ગુજરાત, અમદાવાદ | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — સાવરકુંડલાની ચેતનાસભર ભૂમિ પર આજથી ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રનો ગૌરવપૂર્ણ આરંભ થયો. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય મોરારી બાપુએ સાવરકુંડલાની ભૂમિને નમન કરી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય બોરીસાગર બાપા, ગુજરાતી સાહિત્ય પરિષદના વરિષ્ઠ વડીલ રઘુવીરભાઈ ચૌધરી, વર્તમાન યુવાન પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી તથા વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરીશભાઈ સહિત મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોને પ્રણામ કર્યા.
આ સમારોહમાં ગુજરાત સાહિત્ય પરિષદના ટ્રસ્ટી શ્રી રઘુવીર ચૌધરી, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ભરત મહેતા, વિકાસ મંત્રી સુશ્રી સંધ્યા ભટ્ટ, ગ્રંથાલય મંત્રી સુશ્રી રૂપા શેઠ, કોષાધ્યક્ષ શ્રી સંજયભાઈ ચૌધરી તેમજ કવિ શ્રી પ્રણવભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય મોરારી બાપુએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સાહિત્ય કોઈ એક વર્ગ કે વિચારધારાની મોનોપોલી નથી. “સૌને સાથે લઈને ચાલે એનું નામ સાહિત્ય”— એમ કહી તેમણે ઉમાશંકર જોશી, કવિ કાગ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, રાજાજી, મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન વિચારોના ઉલ્લેખ દ્વારા સાહિત્યની વ્યાપકતા અને માનવતામૂલક સ્વરૂપને ઉજાગર કર્યું.
તેમણે કહ્યું કે સાહિત્યનો મૂળ ધર્મ છે—વિશાળતા, સ્વીકાર, સંવાદ અને સંઘર્ષનો અંત. જે રચનાઓ સૌના હિતને સમાવે, સંકીર્ણતા દૂર કરે અને પરસ્પર સ્નેહ ઊભો કરે, તે જ સાચું સાહિત્ય છે. ભાષા કોઈ પણ હોય—ગુજરાતી, બંગાળી કે હિન્દી—જો તે માનવમનને જોડે તો તે સાહિત્યનો સાચો ભાવ છે.
જ્ઞાનસત્રના મહત્વને સમજાવતા મોરારી બાપુએ વ્યાસમુનિના સંદર્ભ સાથે “સત્ર”નો અર્થ સમજાવ્યો—જ્યાં પરસ્પર પ્રેમ, મૈત્રી અને જ્ઞાનનું આદાન-પ્રદાન થાય, જ્યાં નિંદા નહીં પરંતુ વિચાર અને નિદાન હોય. તેમણે શ્રોતા-ભાવનું મહત્વ રેખાંકિત કરતા કહ્યું કે શ્રવણ જ પ્રથમ ભક્તિ છે અને શબ્દ, સ્વર તથા છંદ—બ્રહ્મ સ્વરૂપ છે.
સાવરકુંડલાના નામ અને અર્થ વિશે લોકપ્રચલિત વાતોને યાદ કરતાં તેમણે ગામની સંસ્કૃતિ, સ્વચ્છતા અને સેવાભાવની પ્રશંસા કરી. આ સાથે સાવરકુંડલામાં શિક્ષણ, આરોગ્ય અને સંસ્કૃતિ ક્ષેત્રે થયેલા કાર્ય બદલ સ્થાનિક સંસ્થાઓ અને સેવાભાવી આગેવાનોને સાધુવાદ આપ્યો.
અંતમાં મોરારી બાપુએ જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે તેમનો સંબંધ કોઈ સ્વાર્થથી નહીં પરંતુ પ્રેમ અને સંવાદથી જોડાયેલો છે. જ્ઞાનસત્ર જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓ સમાજને વિચાર, સંવેદના અને સમરસતાની દિશામાં આગળ લઈ જાય છે—એવી ભાવના સાથે તેમણે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.
=============
