અમદાવાદ
અમેરીકામાં વિઝા લેવાનું રાણીપના વેપારીને મોઘું પડ્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારીને ઠગ ટોળકીએ અમેરિકા સ્થિત કંપનીમા પાંચ લાખ ડોલર એટલે કે 3. 10 કરોડનું રોકાણ કરશો તો તેમને અને પરિવારને વિઝા મળશે તેવી વાત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નીવાર શાખામાં બે શખસો સામે ફરિયાદ નોધાવી હતી.
શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી દેવમંદિર સોસાયટીમાં યોગેશ પટેલ પરિવરા સાથે રહે છે અને નિર્ણયનગર ખાતે દુકાન ધરાવી સિમેન્ટનો વેપાર કરે છે. વર્ષ 2014માં મિત્ર અરવિંદ પટેલ (રહે. રાણીપ)ની રાણીપ ઓફિસ પર યોગેશભાઇ ગયા હતા. જ્યા તેમના મિત્ર વિક્રમ રમેશ વાઘેલા (રહે. ભાગ્યોદય સોસા. રાણીપ) અને મોહીત શાહ (રહે. થલતેજ ) હાજર હતા. યુએસએ ખાતે આવેલી મીપ્ટેગ કોર્પોરેશન નામની કંપનીમાં મોહીત શાહ ચીફ ફાઇનાન્સીયલ ઓફિસર છે અને આ કંપનીમાં પાચ લાખ યુએસએ ડોલરનું રોકાણ કરો તો પરિવરા સાથે ઇબી-5 ઇમીગ્રેશન વિઝા કરાવી આપે છે. વિઝા બાદ પાંચ લાખ યુએસએ ડોલર સામે સાત લાખ યુએસએ ડોલર પરત આપે છે જેનો લેખીત કરાર પણ કરી આપશે. આમ નક્કી થયા મુજબ યોગેશભાઇની પત્ની અને પુત્ર ગૌરવના ખાતમાંથી 3.10 કરોડ કરાવ્યા હતા. 2017માં વધુ સાત લાખ ડોલર પરત આપશે તેવા કરાર કરી આપ્યા હતા. બાદમાં પરિવારે પોતાના વિઝાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ તેમના ખુટતા ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી હતી. બંને શખશો વિઝા મળી જશે તેવી વાત કરતા અને ભરોષો અપાવતા હતા. દરમિયાનમાં વર્ષ 2019માં વિઝા રદ થયાનો પત્ર મળ્યો હતો. કંપનીના ડોક્યુમેન્ટ ન આપતા વિઝા રદ થયાનું જાણવા મળ્યું હતું. પૈસા વપરાઇ ગયા છે તમારાથી થાય તે કરી લો તેમ કહેતા યોગેશભાઇએ ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કર્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચમાં મોહીત રાજીવ શાહ (રહે. લવકુશ એપાર્ટમેન્ટ, થલતેજ) અને વિક્રમ રમેશ વાઘેલા (રહે. ભાગ્યોદય સોસાયટી રાણીપ ગામ) સામે ફરીયાદ નોધાવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.