- ઝીનત અમાન તથા શ્યામ બેનેગલ પ્રતિષ્ઠિત લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિતઃ કાજોલ તથા શાહરુખ ખાને તેમની સફળ ફિલ્મો- દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, કભી ખુશી કભી ગમ અને કુછ કુછ હોતા હે-નાં દૃશ્યો પુનઃ જીવંત કર્યાં
ગુજરાત, અમદાવાદ | ૧૨મી ઓક્ટોબર ૨૦૨૫: ગુજરાત ટુરિઝમના સહયોગથી 11 ઓક્ટોબર, 2025ના રોજ કાંકરિયા લેકની એકા એરેનામાં 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2025નું ભવ્ય આયોજન થયું હતું. આ ઐતિહાસિક સમારંભમાં હિન્દી સિનેમાના ટોચના સ્ટાર્સની હાજરીમાં ધમાકેદાર પર્ફોર્મન્સ યોજાયા હતા અને ભાવુક ભાવાંજલિ આપવામાં આવી હતી.
આ ભવ્ય સમારંભમાં ‘લાપતા લેડીઝ’ને શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી, જ્યારે અભિષેક બચ્ચન (‘આઈ વાન્ટ ટુ ટોક’) અને કાર્તિક આર્યન (‘ચંદુ ચેમ્પિયન’) વચ્ચે લીડિંગ રોલ (મેલ)નો શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર વહેંચાયો. આલિયા ભટ્ટને ‘જિગરા’ માટે લીડિંગ રોલ (ફિમેલ)નો શ્રેષ્ઠ અભિનેત્રીનો તાજ મળ્યો.
સમારંભની શરૂઆત ભવ્ય ડ્રોન શો સાથે થઈ જેનાથી અમદાવાદનું આકાશ ઝળહળી ઊઠ્યું હતું. આ ડ્રોન શો દ્વારા હિન્દી સિનેમાના દાયકાઓની કથા રજૂ કરવામાં આવી હતી. ઊર્જા અને ચમકથી ભરપૂર આ કાર્યક્રમમાં શાહરુખ ખાને ‘જવાન’ના ટાઇટલ ટ્રેક પર ધૂમધામથી પ્રવેશ કરીને ફિલ્મી સિતારાઓભરી સાંજને વધુ યાગદાર બનાવી દીધી. અક્ષય કુમારે પોતાના ક્લાસિક ‘તુમ દિલ કી ધડકન મેં રહતે હો’ પરફોર્મ કરીને તે ફિલ્મફેરને સમર્પિત કર્યું. ત્યારબાદ ‘ટિપ ટિપ બરસા પાણી’, ‘ચુરા કે દિલ મેરા’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવાં ગીતો ઉપર ત્યાં ઉપસ્થિત સૌને ડોલાવી દીધા. આ સમારંભ દરમિયાન અક્ષયના એક ગીત ઉપર અમદાવાદીઓ આફરીન પોકારી ગયા હતા એ ગુજરાતી ગીત હતું ‘આજે રોકડા ને ઉધાર કાલે’. તો અનન્યા પાંડેએ પણ ગુજરાતી ધુનો અને વારસાને ‘ઢોલીડા’, ‘ઉડી ઉડી જાયે’ અને ‘નગાડે સંગ ઢોલ’ જેવાં ગીતો પર પરફોર્મ કરીને સૌને ભાવુક બનાવી દીધા હતા. શાહરુખ ખાન અને કરણ જોહરે ‘ગુજ્જુ’ના બીટ્સ પર વાતાવરણને રોમાંચિત કરી દીધું હતું. કૃતિ સેનને ઝીનત આમને ‘ચુરા લીયા હૈ તુમને જો દિલ કો’, ‘આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે’ અને ‘લૈલા ઓ લૈલા’ પર ગ્લેમરસ ભાવાંજલિ આપી. અભિષેક બચ્ચનએ પિતા અમિતાભને ‘અપની તો જૈસે તૈસે’, ‘ખાઈકે પાન બનારસ વાલા’ અને ‘જુમ્મા ચુમ્મા’ પર ધમાકેદાર પરફોર્મ કર્યું. તો સિદ્ધાંત ચતુર્વેદીએ ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’, ‘જુલી જુલી’, ‘આપ કે આ જાને સે’ અને ‘દિલ ને દિલ કો પુકારા’ જેવાં ગીતો પરનું પરફોર્મન્સ પ્રેક્ષકોને બોલિવૂડના ગોલ્ડન સમયમાં લઈ ગયું.
