જાય છે.

બોક્સ આઈટમ – ૨

————————

જેના ભાલ પરમાત્માએ મા દુર્ગાના સિંદૂરનું તિલક કર્યું હોય, એવા સિંદુરી સાધુમાં ૧૬ લક્ષણ હોય છે.

(૧) ધર્મશીલ (૨) સત્ય શીલ

(૩) કરુણાશીલ (૪) કર્મશીલ

(૫)  મૌનશીલ (૬) પ્રેમ શીલ

(૭) સ્વીકારશીલ (૮) વિચારશીલ

(૯) સુખશીલ (૧૦) બલશીલ

(૧૧) સ્મરણશીલ (૧૨) વિસ્મરણશીલ (૧૩) સેવાસીલ (૧૪) વિનય શીલ  (૧૫) વચનશીલ (૧૬) ધૈર્યશીલ.

બોક્સ આઇટમ – ૩

————————

પૂજ્ય મોરારીબાપુની રામકથા જ્ઞાનયજ્ઞ નથી, પ્રેમ યજ્ઞ છે. અહીં શ્રોતાઓ પોતાનો ભાવ પ્રગટ કરવા માટે સ્વતંત્ર  છે. બાપુએ આજે એક બાલિકા, એક દિવ્યાંગ યુવક, અન્ય ત્રણ યુવાનો, બે વડિલો અને બે દંપત્તિ – એ સહુનો પ્રેમ ભાવ જોઇને એમને વ્યાસપીઠ પર બોલાવી, રામનામી આપી અને એ રીતે સૌને ધન્યતાનો પ્રસાદ આપ્યો.

Related posts

દિવ્ય રામ યાત્રા સતના પહોંચી – અગસ્ત્ય મુનિ આશ્રમ ખાતે મોરારી બાપુની રામ કથાનો શુભ પ્રારંભ

truthofbharat

કોક સ્ટુડિયો ભારત ધરતી, વફાદારી અને ગીતાત્મક વારસાની વાર્તા પંજાબ વેખ કે સાથે ત્રીજું ગીત રજૂ કરે છે

truthofbharat

બીએનઆઇ પ્રોમેથિયસે તેના પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવની ચોથી આવૃત્તિનું સફળ આયોજન કર્યું

truthofbharat