તમામ માટે એ ક્ષણ ભાવુક બની ગઈ હતી જ્યારે શાહરુખ ખાને અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપી. ખાસ વાત એ છે કે એ સમયે જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા પ્રેક્ષકોની વચ્ચે હાજર હતાં.
શાહરુખ ખાન અને કાજોલે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કભી ખુશી કભી ઘમ’ અને ‘કુછ કુછ હોતા હૈ’નાં યાદગાર દૃશ્યોને પુનઃજીવિત કરીને સૌને ભૂતકાળની યાદમાં તરબોળ કરી દીધા હતા. એક તબક્કે હોસ્ટ મનીશ પોલે એકાએક દર્શક વચ્ચે પહોંચી જઈને સંજુ રાઠોડને આમંત્રિત કરીને ‘શેકી શેકી’ અને ‘ગુલાબી સાડી’ પર પરફોર્મ કરાવી પ્રેક્ષકોની વાહ-વાહ મેળવી હતી. ‘શ્રીકાંત’ માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) જીતનાર રાજકુમાર રાવે શાહરુખ ખાન અને મનીશ પૌલ સાથે ‘સ્ત્રી ૨’ના ‘આયી નઈ’ના હુક સ્ટેપ કરીને સૌને ડોલાવી દીધા હતા. આ સમારંભની સૌથી વધુ ભાવુક પળ એ રહી જ્યારે અભિષેક બચ્ચને કારકિર્દીનો પ્રથમ ફિલ્મફેર બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ, મેલ) મળ્યા બાદ ભાવુક શબ્દોમાં આભાર વ્યક્ત કર્યો હતો.
આ 70મી આવૃત્તિમાં હિન્દી સિનેમાની વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠતાનું સન્માન કરવામાં આવ્યું. અભિનયમાં રાજકુમાર રાવ (‘શ્રીકાંત’)ને બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) અને પ્રતિભા રંટા (‘લાપતા લેડીઝ’)ને બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) મળ્યો. રવિ કિશન અને છાયા કદમ (‘લાપતા લેડીઝ’)ને સપોર્ટિંગ રોલમાં શ્રેષ્ઠ મેલ અને ફિમેલ અભિનેતા તરીકે સન્માનવામાં આવ્યાં. ‘આઈ વાન્ટ ટુ ટોક’ને બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) અને કિરણ રાવને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો.
સંગીતમાં રામ સંપતને બેસ્ટ મ્યુઝિક આલ્બમ માટે, પ્રશાંત પાંડેને શ્રેષ્ઠ ગીત માટે તથા અરિજીત સિંહ (‘સજની’) તથા મધુબંતી બાગચી (‘આજ કી રાત’) અનુક્રમે શ્રેષ્ઠ ગાયક – ગાયિકા એવોર્ડથી સન્માનિત થયાં. અગાઉથી જાહેર થયેલા ટેક્નિકલ અને રાઇટિંગ એવોર્ડ વિજેતાઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ‘કિલ’, ‘લાપતા લેડીઝ’, ‘આર્ટિકલ ૩70’, ‘આઈ વાન્ટ ટુ ટોક’ અને ‘મુંજ્યા’ નો સમાવેશ થતો હતો.
ખાસ નોંધપાત્ર છે કે, આ 70મા ફિલ્મફેર પુરસ્કાર સમારંભમાં ‘લાપતા લેડીઝ’ 13 એવોર્ડ્સ સાથે ટોપ પર રહી, જ્યારે ‘કિલ’ 6 અને ‘આઈ વાન્ટ ટુ ટોક’ 3 સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહી. કુણાલ ખેમુ (‘મડગાંવ એક્સપ્રેસ’) અને આદિત્ય સુહાસ જાંભાલે (‘આર્ટિકલ 370’)ને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર એવોર્ડથી નવાજવામાં આવ્યા.
ભારતીય સિનેમામાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઝીનત અમાન તેમજ શ્યામ બેનેગલને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. ‘સીને આઇકોન એવોર્ડ્સ’ નામે વિશેષ શ્રેણીમાં પ્રત્યેક સમયગાળાના સિને દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું. તે અનુસાર 1950ના દાયકા માટે બિમલ રોય, દિલીપ કુમાર અને મીના કુમારી; 1960ના દાયકા માટે નૂતન; 1970ના દાયકા માટે અમિતાભ બચ્ચેન, જયા બચ્ચન, રમેશ સિપ્પી; 1980ના દાયકા માટે શ્રીદેવી; 1990 માટે શાહરુખ ખાન, કાજોલ, કરણ જોહરને સન્માનિત કરવામાં આવ્યાં.
આ ભવ્ય સમારંભમાં રેડ કાર્પેટ પર જેકી શ્રોફ, લક્ષ્ય, કાજોલ, જયા બચ્ચન, સન્ની લિઓની, હર્ષવર્ધન રાણે, હુમા કુરેશી, અનુપમ ખેર, શ્વેતા બચ્ચન-નંદા, સન્ની સિંહ અને નીતાંશી ગોઇલ જેવાં સિતારા ચમક્યાં હતાં.
સમારંભ દરમિયાન ટાઇમ્સ જૂથના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત જૈને ભારતમાં ઉત્તરોત્તર લોકપ્રિય થઈ રહેલી રમત ઇન્ડિયન પિકલબોલ લીગનો લોગો લોન્ચ કર્યો હતો. યુવા અને રમતગમત બાબતોના મંત્રાલય દ્વારા માન્યતાપ્રાપ્ત આ સંસ્થાએ પીડબ્લ્યુઆર ઇન્ડિયાને દેશની પ્રથમ નેશનલ ફ્રેન્ચાઇઝ પિકલબોલ લીગની મંજૂરી આપી છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, “ભારતીય મનોરંજન જગત ક્રિએટિવિટી અને નવીનતાની નવી ઊંચાઈઓ તરફ આગળ વધે છે. ગુજરાત માટે આ 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ગર્વનો વિષય છે. સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવંત વારસો ધરાવતું ગુજરાત ખૂબ ઝડપથી વાર્તાકળા તેમજ સર્જનાત્મક અભિવ્યક્તનું હબ બની રહ્યું છે. ફિલ્મફેરના આ ઐતિહાસિક પડાવ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તથા મનોરંજન ઉદ્યોગના દિગ્ગજોને અમારા ઉમદા રાજ્યનું ભાતીગળ આતિથ્ય માણવા આમંત્રણ પાઠવું છું.
ટાઇમ્સ જૂથના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત જૈને કહ્યું હતું કે, “ફિલ્મફેરે સાત દાયકાથી ભારતીય સિનેમાના આ પ્રવાસમાં સાથે રહ્યું છે અને તેની શ્રેષ્ઠતા, રચનાત્મકતા તથા વાર્તાકથનનું સાક્ષી રહ્યું છે. આ 70મી આવૃત્તિમાં માત્ર ફિલ્મોનું સન્માન નહીં, પરંતુ એ સમગ્ર ઇકોસિસ્ટમનું સન્માન છે જેણે મનોરંજનની સંસ્કૃતિ ઊભી કરી છે, તેના દ્વારા અર્થતંત્રને આગળ વધાર્યું છે તેમજ રચનાત્મકતા દ્વારા દેશના માળખાને મજબૂત કરે છે. અમે દર્શકો, ફિલ્મ જગત અને અમારા ભાગીદારોનો આ અવિસ્મરણીય સમારંભ માટે આભાર માનીએ છીએ.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી તરુણ ગાર્ગે કહ્યું હતું કે, “HMIL સિનેમાના આત્મા સાથે જોડાયેલી છે. જેમ સિનેમા તેની પટકથા, વાર્તાકથમ તેમજ સિનેમાની ટેકનિકમાં પરિવર્તન કરી રહ્યું છે, તેવી જ રીતે હ્યુન્ડાઇ ગતિશીલતાને ફરીથી વ્યાખ્યાયિત કરતી અને રોજિંદા અનુભવોને ઉન્નત બનાવતી અગ્રણી ટેકનોલોજી તથા ગ્રાહક-કેન્દ્રિત નવીનતાઓ અપનાવવા મક્કમ છે. સતત ત્રીજા વર્ષે ફિલ્મફેર સાથે જોડાણ અમારી વચનબદ્ધતા લાખો આકાંક્ષાઓ સાથે સાયુજ્ય સાધવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત અમારા માટે માત્ર બજાર નહીં પરંતુ અમારો પરિવાર છે અને આ સંબંધ 30 વર્ષથી ગાઢ છે. અમારી બ્રાન્ડની ફિલોસોફી ‘પ્રોગ્રેસ ફૉર હ્યુમેનિટી’ છે જે અમારી તમામ કામગીરીમાં અમને અમારી સીએસઆર પ્રવૃત્તિ દ્વારા લોકોના જીવનમાં સુધારો કરવા માર્ગદર્શન આપે છે.
ZENL, BCCL TV & Digital Networkના વર્લ્ડવાઈડ ડિરેક્ટર અને સઈઓ રોહિત ગોપાકુમારે જણાવ્યું હતું કે, “અમે, ફિલ્મફેર એવોર્ડ્સ, ફિલ્મ ઉદ્યોગ તથા ગુજરાતના અદ્દભૂત દર્શકો નસીબદાર છીએ કે આ સમારંભ એવી જગ્યાએ થઈ રહ્યો છે જે સાચા અર્થમાં રરચનાત્મકતા, સંસ્કૃતિ અને સિનેમાનો સ્વીકાર કરે છે. આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સની 70મી આવૃત્તિ તથા 70નો આંકડો અમારા માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. તે ભારતીય સિનેમાના સુવર્ણ યુગ અને વારસા વચ્ચેના પુલની ઉજવણી પણ બની રહી છે. અમે ગુજરાત સરકાર તથા હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડનો તેમના નિયમિત સહયોગ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ જેને કારણે આ યાદગાર કાર્યક્રમ થઈ શક્યો.
ફિલ્મફેરના એડિટર-ઇન-ચીફ જીતેશ પિલ્લાઈએ આ પ્રસંગે કહ્યું કે, “સાત દાયકામાં હિન્દી સિનેમાએ પ્રતિભા, વિઝન તથા જુસ્સાને વાર્તાકથન દ્વારા નવું પરિમાણ આપ્યું છે. આ પ્રવાસમાં ફિલ્મફેર સતત ગૌરવપૂર્વક સાથે રહ્યું છે જેમાં ફિલ્મોને, ઉદ્યોગને આગળ વધારનાર અને પ્રેક્ષકોને પ્રેરણા આપનાર કલાકારોનું નોંધપાત્ર પ્રદાન જોવા મળ્યું છે. આ વર્ષના વિજેતાઓ વિવિધતા, રચનાત્મકતા અને ઉત્કૃષ્ટતાનાં પ્રતીક છે. 70મા ફિલ્મફેર એવોર્ડ્સ દ્વારા આ સિદ્ધિઓનું સન્માન થયું છે એટલું જ નહીં પરંતુ પ્રત્યેક વાર્તા અને કલાકારનું સન્માન થયું છે જેમણે હિન્દી સિનેમાના વાયબ્રન્ટ વારસાને આકાર આપ્યો છે.
સાત દાયકાની સિનેમેટિક ઉત્કૃષ્ટતાને ચિહ્નિત કરતા ગુજરાત પ્રવાસનના સહયોગમાં આ 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ દ્વારા આ સમારંભ ભારતીય સિનેમાની સૌથી પ્રતિષ્ઠિત ઉજવણી બની રહી છે.
